Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

પાણી વેરાના રૂા. ૮૪૦ના સીધા રૂા. ૨૪૦૦: પ્રથમ વખત પર્યાવરણ ચાર્જ દાખલઃ કુલ ૧૦૧ કરોડનો કરબોજ : રૂા. ૨૫૮૬.૮૨ કરોડનું બજેટ

રાજકોટ મ્‍યુનિ. કોર્પો.નું ૨૦૨૩-૨૪નું બજેટ મ્‍યુ. કમિશનરે સ્‍ટેન્‍ડીંગ કમિટી ચેરમેનને સુપ્રત કર્યુઃ શહેરની રેસીડેન્‍સીયલ તથા કોમર્શિયલ મિલ્‍કતોના વેરામાં પણ અનુક્રમે રૂા. ૨ અને રૂા. ૩નો વધારો પ્રતિ સ્‍કે.મીટરે સુચવ્‍યો : પીડીએમ ફાટક તથા કટારીયા ચોકડીએ બ્રીજ બનાવવા સર્વે હાથ ધરાશેઃ સાંઢીયા પુલ ખાતે નવો ફોરલેન રેલ્‍વે ઓવરબ્રીજઃ ગ્રીનલેન્‍ડ ચોકડી ખાતે સર્કલ ડેવલપ કરાશેઃ સામા કાંઠે-માધાપરમાં અર્બન હેલ્‍થ સેન્‍ટર ઉભુ કરાશે : બ્રીજ, રસ્‍તા, સફારી પાર્ક, આરોગ્‍ય સહિતની યોજનાઓ : સાંઢીયા પુલ પર અદ્યતન ફોર લેન રેલવે ઓવરબ્રીજ બનાવવા આયોજનઃ ગાર્બેજ કલેકશન હાલ રૂા. ૩૬૫, સૂચિત ૭૩૦ : કોમર્શિયલ હાલ રૂા. ૭૩૦, સૂચિત રૂા. ૧૪૬૦ :મિલ્‍કત વેરા રહેણાંક હાલ રૂા. ૧૧, સૂચિત ૧૩ તથા કોમ. હાલ રૂા. ૨૨, સૂચિત ૨૫ (પ્રતિ ચો.મી.) : પાણી વેરો કોમર્શિયલ હાલ રૂા. ૧૬૮૦, સૂચિત ૪૮૦૦ સૂચવાયો છે :પાણી વેરામાં ત્રણ ગણા વધારાના વહેણ : કચરો કલેકશનમાં બમણા ચાર્જની ગંધ : મિલકત વેરામાં પણ વધારો : સિનેમા ટેક્ષમાં રૂા. ૧૦૦ના રૂા. ૧૦૦૦ સૂચવાયા : ખૂલ્લા પ્‍લોટનો વેરો ડબલ : પ્રથમ વખત પર્યાવરણ ચાર્જ દાખલ રહેણાંકને લાગુ નહીં પડે

રાજકોટ તા. ૩૧ : મનપાનું વર્ષ ૨૦૨૩-૨૪નું બમણા પાણી વેરા અને નવા પર્યાવરણ વેરા વધારાના આંકડા કરવેરા સહિત કુલ ૧૦૧ કરોડનું કરબોજવાળુ સામાન્‍ય બજેટ આજે મ્‍યુનિ. કમિશનર અમિત અરોરાએ સવારે ૧૦ વાગ્‍યે સ્‍ટેન્‍ડીંગ કમિટિ ચેરમેન પુષ્‍કર પટેલને સુપ્રત કર્યું હતું.

મ્‍યુનિ. કમિશનર શ્રી અરોરાએ બજેટની વિસ્‍તૃત વિગત પત્રકાર પરિષદમાં રજૂ કરતા જણાવ્‍યું હતું કે, રાજકોટ આંતરરાષ્‍ટ્રીય ક્ષેત્રે નામના મેળવી રહ્યું છે ત્‍યારે શહેરમાં મેટ્રો સીટી જેવી સુવિધા આપવી એ તંત્ર માટે પડકાર છે ત્‍યારે મનપાએ આ પડકારને પહોંચી વળશે તેવી આશા સાથે વર્ષ ૨૦૨૩-૨૪નું આ બજેટ રજૂ કર્યું છે.

