Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

કોરોના કહેર વચ્ચે

લોકડાઉન હોવા છતાં જીવન જરૂરી કરીયાણું-ખાદ્ય પદાર્થો સરળતાથી મળે છેઃ અમુક વસ્તુઓની શોર્ટેજ

મમરા, ગોળ, તેલ, પૌવા, રવો, મેંદો મેળવવામાં લોકોને થોડી મુશ્કેલીઃ ખાંડ, મગ, મગછડી, મગફાડામાં ભાવ વધારો. : પ્રખ્યાત ચેવડાવાળાઓ બંધ રહેતા અને બાલાજી-ગોપાલ વિગેરેના પેકીંગની આવક બંધ થતાં ચૈત્રી નવરાત્રીમાં ફરાળી ચેવડો અને વેફર બજારમાંથી અદ્રશ્યઃ અવેજીમાં અન્ય વસ્તુઓ હાજર. : પાણીપુરીની પુરી બંધ થતા બહેનોમાં રોષ અને નિરાશા. : બેકરીમાં બ્રેડ મળેછે પણ પીઝાના રોટલા, કુકીઝ, ખારી, ટોસ્ટ, કેક વિગેરે ફ્રીલી અવેલેબલ નથીઃ ફરસાણની દુકાનો બંધ : ચોકલેટ, શીખંડ, મીઠાઇ, મેત્રી, બિલ્કીટના શોખીનોની હાલત કફોડીઃ રોજ બિસ્કીટ ખાતા શેરીના કૂતરાઓને પણ ભૂખ્યું રહેવું પડેછેઃ મેત્રી છૂપી રીતે બજારમાં મળે છે? : તમામ કઠોળ છૂટથી મળી રહ્યા છેઃ ચીઝ-બટર પણ મળવા લાગ્યા. : બજારમાં વસ્તુઓના કાળાબજાર નથી થતાઃ માનવીય અભિગમના અદ્દભુત દર્શન : કસ્ટમર્સ પણ ફલેકસીબલ બનીને હાજર રહેલ વસ્તુ સ્વિકારતા થયા છે.

રાજકોટ તા. ૩૧: ભારત સહિત સમગ્ર  વિશ્વ હાલમાં કોરોના કહેર વચ્ચે ફસાઇ ગયુ છે  અને લાખો માનવ જીંદગીનું  જોખમ ઉભુ થયુ છે ત્યારે કોરોના સામેની તકેદારીરૂપે કેન્દ્ર સરકારે તા. ૧૪ એપ્રીલ ૨૦૨૦, સુધી  સમગ્ર દેશને લોકડાઉન  જાહેર કર્યો છે.

લોકડાઉનની પરિસ્થિતી  સંદર્ભે રાજકોટ - સૌરાષ્ટ્રની વાત કરીએ તો  લોકડાઉન હોવા છતાં રાજકોટમાં જીવનજરૂરી ગણાતુ મોટાભાગનું કરીયાણું સરળતાથી મળી રહ્યુ છે.  બટેટા, ડુંગળી, લસણ, ચોખા-ચણા-બાજરાનો લોટ, ઈડલી-ઢોસાનો લોટ, મસાલા, મીઠું , ચા-ખાંડ, સાબુદાણા, દુધ, દહીં છાશ વગેરે જેવી જરૂરી વસ્તુઓના કયાંય પણ કાળા બજાર થતા જોવા નથી મળતા. કોઇ વેપારી  કૃત્રિમ અછત ઉભી કરવાની કોશિશ નથી કરતા. અણધારી આવી પડેલી કોરોના નામની  આફતને હરાવવા  માટે બજારમાં માનવીય અભિગમના  અદભુત દર્શન થઇ રહ્યા છે. વેપારી કે દુકાનદાર પાસે વસ્તુ લેવા જતાં કસ્ટમર્સ પણ ફલેકસીબલ બનીને પસંદગીની વસ્તુ ન હોય તો હાજર રહેલ વસ્તુ સ્વિકારતા  થયા હોવાનું જાણવા મળે છે. જો કે  સાથે-સાથે સરકારી તંત્રનો પણ અભૂતપૂર્વ હકારાત્મક સહયોગ મળી રહ્યાનું માર્કેટમાં દેખાઇ રહ્યુ છે.

