Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

કાલે વિશ્વ એઇડ્સ દિવસ

વિશ્વમાં ૩૭.૭ મીલીયન લોકો એચ.આઇ.વી. વાઇરસ સાથે જીવે છે

વિશ્વમાં ૧૯૮૧ માં સૌ પ્રથમ વાર એઇડઝનો કેસ જોવા મળ્યો હતો. ભારતમાં આ વાઇરસનો પ્રવેશ ૧૯૮૬ માં પ્રથમવાર  જોવા મળેલ. સમગ્ર વિશ્વના મેડીકલ સાયન્સ માટે ચેલેન્જીંગ સમસ્યા હોય તો તે એઇડઝ છે. આજે ૪૦ વર્ષે પણ જેની રસી કે દવા મેડીકલ સાયન્સ શોધી શકયું નથી. દુનિયામાં સૌથી પ્રચાર પ્રસાર પામેલ એઇડઝ એક સામાજીક જવાબદારી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા તેની કામગીરી માટે યુ. એન. એઇડઝની રચના કરીને સમગ્ર વર્ષ દરમ્યાન જન જાગૃતિની ઉજવણી કરાય છે.

આ વર્ષનું લડત સુત્ર એન્ડ એઇડઝને ધ્યાને લઇને અપાયું છે જે 'અસમાનતા દુર કરો, એઇડઝને નાબુદ કરો અને રોગચાળો ખતમ કરો' ની વાત કહે છે. વિશ્વભરમાં ગત ર૦-ર૦ ના એક જ વર્ષમાં ૧પ લાખ નવા લોકો સંક્રમિત થયા હતા તો તે એક જ વર્ષમાં પોણા સાત લાખ લોકો મોતને શરણે થયા હતાં. એઇડઝ વાઇરસ સાથે જીવતા લોકોની કુલ સંખ્યા વિશ્વમાં ૩૭.૭ મીલીયનની છે છેલ્લા ૩૩ વર્ષથી સતત કોઇ મેડીકલ સમસ્યા સામે વિશ્વ લડતું હોય તો તે એઇડઝની સમસ્યા છે. આજે પણ તેની કોઇ ચોકકસ રસી કે દવા શોધાઇ નથી, હા એક વાતની સફળતા મળી છે કે એંટી રીટ્રો વાઇરલ ડ્રગ્સને કાર્ણે વાઇરસ સાથે જીવતા લોકો લાંબુ આયુષ્ય ભોગવી રહ્યા છે. મૃત્યુદરમાં પણ આપણે ચોકકસ ઘટાડો લાવી શકયા છીએ તો તેની સામે દરરોજ નવા સંક્રમણના આંકડા વધી રહ્યા છે.

એન્ડ એઇડઝ-ર૦૩૦ ના લક્ષ્યાંકમાં હાલ છેલ્લા ર વર્ષથી કોવીડ-૧૯ ના કારણે તેની નાથવાની કામગીરીમાં મુશ્કેલી પડી હતી. એઇડઝને ખતમ કરવાની સહયારી પ્રતિબધ્ધતા પુરી પાડવી સહુની જવાબદારી છે. એચ. આઇ. વી. એઇડઝ સાથે જીવતા લોકોની ઘણી સમસ્યાઓ છે તેને પણ સરકારે અને સમાજે દુર કરી તેના માનવ અધિકારોનું રક્ષણ કરીને કેર એંડ સ્પોર્ટમાં મદદરૂપ થવું પડશે જો કે ર૦ર૦ બાદ સમગ્ર વિશ્વમાં એઇડઝ નિયંત્રણમાં સારા પરિણામો મળી રહ્યા છે. ત્યારે હાલમાં આફ્રિકા બાદ ભારતનો ક્રમ સૌથી વધુ વાહકોની સંખ્યા ધરાવતા દેશોની યાદીમાં બીજા ક્રમે આવે છે. લોકોને એઇડઝ શેનાથી થાય, શેનાથી ન થાય, કેવી રીતે બચી શકાય આવી સાચી અને વૈજ્ઞાનિક માહિતી સમાજના છેવાડાના માનવી સુધી પહોંચાડવી પડશે તો જ આપણે એઇડઝ નિયંત્રણમાં સફળતા મેળવીશું. એઇડઝ અંગેની કોઇપણ માહિતી કે પ્રશ્નના ટૂંકા જવાબોની માહિતી માટે એઇડઝ હેલ્પ લાઇન મો. ૯૮રપ૦ ૭૮૦૦ ઉપર સંપર્ક કરીને મેળવી શકશે.

સંકલન :- અરૂણ દવે

ચેરમેન :- એઇડઝ પ્રિવેન્શન

કલબ રાજકોટ

(3:44 pm IST)