Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

મહામુસીબતો વચ્ચે પણ મીડિયા બજાવી રહું છે મહાફરજ... હાફતું રહ્યું, તોય દોડતું રહ્યું

કલ્પના કરી લ્યો જો મીડિયા તાળાં મારીને બેસી ગયુ હોત તો મહામારીની ગંભીરતાના સમાચારો કે સરકારી આદેશો તમારા સુધી કોણ પહોચાડત? : તમારે શું ધ્યાન રાખવુ? તેની માહિતી કોણ પહોચાડત? : તબીબ, પોલીસ, સફાઇ કામદારોની જેમ મીડિયાને પણ એક સેલ્યુટ મારવી ઘટે

રાજકોટ તા. ૩૧ : પરિસ્થિતિ ગમે તેવી હોય પણ માહિતી મેળવવી અને લોકો સુધી પહોંચતી કરવી એ ફરજ મીડિયાની બની રહે છે. ત્યારે હાલ કાળો કેર વરતાવતી કોરોનાની ભયાવહતા વચ્ચે પણ મીડિયા તેની ફરજ બજાવવામાં જરાય ઉણુ ઉતર્યુ નથી. પછી એ પ્રિન્ટ મીડિયા હોય કે ઇલેકટ્રોનીકસ મીડિયા હોય. દરેક સતત હાફતા રહ્યા, છતાય દોડતા રહ્યા છે.

હમણા થોડા સમય પહેલા સોશ્યલ મીડિયામાં કોઇએ એક લોગો શેર કર્યો હતો. જેમાં ડોકટરનો સ્ટેથોસ્કોપ, પોલીસની કેપ અને સફાઇ કામદારના ઝાડુનો સીમ્બોલ મુકવામાં આવ્યો હતો. ભલે ગમે તેણે એ સીમ્બોલ બનાવ્યો હોય. આમાં મીડિયાની કલમનો કે કેમેરાનો સીમ્બોલ મુકવાનો વિવેક ચુકાય ગયો હતો. સમજી લઇએ કે એ ભુલ જાણી જોઇને ન કરાઇ હોય. કદાચ માનવ સહજ હોઇ શકે. પરંતુ અહીં એ કહેવુ જરૂરી છે કે સાંપ્રત પરિસ્થિતીમાં મીડિયાની કામગીરી જરાય ઓછી ઉતરતી નથી જ!

બધુ જ બંધ, બધાય ઘરે બેઠા જલ્સા કરી રહ્યા હોય સૌ પોતાના પરિવારને સાચવવામાં પડયા હોય. ત્યારે મીડિયા કર્મીઓ મોઢે માસ્ક કે બુકાની બાંધીને જાણે યુધ્ધના મેદાનમાં જતા હોય એ રીતે યા હોમ કરીને ઘર પરિવારને ભગવાન ભરોસે મુકીને નીકળી પડતા હોય છે. માર્ગો પર શું સ્થિતી છે તે કવર કરવા દોડધામ કરવી પડે છે. અરે જયાં ચેપની પુરી સંભાવના હોય તેવી હોસ્પિટલોની પણ મુલાકાત લેવી પડતી હોય છે. શું આ જોખમ ઓછુ છે?

પણ આવા જોખમો વચ્ચે પણ મીડીયા હાફતુ રહ્યુ, દોડતુ રહ્યુ છે. તમે વિચાર તો કરી જુઓ કે મીડિયા પણ જો આવા સમયે તાળા મારીને બેસી ગયુ હોત તો? પળે પળની માહીતી તમને કોણ આપી શકત? સરકારી આદેશો થાય તે તમારા સુધી કોણ પહોંચાડત? તબીબોએ પણ લોકહિતમાં માર્ગદર્શન આપવુ હોયતો તે એ તમારા સુધી કોણ પહોચાડે?

મીડિયાની આવકની મોટી ધરી જાહેર ખબર ગણાતી હોય છે. પરંતુ હાલની સ્થિતીમાં મીડિયાએ સામે ચાલીને જાહેર ખબરો સ્વીકારવાનું બંધ કરી દીધુ. જેથી કરીને લોકો માર્ગો ઉપર ન આવે અને મીડિયા કાર્યાલયો પર જાણ્યે અજાણ્યે ભીડ કરવાની ભુલ ન કરી બેસે. હવે આવી તગડી આવક ગુમવવા છતા અખબારો અને ચેનલો ચાલુ રાખવી એ કઇ જેવી તેવી વાત તો ન જ કહેવાય.

આ ક્ષેત્રે કામ કરતા પત્રકારો, ફોટોગ્રાફરો કે કેમેરામેનો જ સેલ્યુટના અધિકારી નથી. ત્યાં ફરજ બજાવતા પટાવાળથી માંડીને તમામ ગ્રેડના કર્મચારીઓ સેલ્યુટના સમાન હકદાર છે. સૌ સૌના કાર્યને દીલ દઇને કરી જાણે ત્યારે જ મીડિયા સંપૂર્ણ રીતે ખીલી શકતુ હોય છે.

અખબારનું વિતરણ કરતા વિતરકો પણ આમાંથી બાકાત નથી. મહામહેનતે અખબારો તૈયાર થઇ ગયા પછી. અખબાર વિતરકો જ હથીયાર હેઠા મુકી દયે ને તોય આ આખી સાંકળ અટકી પડે. પરંતુ હાલની પરિસ્થિતી જોતા મોટા ભાગના અખબાર વિતરકો પણ મોટી હિમ્મત દાખવીને વિતરણની ફરજ બજાવી રહ્યા હોય તેઓ પણ શાબાસીના એટલા જ હકદાર છે.

આમ હાલ કોરોનાના કેર વચ્ચે તબીબ, પોલીસ, મીડીયા, સફાઇ કામદાર, રાશન અને દુધના વિતરકો બધા જ પોત પોતાના હિસ્સે આવેલી ફરજો ઇશ્વરીય કાર્ય સમજીને બજાવી રહ્યા છે. તેમની હિમ્મત વધે અને ઇશ્વરીય આશીર્વાદ તેમના પર વરસતા રહે તેવુ ઇચ્છીએ.

(3:38 pm IST)