Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

જૂથવાદના લબકારા વચ્ચે સાંજે ભાજપની કારોબારી : વિવાદ ફરી સપાટીએ આવશે?

શહેર પ્રમુખ કમલેશભાઇ મિરાણીના અધ્યક્ષસ્થાને અને વિજયભાઇની ઉપસ્થિતિમાં : તમામ શ્રેણીના કાર્યકરો હાજર રહેશે : મેયર બંગલે ૭ વાગે બેઠક યોજાશે

રાજકોટ,તા. ૩૦ : ઘણા સમયથી શહેર ભાજપમાં ચાલી રહેલ અંદરોઅંદરનો જુથવાદ થોડા દિવસો પહેલા સ્નેહમિલનના આમંત્રણ કાર્ડમાં નામ કપાઇ જતા જાહેરમાં આવી ગયો હતો. આ ઘટના બાદ ઘણા સ્થાનીક અને પ્રદેશ નેતાઓના વજનમાં ભારે વધારો-ઘટાડો થતો નજરે પડવા લાગ્યો હતો. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની રાજકોટ મુલાકાતમાં પણ વ્યવસ્થાના સંકલનકાર નેતાઓના ચહેરાઓ બદલાય ગયા હતા.

તેવામાં આજે શહેર ભાજપની સાંજે મેયર બંગલા ખાતે કારોબારી મળનાર છે. મળતી માહિતી મુજબ આ બેઠકમાં ચાલી રહેલ જુથવાદ અને સાઇડ લાઇન  થયેલ નેતાઓ-કાર્યકરોના હાવભાવ અને કાર્યશૈલી પણ અંદરખાને નોંધવામાં આવી શકે છે. જે આંતરિક જુથવાદ પછી સૌપ્રથમ વખત પાર્ટીના કાર્યક્રમમાં હાજર રહેનાર છે.

આજની કારોબારીના અધ્યક્ષસ્થાને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી છે. જ્યારે પૂર્વ મુખ્યમંંત્રીશ્રી વિજયભાઇ પણ ભાગ લેવાના છે. ભાજપની પ્રણાલી મુજબ સૌપ્રથમ રાષ્ટ્રીય ત્યારબાદ રાજ્ય અને છેલ્લે સ્થાનીક કારોબારી મળતી હોય છે. જુથવાદ સપાટી ઉપર આવ્યા બાદની આ પ્રથમ કારોબારી છે. છતાં પણ આજની બેઠકમાં કોણ હાજર રહે છે. અને કોણ ગેરહાજર રહે છે તેના ઉપર પણ ભાજપ મવડી મંડળની નજર રહેશે.

મેયર બંગલે યોજાનાર કારોબારીમાં તમામ સ્તરના કાર્યકરો તથા નેતાઓ અપેક્ષીત હોય છે. જેમાં વોર્ડના પ્રમુખથી લઇને સાંસદ સુધીના પાર્ટી કાર્યકરોને આમંત્રણ આપવામાં આવે છે. કારોબારીમાં રાષ્ટ્રીય સ્તરે થયેલ ઠરાવોને આવકારવામાં આવે છે. પાર્ટીના સીનીયર કાર્યકરો માર્ગદર્શન આપે છે. શહેર લેવલે પોતાના ઠરાવ પણ રજુ કરવામાં આવે છે.

રાજકારણમાં કહેવાય છે કે સમીકરણો કદી એક નથી રહેતા, ગમે ત્યારે બદલાય છે. તેવામાં આજની કારોબારીમાં પણ નારાજ કે સાઇડલાઇન થયેલ નેતાઓનો અભિગમ શું અને કેવો રહેશે  તે પણ મહત્વનું છે. સાથે જ પાર્ટી માટે સતત કાર્ય કરતો નાનામાં નાનો કાર્યકર પણ બેઠકમાં હાજર રહેશે. ત્યારે જોવાનું એ રહ્યુ કે શિસ્તબધ્ધ મનાતા ભાજપની કારોબારીમાં ફરી જુથવાદ સપાટીએ આવશે કે સૌ ભાવતા ભોજનીયા લઇને છુટા પડશે.

(3:40 pm IST)