Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

ડુપ્‍લીકેટ દારૂની ફેક્‍ટરીના કેસમાં સુત્રધાર હસમુખને મદદરૂપ બનનારાં ત્રણ ઝડપાયા

જસદણના હસમુખે દેણુ ઉતારવા આવો ધંધો ચાલુ કર્યો હતોઃ તેના કોૈટુંબીક ભાઇ સહિત ત્રણને પકડી ૪૯૮૦ ખાલી બાટલીઓ કબ્‍જે કરવામાં આવીઃ થોરાળા પીઆઇ એલ. કે. જેઠવા અને ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૩૧: કુવાડવા પોલીસ સ્‍ટેશનની હદમાં દરોડો પાડી સ્‍ટેટ મોનીટરીંગ સેલની ટીમે ડુપ્‍લીકેટ દારૂ બનાવવાની ફેક્‍ટરી પકડી લીધી હતી. આ કેસમાં થોરાળા પોલીસને આગળની તપાસ સોંપાઇ હોઇ વધુ ત્રણ આરોપીઓને પકડી લઇ પ્‍લાસ્‍ટીકની નાની ખાલી બોટલો ૪૯૮૦ નંગ કબ્‍જે કરી વિશેષ તપાસ હાથ ધરી છે. આ પ્રકરણમાં સુત્રધાર તરીકે હસમુખ શાકોરીયાનું નામ ખુલ્‍યું હતું. જે આજ સુધી પકડાયો નથી. તેને મદદ કરનારા ત્રણને પોલીસે શોધી લીધા છે.

એસએમસીની ટીમે ગત ૨૭મી ડિસેમ્‍બરે કુવાડવા પોલીસ સ્‍ટેશન હેઠળના નવાગામમાં આવેલા ગોડાઉનમાં દરોડો પાડી ભેળસેળીયો ડુપ્‍લીકેટ દારૂ બનાવવાનું કારસ્‍તાન પકડી લીધું હતું. આ કોૈભાંડમાં હસમુખ નામનો શખ્‍સ વોન્‍ટેડ હોઇ તેને પકડવા પીઆઇ ડો. એલ. કે. જેઠવા અને ટીમ દોડધામ કરી રહી હતી. દરમિયાન હસમુખને મદદરૂપ બનેલા ત્રણ આરોપીઓ લાલજી ઉર્ફ લાલો માવજીભાઇ બારૈયા (ઉ.૨૨), નયન ઉર્ફ નયલો રવજીભાઇ મુળીયા (ઉ.૨૨) અને મહિપાલ ઉર્ફ મેપો દલસુખભાઇ શકોરીયા (ઉ.૨૮)ની ધરપકડ કરી છે. આ શખ્‍સોની પુછતાછમાં હસમુખની ઓફિસ વાંકાનેર રોડ પર શિવધારામાં હોઇ ત્‍યાં ડુપ્‍લીકેટ દારૂ ભરવા માટેની ૧૮૦ એમએલની ખાલી બાટલીઓ પડી હોવાનું કબુલતાં થોરાળા પોલીસે ત્‍યાં જઇ તપાસ કરતાં આવી ૪૯૮૦ બોટલો મળી આવતાં તે કબ્‍જે કરી હતી.

નયન ઉર્ફ નયલાએ કબુલ્‍યું હતું કે પોતે છુટક દારૂ વેંચતો હતો અને હસમુખના સંપર્કમાં હતો. એ પછી લાલજી અને હસમુખના કોૈટુંબીક  ભાઇ મહિપાલ ઉર્ફ મેપો શકોરીયાને પકડી લેવાયો હતો. મહિપાલ  ઉર્ફ મેપો હસમુખનો વહિવટ સંભાળતો હતો અને આંગડીયુ કરતો હતો. હસમુખ મુળ જસદણ પંથકનો છે અને તેની દસ વીઘા જમીન તથા મકાન ગીરવે મુકાઇ જતાં ડુપ્‍લીકેટ દારૂનો ધંધો ચાલુ કર્યાનું મેપાએ રટણ કર્યુ હતું.

આ કામગીરી પીઆઇ એલ. કે. જેઠવા,  એએસઆઇ જયેશભાઇ નિમાવત, હેડકોન્‍સ. વિમલભાઇ ધાણજા, શૈલેષભાઇ ભીસડીયા, કોનસ. દિવ્‍યરાજસિંહે કરી હતી. અગાઉ ગુનામાં પકડાયેલા બે આરોપીઓની કોલ ડિટેઇલ્‍સ તથા અન્‍ય તરકીબોથી આ આરોપીઓને શોધી કઢાયા હતાં. ઉલ્લેખનિય છે કે એસએમસીએ જે તે વખતે કરેલી તપાસમાં એકનું નામ ખુલ્‍યું હતું. થોરાળા પોલીસે ત્રણને પકડયા છે. જો કે સુત્રધાર હજુ પક્કડથી દૂર છે.

(1:36 pm IST)