બજારમાં  હાલમાં અમૂક વસ્તુઓની શોર્ટેજ જોવા મળે છે તેમાં ખાસ કરીને  મમરા(ગોંડલ), પૌવા (ગોંડલ-બાવળા), ગોળ (મહારાષ્ટ્ર), એક અને પાંચ લીટર તથા ૧૫ કિલો તેલનું પેકિંગ , રવો- મેંદો (ઉત્તમ - અમદાવાદ) વિગેરેનો સમાવેશ  થાય છે. રવો-મેંદો પેકિંગમાં નથી મળતા પરંતુ લૂઝ અવેલેબલ હોવાનું અગ્રણી વેપારીઓ કહી રહ્યા છે.

મગ, મગછડી, મગફાડા વિગેેરેના એક કિલોએ બંધ બજારે  ૧૦ થી ૧૫ રૂપિયાનો ઉછાળો સંભળાય છે. ૧૧૫ રૂ. આસપાસ ભાવ જાણવા મળે છે.  ખાંડમાં (એમ ૩૦) પણ ૧ કિવન્ટલ (૧૦૦ કિલો)ના ૩૬૦૦માંથી  ૩૭૦૦ રૂપિયા થઇ ગયાનું જાણવા મળે છે.

રાજકોટના તમામ  પ્રખ્યાત ચેવડાવાળા તથા બાલાજી - ગોપાલ વિગેરેના નમકિન પેકિંગ બંધ થતા હાલમાં ચૈત્રી નવરાત્રીમાં લોકોને ફરાળી ચેવડો અને વેફર મેળવવામાં  ખૂબ જ  તકલીફ  જોવા મળી રહી છે.  લોકો   અવેજીમાં ફરાળમાં  સાબુદાણાની ખીચડી , શીંગદાણા- સામો, બટેટા, રાજગરાનો લોટ વિગેરેનો  બહોળો ઉપયોગ કરતા હોવાનું જોવા મળે છે. નિયમ મુજબ હાલમાં ફરસાણના ધંધાર્થીઓ તો વેપાર સાવ બંધ  જ રાખે છે. 

સાથે-સાથે પાણીપુરીની તૈયાર પેકિંગમાં આવતી પુરી બંધ થતા મોટાભાગના બહેનોમાં ભારે રોેષ અને નિરાશા જોવા મળી રહી છે.  કારણકે પાણીોપુરીની વાત આવે  એટલે લેડીઝનો મૂડ જ બદલાઇ જતો  જોવા મળે છે. પાણીપુરીી પુરીની અવેજીમાં બહેનો ઘરે તળવાની અને ખાવાની પુરી બનાવતા હોવાનું ગૃહિણીઓ કહી રહ્યા છે.

 બેકરીમાં  બ્રેેડનું વેચાણ કરવાની છૂટ  છે પરંતું પીઝાના રોટલા, કૂકિઝ, ખારી ટોસ્ટ , કેક વિગેરે  ફ્રીલી અવેલેબલ  નથી.  ચોકલેટ, શીખંડ, મીઠાઇ મેગી વિવિધ બ્રાન્ડસના બિસ્કીટ વિગેરે પણ છૂટ થી મળતા ન હોય , તેના શોખીનોની હાલત કફોડી થઇ હોવાનુ જોવા મળે છે. ઘણાં લોકો તો દરરોજ શેરીના કૂતરાઓને ચોકકસ બ્રાન્ડના જ બિસ્કીટ  ખવડાવતા હોય છે.  બિસ્કીટની શોર્ટેજ થી કૂતરાઓને  પણ ભૂખ્યુ રહેવું  પડતુ હોવાનું દેખાઇ  છે.

નાના - મોટા સૌને પ્રિય અને બનાવવામાં સૌથી સરળ એવી મેગી વિશે એવી પણ ચર્ચા વેપારીઓમાં થાય છે કે મેગી નો માલ બજારમાં છુપી રીતે લાવીને રાખી  દીધેલો છે  અને વેચાઇ  રહ્યો છે. રાજકોટની  ભાગોળે આવેલ નવાગામ ખાતેથી એક યા બીજી રીતે મેગી રાજકોટમાં પહોંચી જાય છે.

મગ, ચણા, રાજમા , ચોળી, મઠ, વાલ સહિતના તમામ કઠોળ બજારમાં સરળતાથી લોકો  ખરીદી  રહ્યા છે.  ઉપરાંત છેલ્લા  ચારેક દિવસથી  શોર્ટમાં રહેતા ચીઝ- બટર પણ ગઇકાલથી  બજારમાં મળવા લાગ્યાનું  લોકો  તથા વેપારીઓ કહી રહ્યા છે.

