Gujarati News

Gujarati News

News of Thursday, 31st January 2019

મહિલા કાર ચાલકે બે છાત્રાને ઉલાળ્યાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા...કમકમાટી છુટી જાય તેવા દ્રશ્યઃ એક છાત્રાનું મોત થયુ'તું

પરમ દિવસે સવારે પંચાયત ચોકમાં મહિલા કારચાલકે કોઇપણ કારણોસર સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતાં રોડ સાઇડમાં પગપાળા જઇ રહેલી ત્રણ છાત્રા પૈકી બે છાત્રાને કારની ઠોકરે ચડાવતાં એકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું અને બીજી છાત્રાને ઇજા થઇ હતી. જ્યારે ત્રીજી છાત્રાનો ચમત્કારીક બચાવ થયો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ આજે સોશિયલ મિડીયામાં વાયરલ થયા છે. આ દ્રશ્ય અત્યંત કમકમાટી છુટી જાય તેવું છે. સવારે ૮ કલાક ૨૯ મિનીટના સમયે કાર બંબાટ સ્પીડે આવે છે અને બંને છાત્રાને ફૂટબોલની માફક ઉલાળીને આગળ નીકળી જાય છે. આ વખતે ત્રીજી છાત્રા બચી જાય છે અને તે ઉલળીને રોડ પર પટકાયેલી બે સખીઓ પાસે દોડી જતી દેખાય છે. થોડીવારમાં જ બીજા વાહન ચાલકો અને લોકો ભેગા થઇ જાય છે. આ દ્રશ્ય અત્યંત અરેરાટી ઉપજાવે તેવા છે. મૃત્યુ પામનાર છાત્રા ચાર્મી વિઠ્ઠલભાઇ વઘાસીયા માતુશ્રી વિરબાઇમા મહિલા કોલેજમાં બીસીએનો અભ્યાસ કરતી હતી. જ્યારે ઇજા પામનાર છાત્રા ગોપી પરસાણા પણ આ કોલેજની છાત્રા છે. તસ્વીરમાં બંને છાત્રા કારની ઠોકરે કઇ રીતે ઉલળીને ફેંકાઇ ગઇ એ દ્રશ્યો દેખાય છે. સોૈથી નીચે છેલ્લી તસ્વીરમાં બચી ગયેલી છાત્રા નેન્સી જોઇ શકાય છે.

(3:49 pm IST)