આ ઉપરાંત મ્‍યુ. કમિશનરે અંદાજપત્રમાં શહેરની રેસીડેન્‍સીયલ તથા કોમર્શિયલ મિલ્‍કતોના વેરામાં પણ અનુક્રમે રૂા. ૨ અને રૂા. ૩નો વધારો પ્રતિ સ્‍કે.મીટરે સુચવ્‍યો છે. જેથી મિલ્‍કતો મોંઘીદાટ થવાની શક્‍યતાઓ છે.

વધુમાં શ્રી અમિત અરોરાએ જણાવ્‍યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાના આગામી નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ના બજેટનો કેન્‍દ્રીયવર્તીય વિચાર (થીમ) નિર્મલ રાજકોટ' અનુસાર જળ, વાયુ અને થલ' એમ ત્રિક્ષેત્રીય શુધ્‍ધતા અને સ્‍વચ્‍છતા પર વિશેષ ધ્‍યાન કેન્‍દ્રીત કરે છે. કુલ ૨૫.૮૨ અબજના બજેટમાં પાણી વેરો ત્રણગણો, ગાર્બેજ અને મિલ્‍કત વેરામાં બમણો વધારો કરવાની ફરજ પડી છે. કેમકે પાણી પાછળ ૧૫૬ કરોડનો થઇ જાય છે તેની સામે પાણી વેરાની આવકમાત્ર ૨૭% જેટલી જ થાય છે. કુલ ૨૫૮૬.૮૨ કરોડના આ બજેટમાં ૧૦૧ કરોડનો કરબોજો દર્શાવાયો છે.

બજેટની કર દરખાસ્‍તો અંગે મ્‍યુ. કમિશનર અમિત અરોરાએ જણાવેલ કે, પાણી વેરો ૮૪૦ લેવામાં આવે છે તેનો ત્રણગણો એટલે કે દર મહિને ૨૦૦ રૂપિયા વર્ષે રૂા. ૨૪૦૦ રેસીડેન્‍સીમાં અને કોમર્શિયલમાં રૂા. ૧૬૮૦ના રૂા. ૪૮૦૦નો વાર્ષિક વેરો વસૂલવા સૂચવાયું છે.

જ્‍યારે મિલકત વેરામાં રેસીડેન્‍સીમાં પર ચો.મી. ૧૧ લેવામાં આવે છે તે હવે રૂા. ૧૩ તથા કોમર્શિયલમાં રૂા. ૨૨ના રૂા. ૨૫ લેવા દરખાસ્‍ત કરાઇ છે.

આ ઉપરાંત ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન રહેણાંક મિલકતો માટે વાર્ષિક રૂા. ૭૩૦ (પ્રતિ દિન રૂા. ૨) તથા બિનરહેણાંક મિલ્‍કતો માટે વાર્ષિક ૧૪૬૦ (પ્રતિ દિન રૂા. ૪) તથા ખુલ્લા પ્‍લોટના ૫૦૦ ચો.મી. સુધીના ૨૮ ચો.મી. તથા ૫૦૦ ચો.મી.થી વધુ ક્ષેત્રફળના ખુલ્લા પ્‍લોટમાં વાર્ષિક રૂા. ૪૨ ચો.મી. તેમજ વર્ષ દરમિયાન કોઇપણ સમયમર્યાદામાં વાણિજ્‍ય હેતુ માટે ઉપયોગ થતો હોય તેવા પ્‍લોટ માટે વાર્ષિક રૂા. ૫૬ ચો.મી. વસૂલવા સૂચવામાં આવે છે. શહેરના થિયેટર ટેકસ પ્રતિ સો રૂા. ૧૦૦ વસુલવામાં આવે છે તેની બદલે હવે નવા નાણાકીય વર્ષથી થિયેટર ટેકસ પ્રતિ શો રૂા. ૧૦૦૦ લેખે નિયત કરી વસૂલવાની દરખાસ્‍ત છે.

નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪થી એન્‍વાર્યમેન્‍ટ ચાર્જ વસુલવાની દરખાસ્‍ત સૌ પ્રથમ વખત કરવામાં આવી છે. જેમાં કોમર્શિયલ મિલ્‍કતોનો કાર્પેટ એરીયા ૫૦ ચો.મી.થી વધુ હોય તેવી મિલકતોના સામાન્‍ય કરના ૧૩ ટકા લેખે નિયત કરી વસુલવાની જોગવાઇ સુચવવામાં આવી છે.

શહેરમાં નવા ભળેલા તથા વિકસી રહેવા નવા વિસ્‍તારોમાં નાગરિકોને માળખાકીય પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્‍ધ કરાવવા તથા જુના વિસ્‍તારોમાં રહેતી હયાત માળખાકીય સુવિધાઓ મેન્‍ટેન કરવા જરૂરી આયોજન કરવામાં આવે છે. શહેરના જામનગર રોડ પર આવેલા સાંઢીયા પુલ જુનો જર્જરીત થયેલો હોય જે નવો બનાવવો જરૂરી છે. ૨૦૨૩-૨૪ના બજેટમાં રૂા. ૨૭.૫૦ કરોડની જોગવાઇ કરવામાં આવે છે. શહેરના ઢેબર રોડ તથા ગોંડલ રોડ પીડીએમ ફાટક પર અન્‍ડર બ્રીજ બનાવાશે. શહેરના કાલાવડ રોડ પર કટારીયા ચોકડી ખાતે ટ્રાફીકનું ભારણ હળવું કરવા બ્રીજ બનાવવા પ્રી-ફીઝીબિલીટી રીપોર્ટ અને પ્રાથમિક એસ્‍ટીમેટ તૈયાર કરવાનું આયોજન છે.આ ઉપરાંત વિવિધ વિસ્‍તારોમાં રસ્‍તાઓ, ડસ્‍ટ ફ્રી રોડ, વોટર સપ્‍લાય, વોર્ડ ઓફિસ, ડ્રેનેજ, આધાર કેન્‍દ્ર, કોમ્‍યુનિટી હોલ, એનિમલ હોસ્‍ટેલ તથા પશુ સ્‍મશાન સહિતની સુવિધાઓ ઉપલબ્‍ધ કરવામાં આવશે.

સાંઢીયા પુલ ખાતે નવો ફોર-લેન રેલવે ઓવરબ્રીજ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જામનગર રોડ ઉપર આવેલ હયાત સાંઢીયા પુલ જુનો જર્જરીત થયેલ હોય, જે નવો બનાવવો જરૂરી હોય, જે અન્‍વયે વર્ષ ૨૦૨૩-૨૪ નાં બજેટમાં રૂ. ૨૭.૫૦ કરોડની જોગવાઈ કરી અધતન ફોર-લેન રેલ્‍વે ઓવર બ્રીજ બનાવવાનું આયોજન કરવામાં આવેલ છે. જેનો અંદાજીત ખર્ચ રૂ. ૬૦.૦૦ કરોડ થશે.

આ કામે DPR, ડીઝાઈન-ડ્રોઈંગ તૈયાર થયેલ છે. જે રેલ્‍વે વિભાગને મંજુરી અર્થે મોકલવામાં આવેલ છે. જે મજુરી મળ્‍યે સત્‍વરે આ કામગીરી હાથ ધરવામાં આવશે.

