Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

લોકડાઉનને કારણે મકાનવેરાની વળતર યોજના જુલાઇ સુધી લંબાવાઇ

અગાઉ ૩૧ મે સુધી જ વળતર યોજના હતી હવે ૩૧ જુલાઇ સુધી અનુક્રમે ૧૦% અને ૫% વળતર એડવાન્સ વેરો ભરનારને અપાશે : મેયર - કમિશ્નર સહિતના અધિકારીઓ - પદાધિકારીઓની જાહેરાત

રાજકોટ તા. ૩૧ : લોકડાઉનની સ્થિતિમાં અનેક નાગરિકો મકાનવેરો ભરી શકે તેમ ન હોઇ મ્યુ.કોર્પોરેશને મકાન વેરાની વળતર યોજનાને જુલાઇ મહીના સુધી લંબાવવા નિર્ણય લીધો છે.

આ અંગે  મેયર  બિનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ એક યાદીમાં જણાવે છે કે, સને૨૦૨૦-૨૧ના વર્ષમાં તા.૩૧ મે સુધી એડવાન્સ મિલ્કત વેરો ભરનાર મિલ્કતધારકને ૧૦% વળતર તથા મહિલા મિલ્કત ધારકોને વધારાના ૫% વળતર એટલે કે ૧૫% અને તા.૩૦ જુન સુધી એડવાન્સ મિલ્કત વેરો ભરનાર મિલ્કત ધારકને ૫% અને મહિલા મિલ્કત ધારકને ૧૦% વળતર આપવાનું મંજુર કરાયેલ છે.

હાલની કોરોના વાઇરસની મહામારીને ધ્યાનમાં રાખી સને ૨૦૨૦-૨૧ના વર્ષમાં એડવાન્સ મિલ્કતવેરો ભરનાર મિલ્કત ધારકોને તા.૩૧ મે ૨૦૨૦ને બદલે વિશેષ એક માસ એટલે કે તા.૩૦ જુન સુધી ૧૦% અને મહિલા મિલ્કત ધારકોને વધારાના ૫% વળતર યોજના લંબાવવામાં આવે છે. ઉપરાંત જુન-૨૦૨૦માં ૫% અને મહિલા મિલ્કત ધારકોને વધારાના ૫%ની વળતરની મુદ્દત જુનના બદલે તા. ૧/૦૭/૨૦૨૦થી તા.૩૧/૦૭/૨૦૨૦ સુધી મિલ્કત ધારકો વળતર યોજનાનો લાભ લઇ શકશે. આ બંને યોજનામાં ઓનલાઈન મિલ્કત વેરો ભરનાર મિલ્કત ધારકને વિશેષ ૧% વળતર આપવામાં આવશે.

(3:26 pm IST)