આમ, લોકડાઉન થતાં લોકોએ ગભરાટમાં વસ્તુ લેવા માટે અને બંધ દરમ્યાન જીવન જરૂરીયાતની  વસ્તુઓ નહીં મળે તેવા વિચારથી પ્રથમ ચાર દિવસ ખૂબ જ  દોડા દોડી કરી હતી. પરંતુ દરેક  વસ્તુનો પૂરવઠો સતત જળવાઇ રહેતા અને વસ્તુઓ સરળતાથી મળવા લાગતા  વસ્તુઓના સંગ્રહમાં પણ ઘટાડો થયો હોવાનું જોવા મળે છે.

સાથે - સાથે  રાજકોટમાં જીવનજરૂરી  વસ્તુઓની હોલસેલ માર્કેટ  ગણાતી દાણાપીઠ સવારે ૯ વાગ્યાથી ત્રણ - ચાર  કલાક ખૂલી હોય છે.  ઉપરાંત કરીયાણાની સેમી હોલસેલ  માર્કેટ ગણાતી ગુમાનસિંહજી શોપિંગ સેન્ટર , જ્યુબેલી  ખાતે પણ સવારે પાંચ વાગ્યાથી   ત્રણ - ચાર  કલાક ખૂલી હોવાથી લોકોને વસ્તુઓ મેળવવામાં કયાંય તકલીફ પડતી હોવાનું જોવા મળતુ નથી.

પાન-માવાના બંધાણીની હાલત દયનીયઃ ડબલ ભાવ આપવા પડે છે

કોરોના તથા લોકડાઉનને કારણે પાન, માવા, તમાકુના બંધાણીની હાલત દયનીય જોવા મળે છે .પાન-માવાના ગલ્લા-દુકાનો કયાંય પણ ખૂલ્લા ન હોય, છૂપી રીતે ૧૩પ વાળા માવા કે પાન મેળવવા માટે રાજકોટમાં ૧ર રૂપિયાની ફાકીના રપ રૂપિયા બોલાતા હોવાની ચર્ચા છે. તમાકુ સ્વાસ્થ્ય માટે ચોક્કસપણે હાનિકારક છે છતાં પણ બંધાણીઓ વ્યસનીઓ હસતા મોઢે ડબલ ભાવ ચુકવી રહ્યાનું સંભળાઇ રહ્યું છે.

અનાજ-કરીયાણાના વેપારીઓની ઉઘરાણી ફસાવા માંડી છે

કોરોના-લોકડાઉનને કારણે અનાજ-કરીયાણાના વેપારીઓની ઉઘરાણી ફસાવા માંડી હોવાનું અમુક વેપારીઓ કહી રહ્યા છે. સામાન્ય રીતે ૬ વ્યકિતના એક કુટુંબને મહિને ત્રણથી સાડાત્રણ હજાર રૂપિયાનું કરીયાણું જોઇએ. હવે જો હાલની સ્થિતીમાં વેપારી પાસે ડેબીટ ખાતાની ર૦ કસ્ટમર્સની બુક હોય તો પણ ૬૦ થી ૭૦ હજાર જેવી રકમ થઇ જાય. જે હાલની સ્થિતિ જોતા બધી જ ઉઘરાણી એક સાથે ન આવી શકે. બજારમાં વેપારી થ્રુ વેપારીમાં એક અઠવાડીયાનું ડેબીટ ચાલી રહ્યું છે.

ઘઉં-મસાલાની સીઝન ફેઇલ ?

બજારનાં વેપારી વર્તુળો કહી રહ્યા છે કે આ વર્ષે ઘઉં-મસાલાની સીઝન ફેઇલ જાય તેવી સંભાવના છે. સામાન્ય રીતે દર વર્ષે જુન મહિના સુધી સિઝન હોય છે. જુન મહિના પછી વરસાદ અને ભેજ શરૂ થતા લોકો આખા વર્ષના ઘઉં-મસાલા ન ભરે. પરંતુ દર મહિને જરૂરીયાત મુજબ ખરીદી કરે. આ વર્ષે કોરોના તથા લોકડાઉનને કારણે, માર્કેટમાં પૈસાની પણ ખેંચ રહેશે અને બજારની સ્થિતિ સામાન્ય થતાં કદાચ જુન મહિનો આવી જશે. જો કે લોકો રીટેઇલ - છૂટક ખરીદી કરે તેમાં કદાચ નફો વધુ મળી શકે.

(3:41 pm IST)