Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

રાજકોટમાં ‘સાયકલોફન' : ૧૦ હજાર સાયકલવીરો જોડાશે

રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉન, રાજકોટ મહાનગરપાલિકા, રાજકોટ સાયકલ કલબ અને રાજકોટ સેલ્‍ફ ફાયનાન્‍સ સ્‍કુલ એસોસીએશન દ્વારા ૫ ફેબ્રુઆરીએ આયોજન : દરેક સાયકલિસ્‍ટને નાસ્‍તો, એનર્જી ડ્રીન્‍ક, હોટ ટી અપાશે : સાયકલિસ્‍ટને જોમ ચડાવવા મ્‍યુઝીકલ ડીજે સાથેના ચિયરીંગ પોઇન્‍ટ પણ રહેશે : સાઇક્‍લોફન ઇવેન્‍ટ પુરી થયા પછી એક લક્કી ડ્રો : સાયકલને પેડલ મારનાર દરેક સાયકલિસ્‍ટને મેડલ પણ અપાશે : શહેરની ૫૦૦થી વધુ શાળાઓના બાળકો પણ જોડાશે

રાજકોટ  : સાયકલીંગ કરવું વ્‍યક્‍તિની તંદુરસ્‍તી માટે આશીર્વાદરૂપ ગણાય છે. તેમાંય કડકડતી ઠંડીમાં શરીરને તંદુરસ્‍ત રાખવા કસરત ખુબ જરૂરી છે જેમાં સાયકલીંગ ને સર્વશ્રેષ્ઠ કસરત ગણાય છે. તંદુરસ્‍ત રાજકોટ - સ્‍વસ્‍થ રાજકોટના ઉદેશને ચરિતાર્થ કરવા આ વર્ષે રોટરી ક્‍લબ ઑફ રાજકોટ મીડટાઉન, રાજકોટ મહાપાલિકા અને રાજકોટ સાયકલ ક્‍લબની સાથે  રાજકોટ સેલ્‍ફ ફાયનાન્‍સ સ્‍કૂલ એસોસિએશન મળીને આગામી ૫ ફેબ્રુઆરીને રવિવારે રાજકોટમાં અત્‍યાર સુધીની મોટામાં મોટી સાયક્‍લોફન કાર્નિવાલ યોજવામાં આવી રહી છે જેની તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે.

સાયક્‍લોફનના આયોજકોના જણાવ્‍યા પ્રમાણે આ ઇવેન્‍ટમાં ભાગ લેનાર દરેક સ્‍પર્ધકને નાસ્‍તો તેમજ એનર્જી ડ્રીન્‍ક, હોટ ટી આપવામાં આવશે. સાયકલીંગના આખા રૂટ પર સંપૂર્ણ સપોર્ટ અપાશે. અલગ - અલગ જગ્‍યાએ સાયકલિસ્‍ટો ને જોમ ચડાવવા મ્‍યુઝીકલ ડીજે સાથેના ચિયરીંગ પોઇન્‍ટ પણ રખાયા છે. એટલુંજ નહીં સાયકલને પેડલ મારનાર દરેક સાયકલિસ્‍ટ ને મેડલ પણ આપવામાં આવશે. સાયકલીંગ કાર્નિવાલનાં માહોલે સાયકલિસ્‍ટ ને ઠંડીમા ગરમાવો લાવી દીધો છે. આ માટે આ વર્ષની સાયક્‍લોફનમાં ૫ કિ.મી. અને ૨૦ કિ.મી.ની એમ બે સાયકલરાઈડ યોજવામાં આવનાર છે. જેમાં આ વખતે પ્રથમ વખત સ્‍વનિર્ભર શાળા એસોસિએશન પણ જોડાયું છે જે અંતર્ગત શહેરની ૫૦૦ થી વધુ શાળાઓ તેમાં જોડાઈ છે જેમાં ધોરણ ૫ થી ૧૨ ના વિદ્યાર્થીઓ ઉમળકાભેર ભાગ લેશે. આમાં સહભાગી થવા માંગતી સંસ્‍થાઓ રોટરી મીડટાઉન લાયબ્રેરી અથવા સેલ્‍ફ ફાયનાન્‍સ સ્‍કૂલ એસોસિએશનનો સંપર્ક કરી શકે છે.

