Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

કોઠારીયા રોડની હોસ્પિટલમાં કોળી પરિણીતાનું મોતઃ બેદરકારીનો આક્ષેપ-ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ

દોઢ માસ પહેલા પુત્રને જન્મ આપનાર જસવણના આધીયા ગામી જ્યોતિની તબિયત બગડતાં રાજકોટ દાખલ કરાઇ'તીઃ લોહી ચડાવાયા બાદ મોત થયાનો આરોપ

રાજકોટ તા. ૩૧: જસદણના આધીયા ગામે સાસરૂ અને પડધરીના શિવપુર નારણકા ગામે માવતર ધરાવતી જ્યોતિ અજય સુરેલા (ઉ.૨૨) નામની કોળી પરિણીતાને ગઇકાલે રાજકોટ કોઠારીયા રોડ પર લોટસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હોઇ અહિ સાંજે બે બોટલ લોહી ચડાવાયા બાદ આજે વહેલી સવારે તબિયત બગડતાં અને મોત નિપજતાં પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઇ છે. દોઢ માસ પહેલા જ આ પરિણીતાએ પુત્રને જન્મ આપ્યો હતો. હોસ્પિટલની બેદરકારીથી મોત નિપજ્યાનો સ્વજનોએ આક્ષેપ કરતાં ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવાયું છે.

મૃત્યુ પામનાર જ્યોતિના પરિવારજનો અને જેઠ મુનાભાઇ કરસનભાઇ સુરેલાએ કહ્યું હતું કે તેણીના લગ્ન એક વર્ષ પહેલા જ થયા હતાં. દોઢ મહિના પહેલા તેણીએ પુત્રને જન્મ આપ્યો હતો. ગઇકાલે તેની તબિયત બરાબર ન હોઇ સરધારના ડોકટરને બતાવતાં તેણે રાજકોટ કોઠારીયા રોડની લોટસ હોસ્પિટલમાં જવા કહ્યું હતું. આથી અમે તેને ગત સાંજે આ હોસ્પિટલમાં લાવી દાખલ કરી હતી. રિપોર્ટ બાદ લોહી ચડાવવું પડશે તેમ કહેવાતાં અમે હા પાડી હતી અને બે બોટલ લોહી ચડાવાયુ હતું.

જો કે આજે વહેલી સવારે ચારેક વાગ્યે અચાનક જ જ્યોતિને આંચકી ઉપડી ગઇ હતી. તે ડુસકા લેવા માંડી હતી. અમે ડોકટરને બોલાવવા ગયા હતાં. પણ હાજર નહોતાં. બાદાં જ્યોતિનું મોત નિપજ્યું હતું. હોસ્પિટલની બેદરકારીથી જ આમ થયાનું અમારું માનવું છે.

બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતાં ભકિતનગરના પી.એસ.આઇ. એ. વી. પીપરોતર અને રાઇટર મયુરભાઇ મિંયાત્રાએ હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. તબિબી બેદરકારીની આક્ષેપ થયો હોઇ ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવાયું  છે. જ્યોતિના મોતથી દોઢ માસનો પુત્ર મા વિહોણો થતાં અરેરાટી વ્યાપી ગઇ છે.

(4:00 pm IST)