Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

ગંજીવાડા રોડ પર મધરાતે દારૂ-બીયર ભરેલી સ્કોર્પિયો મુકી બે શખ્સ છનનન

થોરાળા પોલીસે ૧,૫૧,૬૦૦નો દારૂ-બીયર અને ૯ લાખની સ્કોર્પિયો કબ્જે કરી

રાજકોટ તા. ૩૧: થોરાળા પોલીસે મધરાતે ગંજીવાડા મેઇન રોડ પર વોચ રાખતાં અજાણ્યા બે શખ્સો રૂ. ૧,૩૯,૬૦૦નો દારૂ તથા ૧૨ હજારનો બીયર ભરેલી સ્કોર્પિયો રેઢી મુકી ભાગી જતાં પોલીસે કુલ રૂ. ૧૦,૪૧,૬૦૦નો મુદ્દામાલ કબ્જે કરી નંબરને આધારે તપાસ શરૂ કરી છે.

 

થોરાળા પોલીસ મથકના પી.આઇ. એન. એન. ચુડાસમાની રાહબરીમાં ડી. સ્ટાફના પી.એસ.આઇ. આર. એમ. કોટવાલ, પી. ડી. જાદવ, જાહીરખાન ખફીફ, મશરીભાઇ ભેટારીયા, વિજય મેતા, રોહિત કછોટ, ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિતનો સ્ટાફ નાઇટ પેટ્રોલીંગમાં હતો ત્યારે ગંજીવાડા રોડ પરથી દારૂ ભરેલી ગાડી નીકળવાની હોવાની બાતમી મળતાં રાત્રે પોણા ત્રણે વોચ રાખવામાં આવી હતી. પણ બે શખ્સો કાળા રંગની જીજે૩એચકે-૭૬૧૨ નંબરની સ્કોર્પિયો પોલીસને જોઇ રેઢી મુકી ભાગી ગયા હતાં.  પોલીસે પીછો કર્યો હતો પણ ઝાડીમાં અંધારાનો લાભ લઇ અલોપ થઇ ગયા હતાં.

પોલીસે રૂ. ૧,૩૯,૬૦૦નો ૩૯૬ બોટલ દારૂ, ૧૨,૦૦૦ના ૧૨૦ બીયરના ટીન તથા ૯ લાખની સ્કોર્પિયો મળી કુલ રૂ. ૧૦,૪૧,૬૦૦નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. વિજય મેતા, રોહિત કછોટ અને ધર્મેન્દ્રસિંહ ઝાલાની બાતમી પરથી આ કાર્યવાહી થઇ હતી.

ગંજીવાડાનો શકિલ પાંચ બોટલ સાથે પકડાયોઃ મોહસીનનું નામ ખુલ્યું

 નવા થોરાળા ખડપીઠવાળી શેરીમાં પિતૃકૃપા ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાના પાસે રોડ પરથી ગંજીવાડા-૧૩ના શકીલ અહેમદભાઇ શેખ (ઉ.૨૨)ને થોરાળાના એએસઆઇ બળભદ્રસિંહ જે. જાડેજાએ રૂ. ૧૫૦૦ના પાંચ બોટલ દારૂ સાથે પકડી લીધો હતો. પુછતાછમાં આ બોટલો નવા થોરાળા રામનગરનો મોહસીન ઉર્ફ મોયલો રજાકભાઇ ચુડાસમા આપી ગયાનું કબુલતાં તેની શોધખોળ થઇ રહી છે. (૧૪.૬)

(12:32 pm IST)