Gujarati News

Gujarati News

News of Thursday, 31st January 2019

'મને ગળાનું કેન્સર છે, જીવન ટૂંકાવું છું'...તેવો પુત્રને ફોન કર્યા બાદ કડીયા આધેડ આજીડેમમાં કૂદી ગયા

દિપકભાઇની શોધખોળ કરતાં સ્વજનોને આજીડેમના કાંઠે બાઇક અને ચપ્પલ મળતાં ડેમમાં પડ્યાની શંકાએ ફાયર બ્રિગેડને જાણ કરીઃ છેક આજે બપોરે મૃતદેહ મળ્યોઃ હરિઓમ પાર્કના યાદવ પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૩૧: કોઠારીયા રોડ ચોકડી પાસે હરિઓમ પાર્ક-૨માં રહેતાં દિપકભાઇ હેમતભાઇ યાદવ (ઉ.૪૮) નામના કડીયા    આધેડે કેન્સરની બિમારીથી કંટાળી આજીડેમમાં કૂદી જિંદગીનો અંત આણી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

જાણવા મળ્યા મુજબ દિપકભાઇ યાદવ ગત સાંજે ઠેબચડા આશાપુરા મંદિરે દર્શન કરવા જવા ઘરેથી બાઇક લઇને નીકળ્યા હતાં. એ પછી પોતાના પુત્રને ફોન કર્યો હતો અને 'મને ગળામાં કેન્સર છે, હું મારું જીવન ટૂંકાવુ છું' તેવો ફોન કર્યો હતો. આ ફોન પછી પુત્ર સહિતના સ્વજનોએ દિપકભાઇને શોધવા દોડધામ શરૂ કરી હતી. એ દરમિયાન માંડા ડુંગરથી આગળ આર. કે. કોલેજ નજીક આજીડેમના કાંઠેથી દિપકભાઇનું બાઇક અને ચપ્પલ મળતાં તેઓ આજીડેમમાં કૂદી ગયાની શંકા ઉપજતાં ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.

તરવૈયાઓએ મોડી સાંજ સુધી આજીડેમનું પાણી ડખોળ્યું હતું પરંતુ દિપકભાઇનો પત્તો મળ્યો નહોતો. આજે સવારે ફરીથી સ્વજનો અને તરવૈયા આજીડેમ ખાતે પહોંચ્યા હતાં અને તપાસ શરૂ કરી હતી. દરમિયાન બપોરે દિપકભાઇની લાશ મળતાં કલ્પાંત સર્જાયો હતો. આજીડેમ પોલીસને જાણ થતાં પીએસઆઇ આર.વી. કડછા અને રાઇટર કેતનભાઇ પરમારે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી.

આપઘાત કરનાર કડીયા કામ કરી ગુજરાન ચલાવતાં હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. કેન્સરની બિમારીથી કંટાળી જતાં આ પગલું ભર્યાનું બહાર આવ્યું છે.

(3:59 pm IST)