Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

ભણતરનો ભાર...પિતાએ ઠપકો આપતાં ઘરેથી ભાગેલો ધો-૧૦નો છાત્ર મુંબઇથી હેમખેમ મળ્યો

મુંબઇમાં ૩૧ ડિસેમ્બરના ચેકીગ દરમિયાન રેલ્વે પોલીસને શિવરી સ્ટેશનેથી મળી આવ્યોઃ ભીલ દંપતિનો એકનો એક પુત્ર હર્ષ રાઠોડ (ઉ.૧૬) ગાયબ થયા બાદ સાઇકલ જંકશન સ્ટેશનેથી રાત્રે મળી'તીઃ સ્કૂલમાંથી આગલા દિવસે ફોન આવતાં પિતાએ ઠપકો આપ્યો'તો

રાજકોટ તા. ૩૦: આજનું ભણતર ભાર વાળુ થઇ ગયું છે. છાત્રો ઘણીવાર ત્રાસીને ન ભરવાના પગલા પણ ભરે છે. રૈયા ચોકડી પાસે જીવનનગરમાં રહેતાં અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતાં મનિષભાઇ રાઠોડ (ભીલ)એ ધોળકીયા સ્કૂલમાં ધોરણ-૧૦માં ભણતાં પોતાના પુત્ર હર્ષ (ઉ.૧૬)ને ભણવામાં ધ્યાન આપવા બાબતે ઠપકો આપતાં અને એક તમાચો મારતાં હર્ષ ગઇકાલે સવારે ઘરેથી સાઇકલ લઇ કલાસીસમાં જવા નીકળ્યા બાદ ગાયબ થયો હતો. પોલીસમાં આ અંગે જાણ કરી સગા-સંબંધીઓએ ઠેર-ઠેર શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન હર્ષ મુંબઇના શીવરી રેલ્વે સ્ટેશનમાં હેમખેમ હોવાના વાવડ ત્યાંની પોલીસ મારફત મળતાં વાલીઓ તેને લેવા મુંબઇ રવાના થયા છે.

હર્ષ ગઇકાલે ગૂમ થયા બાદ શોધખોળ કરવા છતાં ન મળતાં ગાંધીગ્રામ પોલીસમાં જાણ કરવામાં આવી હતી. એકનો એક દિકરો ગુમ થતાં માતા મનિષાબેન, પિતા મષિભાઇ સહિતના સ્વજનોએ દોડધામ શરૂ કરી હતી. દરમિયાન રાત્રે જંકશન રેલ્વે સ્ટેશનેથી હર્ષની સાઇકલ રેઢી મળી હતી. જેનું તાળુ પણ ખુલ્લું હતું. આજે સવારે હર્ષ મુંબઇમાં રેલ્વે સ્ટેશનેથી મળી આવ્યો હતો. રેલ્વે પીઆઇ શ્રી શિંદે સહિતની ટીમ ૩૧મી ડિસેમ્બર અંતર્ગત ચેકીંગમાં હતાં ત્યારે હર્ષ રેલ્વે પ્લેટફોર્મ પર શંકાસ્પદ જણાતાં તેને નામ-સરનામુ પુછી કય કલાસની ટિકીટ પર સફર કરી? તે બાબતે પુછતાં તે થોથવાઇ ગયો હતો. વિશેષ પુછતાછમાં તે ઘરેથી રિસાઇને નીકળી ગયાનું કહેતાં પી.આઇ. શિંદેએ તેની પાસેથી પિતાના નંબર મેળવી રાજકોટ આજે સવારે જાણ કરી હતી. હર્ષએ પણ માતા-પિતા સાથે વાત કરી હતી. તે હેમખેમ મળી આવતાં પરિવારજનો અને પોલીસે રાહતનો દમ લીધો છે.

હર્ષ ધોળકીયા સ્કૂલમાં ધોરણ-૧૦માં ભણે છે. હર્ષ ભણવામાં સિત્તેર ટકા જેટલા ગુણ લાવે છે. પરંતુ તેને વધુ ગુણ લાવવા જોઇએ તવો આગ્રહ રખાયો હોઇ અને સ્કૂલમાંથી પણ આ બાબતે ફોન આવતાં હર્ષને પિતાએ ઠપકો આપી લાફો માર્યો હતો. જેથી તે રોષે ભરાયો હતો અને શુક્રવારે કલાસીસમાં જવાનું કહીને નીકળી ગયો હતો. ઘરેથી એક હજાર રૂપિયા પણ તે લઇ ગયો હતો. હર્ષ મુંબઇથી મળી જતાં સોૈએ રાહત અનુભવી છે. હર્ષ દાંડીયા રાસનો સારો ખેલાડી છે અને આ વર્ષે જ ન્યુ સહિયરમાં સિનીયર ગ્રુપમાં રમીને કિંગનું બિરૂદ મેળવ્યું હતું.

(10:18 am IST)