પી.ડી.એમ. રેલ્‍વે બ્રીજ

રાજકોટ શહેરમાં ઢેબર રોડ તથા ગોંડલ રોડ વચ્‍ચે રેલ્‍વેલાઈન પર પી.ડી.એમ. રેલ્‍વે ફાટક પર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગુજરાત અર્બન ડેવલોપમેન્‍ટ કોર્પોરેશનની ગ્રાન્‍ટ અન્‍વયે રેલ્‍વે અન્‍ડરબ્રીજ બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે, જે માટે સરકારશ્રીમાં ફોર લેન અન્‍ડરબ્રીજ બનાવવા માટે સંકલન હાથ ધરવામાં આવેલ છે.

કટારીયા ચોકડી ખાતે બ્રિજની પ્રી-ફીઝીબિલીટી

રાજકોટ શહેરમાં કટારિયા ચોકડી ખાતે ટ્રાફિકનું ભારણ હળવું. કરવા માટે બ્રિજ બનાવવા અંગે પ્રી- ફીઝીબિલીટી રીપોર્ટ અને પ્રાથમિક એસ્‍ટીમેટ તૈયાર કરાવવાનું આયોજન છે.

વોટર સપ્‍લાય

રાજકોટ શહેરની હાલની વસ્‍તી માટે દૈનિક ૨૦ મિનિટ પાણી વિતરણ વ્‍યવસ્‍થા જાળવવા માટે (૦૧) આજી-૧ જળાશયમાંથી ૧૩૫ MLD, (૦૨) ન્‍યારી-૧ જળાશયમાંથી ૬૫ એમ.એલ.ડી., (૦૩) ભાદર-૧ જળાશયમાંથી ૪૦ MLD તથા નર્મદા યોજનામાંથી રાજકોટ મહાનગરપાલિકાના (૦૪) રૈયાધાર ઓફટેક ખાતે ૭૦ MLD, (૦૫) બેડી ઓફટેક ખાતે ૫૫ MLD, (કુલ ૧૨૫ એમ.એલ.ડી.) કુલ ૩૬૫ MLD પાણીનો ઉપાડ કરી દૈનિક ૩૫૦ ML પાણી રાજકોટ શહેરના ત્રણેય ઝોનના કુલ ૧૮ વોર્ડમાં આવેલ ૨૪ (ચોવીસ) જેટલા હેડ વર્કસ (ESR/GSR) મારફત પાણી વિતરણ કરવામાં આવે છે.

જુન - ૨૦૨૦ થી રાજકોટ મહાનગરપાલિકાનાં હદ વિસ્‍તારમાં નવા ભળેલા વિસ્‍તારો જેવા કે, માધાપર, ઘંટેશ્વર, મુંજકા, મનહરપુર, મોટા મૌવામાં હાલ રૂડા દ્વારા મુખ્‍યત્‍વે ગામતળ વિસ્‍તારમાં HDPE/PVC નેટવર્ક દ્વારા પાણી વિતરણ કરવામાં આવે છે. જે પાણી વિતરણ વ્‍યવસ્‍થા અપૂરતી છે.

ભારત સરકારનાં અમૃત ૨.૦ મિશન હેઠળ આ નવા ભળેલ તમામ વિસ્‍તારોમાં આવેલ જૂની પાણી વિતરણ વ્‍યવસ્‍થાને ડી.આઈ પાઇપલાઇન થી અપગ્રેડ કરવા તથા નવા વિકાસ પામી રહેલા વિસ્‍તારોમાં નવી પાણી વિતરણ વ્‍યવસ્‍થા કરવાનાં કામો મંજુર થયેલ છે. જે અંતર્ગત રૂ. ૨૪૬.૫૩ કરોડનાં ખર્ચે નવા ભળેલ વિસ્‍તારોમાં ડી.આઇ. પાઇપ લાઇન નેટવર્કનાં કામો - રૂ. ૧૯૫.૦૦ કરોડ તથા નવા ભળેલ વિસ્‍તારમાં ૩ નવા હેડવર્કસ (ESR/GSR) - રૂ. ૫૧.૫૩ કરોડના કામોનો સમાવેશ કરવામાં આવેલ છે.

