Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

કાલે ૩૧મી ડિસેમ્બર માટે પોલીસનો ચાંપતો બંદોબસ્તઃ છાકટાવેડા કરનારાનું આવી બનશે

ડાન્સ-ડીજે પાર્ટીના કોમર્શિયલ અને ખાનગી આયોજનો પર રખાશે ખાસ નજરઃ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત અને જેસીપી ડી.એસ. ભટ્ટ તથા બંને ડીસીપી, બંને એસીપીની રાહબરી હેઠળ તમામ પોલીસ મથકના અધિકારીઓ પેટ્રોલીંગ કરશે

રાજકોટ તા. ૩૦: આવતી કાલે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણી કરવા રાજકોટીયનો ઘેલા બન્યા છે. ખાસ કરીને યુવાહૈયાઓમાં વિતી રહેલા વર્ષને બાય-બાય કરવા અને નવા વર્ષને વધાવવા ભારે અભરખા છે.  શહેરીજનો પરિવાર સાથે ડાન્સ-ડીજે-ડીનરની પાર્ટીમાં મોજ કરવા પહોંચી જશે. તો અમુક શોખીનો છાંટોપાણી લેવાની મજા માણશે. શહેરમાં ૩૧મીની રાત્રે કોઇ અનઇચ્છનીય બનાવ ન બને તે માટે શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત, જેસીપી ડી.એસ. ભટ્ટ તથા ડીસીપી અને એસીપીઓની રાહબરી હેઠળ તમામ પોલીસ મથકના અધિકારીઓ તથા ટીમો અને ખાસ બ્રાંચની ટીમો ચુસ્ત બંદોબસ્ત ગોઠવશે. ઉજવણીના નામે જે કોઇ પણ અતિરેક કરતાં જોવા મળશે કે છાકટાવેડા કરતાં નજરે પડશે તો તેની સામે પોલીસ આકરી બની જશે.

શહેરમાં અનેક ઠેકાણે ડાન્સ-ડીજે અને ડીનર પાર્ટીના કોમર્શિયલ આયોજનો થયા છે. આવા સ્થળો જે તે પોલીસ મથકની હદમાં આવતાં હશે ત્યાંના પી.આઇ. તથા પી.એસ.આઇ. અને ટીમો ખાસ પેટ્રોલીંગ કરી વોચ રાખશે. આ ઉપરાંત રેસકોર્ષ રીંગરોડ, કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ, મવડી રોડ, સામા કાંઠે તેમજ અન્ય ફરવાના સ્થળોએ પણ પોલીસનો ખાસ પહેરો રહેશે. રાત્રે બાર વાગ્યે નવા વર્ષના વધામણા થઇ જાય પછી લોકો ઘરે જવા નીકળતાં હોય  છે. આવા સમય ખાસ બંદોબસ્ત જાળવવામાં આવશે. ઉજવણી કરવામાં કોઇ અતિરેક ન થાય અને શાંતિ ડહોળાય તેવી કોઇ ઘટના ન બને તે માટે પોલીસ સતત સતર્ક રહેશે. નશો કરીને નીકળનારાઓ સામે પોલીસ આકરી કાર્યવાહી કરશે. (૧૪.૧૦)

 

(3:51 pm IST)