Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

મનપાનું કરયુક્‍ત અંદાજપત્ર ઘરના બજેટ વિખેરશે

મ્‍યુ. કમિશનરે બજેટ રજુ કરતા નાગરિકોની ચિંતામાં પણ તોતીંગ વધારો : શાસકો રાહત આપશે ? : પાણી - ગાર્બેજ કલેકશન - મિલકતના ટેક્ષ વધશે અને ઉપરથી નવા પર્યાવરણ કરનો બોજો સહન કરવા શહેરીજનોમાં મુંઝવણ

ફુલ ગુલાબી યોજનાઓને અલવીદા... : આજરોજ મનપાનું ૨૦૨૩-૨૪ના વર્ષનું સામાન્‍ય બજેટ મ્‍યુ. કમિશનર અમિત અરોરાએ સ્‍ટેન્‍ડીંગ કમિટીને સુપ્રત કર્યુ હતું. જે અંગેની પત્રકાર પરિષદમાં અમિત અરોરાએ પત્રકારોને બજેટ અંગે માીહતી આપી હતી. ઉપરોકત તસવીરમાં મ્‍યુ. કમિશનર અમિત અરોરા, ડે.કમિશનર આશીષકુમાર, ચેતન નંદાણી તથા ચીફ એકાઉટન્‍ટ અમિત સવજીયાણી તથા સ્‍ટાફ નજરે પડે છે. (તસ્‍વીર : અશોક બગથરીયા)

રાજકોટ તા. ૩૧ : આજે મ્‍યુ. કમિશનર અમિત અરોરાએ ૨૦૨૩-૨૪નું બજેટ સ્‍ટેન્‍ડીંગ કમિટીને સુપ્રત કર્યું હતું. જેમાં ૧૦૧ કરોડનો કરબોજ લાદવામાં આવ્‍યો છે. ઉપરાંત પાણી વેરો ત્રણ ગણો, મિલકત વેરામાં વધરો, ગાર્બેજ કલેકશન ચાર્જમાં વધારો ઝીંકાયો છે તથા નવા પર્યાવરણ ટેકસનો ઉમેરો કરવામાં આવ્‍યો છે. જો કે આ બજેટ વધારા ઉપર આખરી નિર્ણય શાસકો દ્વારા લેવાશે.

મહાનગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૧૮ થી કાર્પેટ એરીયા આધારિત વેરા પદ્ધતિ અમલમાં મૂકવામાં આવેલ છે. જેમાં કાર્પેટ એરિયા મુજબ ટેક્ષની ગણતરી માટે તળીયાના દરો જ લાગુ કરવામાં આવેલ જે અમદાવાદ તથા સુરત કરતા પણ ઓછા છે. રાજકોટ મહાનગરપાલિકા પર ખર્ચનો બોજો વધુ છે. તેથી રોજબરોજના ખર્ચને પહોંચી વળવા વેરાના દરમાં વધારો કરવો જરૂરી જણાય છે.       

વર્ષ ૨૦૨૨-૨૩ રાજકોટ મહાનગરપાલિકા માટે ખુબ જ મહત્‍વનું રહ્યું. આ વર્ષે વ્‍યાજ માફીની યોજના ના હોવા છતાં અત્‍યાર સુધીમાં રૂ. ૨૪૦.૦૦ કરોડની વસૂલાત કરવામાં આવી છે, આ વર્ષે અત્‍યાર સુધીમાં ૩,૩૦,૫૪૯ કરદાતાઓએ પોતાનો વેરો ભરપાઈ કરી આપેલ છે. જે પૈકી ૧૮૯૪૯૭ કરદાતા દ્વારા ઓનલાઈન પેમેન્‍ટની સુવિધાનો લાભ લઈ રૂ. ૧૧૩.૮૦ કરોડ જેટલી રકમની વેરાની ભરપાઈ કરેલ છે. આ એક રાજકોટ મહાનગરપાલિકાના ઈતિહાસમાં રેકોર્ડ છે. ચાલુ વર્ષે મહતમ આવક થાય તેવા પ્રયાસો છે. ચાલુ વર્ષે કરવેરા આવક રૂ. ૩૪૦.૦૦ કરોડ થવાની આશા છે અને આગામી વર્ષ ૨૦૨૩-૨૪ માટે રૂ. ૩૭૦.૦૦ કરોડનો અંદાજ રાખવામાં આવે છે, તેમજ સૂચિત સુધારાસહ  કરવેરાની આવક રૂ. ૪૭૦.૦૦ કરોડ થવાનો અંદાજ છે.