ગ્રીનલેન્‍ડ ચોકડી ખાતે સર્કલ ડેવલપ

રંગીલા રાજકોટ' શહેરના પ્રવેશદ્વાર સમા ગ્રીનલેન્‍ડ ચોકડી ખાતે આકર્ષક સર્કલ ડેવલપ કરવામાં આવશે, જેમાં વિશાળ કદનું લાયન સ્‍ટેચ્‍યુ મૂકી શહેરની ઓળખ પ્રતિબિંબિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. આ કામ માટે રૂ. ૩૫.૦૦ લાખનો ખર્ચ થવાનો અંદાજ છે.

નવી અદ્યતન વોર્ડ ઓફિસ

રાજકોટ મહાનગરપાલિકાનાં નાગરિકોને પોતાના જ વિસ્‍તારોમાં મહાનગરપાલિકાની જુદી - જુદી સેવાઓ મળી રહે તે માટે વોર્ડ નં. ૩, , ૧૨, ૧૫ તથા નવા ભળેલા વિસ્‍તાર માધાપરની નજીક રેલનગરમાં નવી અધતન સુવિધાસભર વોર્ડ ઓફિસ મળે અને મહાનગરપાલિકાને લગતા લોકોના કામો ઘર આંગણે જ સરળતાથી પરિપૂર્ણ થાય તે માટે વર્ષ ૨૦૨૩-૨૪માં અંદાજીત કુલ રૂ. ૫૩૦.૦૦ લાખના ખર્ચે આ કામનું આયોજન કરવામાં આવેલ છે. જે પૈકી નવા વિસ્‍તાર માટે અંદાજીત રૂ. ૨૦.૦૦ લાખના ખર્ચે આ કામનું આયોજન છે.

કોમ્‍યુનીટી હોલ તથા ઓડીટોરીયમ

રાજકોટ શહેરમાં લગ્ન પ્રસંગો તેમજ અન્‍ય પ્રસંગ કરવા માટે લોકોને વધારે સારા અને  સુવિધાસભર હોલ મળી રહે તે હેતુથી વિવિધ જગ્‍યાએ નવા કોમ્‍યુનિટી હોલ/ઓડીટોરીયમ બનાવવાનું તથા અપગ્રેડ કરવાનું વર્ષ ૨૦૨૩-૨૪ના બજેટમાં આયોજન કરવામાં આવેલ છે. જેમાં મુખ્‍યત્‍વે વોર્ડ નં.૧૭ માં વિનોદભાઈ શેઠ કોમ્‍યુનિટી હોલને રી-ડેવલપમેન્‍ટ કરવા માટે - રૂ. ૪૮૧.૦૦ લાખ તથા વોર્ડ નં. ૫ માં શ્રી અટલ બિહારી બાજપાઈ ઓડિટોરીયમમાં રીનોવેશન કરવાનું કામ - રૂ. ૩૦૦.૦૦ લાખ તેમજ અરવિંદભાઇ મણીયાર હોલ રીનોવેશન કરવાનું કામ - રૂ. ૩૦૦.૦૦ લાખનો સમાવેશ થાય છે.

સામાકાંઠે - માધાપરમાં અર્બન હેલ્‍થ સેન્‍ટર

રાજકોટ મહાનગરપાલિકાનાં શહેરીજનોને આરોગ્‍યલક્ષી સમસ્‍યાઓ હલ કરવા માટે નવા ભળેલ વિસ્‍તાર માધાપર, વોર્ડ નં. ૫ માં પેડક રોડ સેટેલાઇટ ચોક પાસે તથા રેલનગર વિસ્‍તારમાં અર્બન હેલ્‍થ સેન્‍ટર કાર્યરત કરવાનું આયોજન છે.

આમ, આ વર્ષના બજેટમાં આ ત્રિવિધ રણનીતિ, આયોજન અને અમલીકરણ સાથે રાજકોટ રહેવા લાયક શહેર બની રહે તેવું સર્વાંગી વિકાસલક્ષી બજેટ છે તેમ અંતમાં શ્રી અમિત અરોરાએ જણાવ્‍યું હતું.

(3:21 pm IST)