આ ભવ્‍ય ઇવેન્‍ટમાં આ વખતે દરેક સાયકલિસ્‍ટ વિજેતા બની શકે છે. આયોજકોએ જણાવ્‍યું હતું કે, સાઇક્‍લોફન ઇવેન્‍ટ પુરી થયા પછી એક લક્કી ડ્રો કરવામાં આવશે જેનો લાભ ભાગ લેનાર દરેક સાયકલિસ્‍ટને મળશે. જેમાં સાઇકલો, તેને લગતી અનેક વસ્‍તુઓ અને અસંખ્‍ય ઇનામો ડ્રોમાં નસીબદાર સાયકલિસ્‍ટ ને મળશે. આ વખતની સાયક્‍લોફનનું આયોજન ખાસ કરીને પહેલીવાર સાયકલિંગ કરનારા સાયકલીસ્‍ટ તેમજ બાળકોને સાયકલ -ત્‍યે વધુમાં વધુ કેમ વાળી શકાય તેના પર વધુ ધ્‍યાન કેન્‍દ્રીત કરીને કરવામાં આવ્‍યું છે.

બે વર્ષના લાંબા સમયગાળા બાદ આ વખતે વર્ચ્‍યુઅલી'ની જગ્‍યાએ ફિઝિકલ' સાયક્‍લોફન યોજાવા જઇ રહી છે. જેમાં રજીસ્‍ટ્રેશન સ્‍વનિર્ભર શાળાના વિદ્યાર્થીઓએ ફકત ને ફકત શાળામાં જ રજિસ્‍ટ્રેશન કરવાનું રહેશે જેની દરેકે નોંધ લેવા વિનંતી કરાઈ છે. વિદ્યાર્થીઓના રજિસ્‍ટ્રેશન માટે વઘુ માહિતી માટે મો. ૯૯૨૫૦ ૧૧૩૦૫ પરથી મેળવી શકાશે. શાળાના વિદ્યાર્થીઓના રજિસ્‍ટ્રેશન માટેની લીંક દરેક શાળા સંચાલકોને મોકલી આપેલ છે. જેમાં દરેક શાળા પોતાની શાળાના બાળકોનું રજિસ્‍ટ્રેશન કરી શકશે. જ્‍યારે પાંચ ફેબ્રુઆરીએ રાજકોટમાં યોજાનારી સાયકલોફનમાં ભાગ લેવા માંગતાં (૧૮ વર્ષથી ઊપરના) સાયકલીસ્‍ટો, લોકો માટે www.cyclofun.org ઉપર પોતાનું રજિસ્‍ટ્રેશન કરાવી શકશે. ઉપરાંત આ વખતે ૅરોટરી મીડટાઉન લાઇબ્રેરીૅ અમીન માર્ગ ખાતે ઓફલાઇન રજીસ્‍ટ્રેશન પણ શરૂ કર્યું છે. આ ઉપરાંત વધુ વિગતો માટે ૭૪૦૫૫ ૧૩૪૬૮ ઉપર સંપર્ક પણ કરી શકાશે.

અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે છેલ્લા સાત વર્ષથી રાજકોટમાં રોટરી ક્‍લબ ઑફ રાજકોટ મીડટાઉન, રાજકોટ સાયકલ ક્‍લબ અને રાજકોટ મહાપાલિકા દ્વારા ફિટ રાજકોટ અંતર્ગત સાયક્‍લોફનનું બેનમુન આયોજન કરવામાં આવી રહ્યું છે. છેલ્લા સાત વર્ષ થી રાજકોટ પોલીસનો પૂરો સહયોગ મળેલ છે જે આ વર્ષે પણ પૂરો સહયોગ મળશે. છેલ્લા બે વર્ષથી આ ઈવેન્‍ટ માત્ર વર્ચ્‍યુઅલી મતલબ કે સાયકલીસ્‍ટો પોતપોતાની રીતે સાયકલ ચલાવી શકે તે પ્રકારે કરવામાં આવતું હતું પરંતુ આ વર્ષે તમામ સાયકલીસ્‍ટોને એકઠા કરીને રસ્‍તાઓ પર સાયકલ રાઈડિંગનું આયોજન કરવામાં આવ્‍યું હોય તેમાં સૌને ઉત્‍સાહભેર ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવવા ભાવભરી અપીલ કરવામાં આવી છે.

તસ્‍વીરમાં અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે પ્રોજેકટ ચેરમેન શ્રી દિવ્‍યેશ અઘેરા, શ્રી ડી.વી. મહેતા (પ્રમુખ સ્‍વનિર્ભર શાળા), ધરતીબેન રાઠોડ (પ્રેસીડેન્‍ટ, રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉન), શ્રી અજયભાઈ પટેલ (મહામંત્રી સ્‍વનિર્ભર શાળા સંચાલક - ગુજરાત) અને શ્રી પ્રતિક સોનેજી (સભ્‍ય, રાજકોટ સાયકલ કલબ) નજરે પડે છે.

(3:37 pm IST)