ચાલુ વર્ષ દરમ્‍યાન અર્લી બર્ડ સ્‍કીમ હેઠળ એડવાન્‍સમાં વેરો ૨,૮૪,૬૩૦ આસામીઓએ કુલ રૂ. ૧૭૭.૦૦ કરોડ ભરેલ છે. નિયમિત કરદાતાઓને પ્રોત્‍સાહન મળી રહે તે માટે ગત વર્ષની જેમ ચાલુ વર્ષે પણ અર્લી બર્ડ સ્‍કીમ સૂચવવામાં આવે છે અને મહિલા કરદાતાઓને વિશેષ ૫% વળતર આપવાની દરખાસ્‍ત છે.

મકાન વેરો

વર્ષ ૨૦૧૮ થી શરૂ કરવામાં આવેલ કારપેટ એરિયા આધારિત પધ્‍ધતી નાં અમલ કરતી વખતે કન્‍ઝર્વન્‍સી ટેક્ષ, ફાયર ટેક્ષ, ડ્રેનેજ ટેક્ષ, અને દીવાબતી ટેક્ષ રદ કરવામાં આવેલ. માત્ર સામન્‍ય કર રહેણાંક માટે રૂ. ૧૧ પ્રતિ ચો.મી. અને બિનરહેણાંક માટે રૂ. ૨૨ પ્રતિ ચો.મી. રાખવામાં આવેલ હતી.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેલ્લે વર્ષ ૨૦૧૮-૧૯ માં મિલકત વેરામાં સુધારણા કરવામાં આવેલ હતી, ત્‍યારે રાજકોટ મહાનગરપાલિકાનો મહેસૂલી ખર્ચ રૂ. ૫૮૫.૦૦ કરોડ હતો જેમાં ઉતરોતર વધારો થતા વર્ષ ૨૦૨૩-૨૪ માં રૂ. ૯૦૮.૦૦ કરોડ થવાનો અંદાજ છે. ઉપરોક્‍ત ખર્ચને પહોંચી વળવા માટે આગામી વર્ષ ૨૦૨૩-૨૪ માટે રૂ. ૧૩ પ્રતિ ચો.મી. અને બિનરહેણાંક માટે રૂ. ૨૫ પ્રતિ  ચો.મી. રાખવાની દરખાસ્‍ત છે.

ઉમરના પરિબળો

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેલ્લે વર્ષ ૨૦૧૮-૧૯ માં મિલકતની ઉમરના પરિબળોમાં સુધારણા કરવામાં આવેલ હતી, ત્‍યાર બાદ આગામી વર્ષ ૨૦૨૩-૨૪ માં વહીવટી સરળતા ખાતર ઉમરના પરિબળમાં સુધારો કરવો જરૂરી હોઈ પાંચ સ્‍લેબના સ્‍થાને બે સ્‍લેબ રાખવાનો સુધારો સૂચવવામાં આવે છે.

વોટર ચાર્જ

રાજકોટ શહેરને પાણી પુરૂ પાડવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ-અલગ સ્ત્રોતોથી તથા નર્મદા યોજનાનું પાણી જંગી ખર્ચથી મેળવવામાં આવે છે. ઘણી વખત અપૂરતા વરસાદના સંજોગોમાં નિયમિત પાણી વિતરણ કરવું પડકારરૂપ હોવા છતાં ગયા વર્ષે દૈનિક ૨૦ મિનીટ પાણી વિતરણ કરેલ છે. આ માટે અલગ અલગ જળાશયોથી પમ્‍પીંગ કરવા માટે ઘણો ખર્ચ કરવો પડે છે. સને ૨૦૨૩-૨૪ નાં વર્ષમાં આ સંબંધે કુલ ખર્ચ રૂ. ૧૫૭.૦૦ કરોડ જેટલો થવાનો અંદાજ છે. હાલમાં ૨૦૦૮ થી વોટર ચાર્જના દર મંજુર થયા પ્રમાણે વસુલ કરવામાં આવે છે. પાણી વિતરણ વ્‍યવસ્‍થા માટે થતા ખર્ચ સામે માત્ર ૨૭ ટકા જેટલો જ વસુલ થાય છે. આથી થતા ખર્ચને ધ્‍યાને રાખી આગામી ૨૦૨૩-૨૦૨૪ ના વર્ષ માટે પાણી વેરાના દર નીચે મુજબ વધારો સુચવવામાં આવે છે.

ખુલ્લા પ્‍લોટ પર ટેક્ષ

રાજકોટ શહેરમાં રહેલા ખુલ્લા પ્‍લોટોની સફાઇ માટે વધુ ખર્ચ થતો હોઇ તથા આવા ખુલ્લા પ્‍લોટો ન્‍યુસન્‍સ પોઇંટ બની જતા હોઇ વેરામાં વધારો કરવો જરૂરી જણાય છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેલ્લે વર્ષ ૨૦૧૬-૧૭ માં ખુલ્લા પ્‍લોટ પરના ટેક્ષના દરમાં સુધારણા કરવામાં આવેલ હતી, ત્‍યાર બાદ આગામી વર્ષ ૨૦૨૩-૨૪ માટે ખુલ્લા પ્‍લોટ ઉપર ટેક્‍સ વસુલ કરવાનો દર નીચે મુજબ સુચવવામાં આવે છે.

