Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

દેવીકાના કૂટણખાનામાં રાજકોટ, અમદાવાદ અને બંગાળની લલનાઓ પુરી પડાતી હતી

પતિના મોત બાદ લોનના હપ્તા ભરવા વિધવાએ ચાલુ કરાવ્યું'તું કુટણખાનુ : ગ્રાહક પાસેથી ૧ હજાર વસુલી ૫૦૦ લલનાને આપી બાકીના પોતે રાખતી : જાગનાથ જેવા પોશ વિસ્તારમાં ચાલતાં ગોરખધંધાથી ચકચાર

રાજકોટ તા. ૩૦: ન્યુ જાગનાથ પ્લોટ-૩૯માં આવેલા ગુરૂરક્ષા એપાર્ટમેન્ટમાં બીજા માળે ફલેટ નં. ૭માં રહેતી દેવીકા પ્રદિપભાઇ કક્કડ (ઉ.૪૦) નામની વિધવા મહિલા કૂટણખાનુ ચલાવતી હોવાની બાતમી પરથી એ-ડિવીઝન પોલીસે દરોડો પાડી આ મહિલાને પકડી લીધી હતી. ફલેટમાંથી રાજકોટની બે અને અમદાવાદ, બંગાળીની એક એક મળી ચાર લલનાઓ મળી હતી. તેને રૂ. ૫૦૦-૫૦૦ ચુકવી દેવીકા તેની પાસે ગોરખધંધા કરાવતી હોવાનું ખુલ્યું હતું.

એ-ડિવીઝનના શિવરાજસિંહ જાડેજા, નરેશભાઇ ઝાલા, જગદીશભાઇ વાંક, કરણભાઇ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે એસીપી પૂર્વને મેળેલી માહિતી પરથી ન્યુ જાગનાથ પ્લોટના દેવીકાના ફલેટમાં ડમી ગ્રાહક મોકલી દરોડો પાડવામાં આવ્યો હતો. ડમી ગ્રાહકે દેવીકાને રૂ. ૧૦૦૦ ચુકવતાં જ એક લલનાને તેની પાસે મોકલતાં પોલીસે પંચની હાજરીમાં કાર્યવાહી કરી હતી. આ મહિલા સામે ટ્રાફિક પ્રિવેન્સન એકટ ૧૯૫૬ની કલમ ૩,૪,૫,૬ મુજબ ગુનો નોંધી અન્ય ચાર લલનાઓને સાહેદ બનાવાઇ હતી.

જેની પાસે દેહવિક્રય કરાવાતો હતો તેમાં ૩૨ વર્ષની અને ૪૩ વર્ષની રાજકોટની મહિલાઓ તથા ૨૮ વર્ષની અમદાવાદની મહિલા તથા ૨૫ વર્ષની બંગાળીની મહિલાનો સમાવેશ થાય છે. મહિલાએ પોલીસ સમક્ષ કબુલ્યું હતું કે પોતે ગ્રાહક પાસેથી એક હજાર રૂપિયા વસુલી તેમાંથી પાંચસો પોતે રાખી પાંચસો લલનાને આપતી હતી. પોશ વિસ્તાર ગણાતા જાગનાથ પ્લોટમાં આવા ગોરખધંધા પકડાતા ચકચાર જાગી છે. આરોપી મહિલાના પતિ હયાત નથી. દસેક લાખની લોન ચડત હોઇ મજબુર થઇ આ માર્ગ અપનાવ્યાનું તેણે કહ્યું હતું.

(12:41 pm IST)