૫૦૦ ચો.મી. સુધીના ખુલ્લા પ્‍લોટ માટે વાર્ષિક રૂ. ૨૮ ચો.મી.  તથા૫૦૦ ચો.મી. થી વધુ ક્ષેત્રફળના ખુલ્લા પ્‍લોટ માટે વાર્ષિક રૂ. ૪૨ ચો.મી.  તેમજ વર્ષ દરમ્‍યાન કોઇપણ સમયમર્યાદામાં વાણિજયક હેતુ માટે ઉપયોગ થતો હોય તેવા ખુલ્લા પ્‍લોટ માટે વાર્ષિક રૂ. ૫૬ ચો.મી.રાજકોટ શહેરમાં રહેલા ખાનગી ખુલ્લા પ્‍લોટો પર ટેક્ષની વસૂલાત કરી તેમની આવકનું અલગથી ફંડ રાખવામાં આવશે અને આ વધારાની આવકમાંથી જરૂર પડ્‍યે ખાનગી પ્‍લોટોની પણ સફાઈ કરવામાં આવશે.

પર્યાવરણ

રાજકોટ મહાનગરપાલિકાની હદમાં વિસ્‍તારો અને વસ્‍તીમાં ક્રમશઃ વધારો થાય છે, જેની સાથોસાથ વાહનોની સંખ્‍યા પણ વધી રહી હોવાથી પ્રદુષણ અને ટ્રાફિક જેવી સમસ્‍યાનો સામનો કરવો પડે છે.

જેમાં પબ્‍લિક ટ્રાન્‍સપોર્ટેશનની સુવિધાને સુદ્દઢ બનાવવાની જરૂરી જણાય છે. જેથી નગરજનો પોતાના વ્‍યકિતગત વાહનોને બદલે પબ્‍લિક ટ્રાન્‍સપોર્ટેશનનો સરળતાથી મહતમ ઉપયોગ કરે તો પ્રદુષણ અને ટ્રાફિક જેવી સમસ્‍યાનો ઘટાડો થઈ શકે છે. ટ્રાન્‍સપોર્ટેશનની સેવા આપવી એ રાજકોટ મહાનગરપાલિકાની મૂળભૂત જવાબદારી નથી જો કે જાહેર હિતમાં આ સેવા આપવામાં આવી રહી છે તેની સાથો સાથ વાયુ પ્રદુષણ ઘટાડવા CNG અને ઈલેક્‍ટ્રીક બસો ચલાવવા સહિતના પ્રયાસો કરવામાં આવે છે. આ સમગ્ર જવાબદારી નિભાવવામાં રાજકોટ મહાનાગપાલિકાને જે આર્થિક નુકસાન થાય છે તે સરભર કરવા માટે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ થી એન્‍વાયરમેન્‍ટ ચાર્જ વસુલવાની દરખાસ્‍ત છે. જેમાં બિનરહેણાંક મિલકતોનો કાર્પેટ એરિયા ૫૦ ચોરસ મીટરથી વધુ હોય તેવી મિલકતોના સામાન્‍ય કરના ૧૩% લેખે નિયત કરી વસુલવાની જોગવાઈ સૂચવી છે.

થીયેટર ટેક્‍સ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેલ્લે વર્ષ ૨૦૧૬-૧૭ માં થીયેટર ટેક્ષ ના દરમાં સુધારણા કરવામાં આવેલ જે મુજબ સને ૨૦૨૨-૨૩ સુધી પ્રતિ શો રૂ.૧૦૦ લેખે વસૂલવામાં આવે છે. વખતોવખત સીનેમાદારો દ્વારા જે પહેલા સિંગલ સિનેમા ઘર હતાં. હવે  મલ્‍ટિપ્‍લેક્ષ થઇ ચુક્‍યા છે તેમજ ફિલ્‍મો માટે ટીકીટના દરોમાં ધરખમ વધારો વખતોવખત થયેલ છે. અને સિનેમા હોલ ખાતે ઉપલબ્‍ધ કરાતી સેવાઓ જેવી કે કેન્‍ટીન, ગેમિંગ ઝોન, રેસ્‍ટોરન્‍ટ વિગેરે નાં દરોમાં પણ સિનેમા ઘરો દ્વારા ધરખમ વધારો કરવામાં આવેલ છે.ઉક્‍ત વિગતો ધ્‍યાને લઇ નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ થી થિયેટર ટેક્ષ પ્રતિ શો રૂ.૧૦૦૦ લેખે નિયત કરી વસુલવાની દરખાસ્‍ત છે.

(3:37 pm IST)