Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

પ્રદિપ ડવના વોર્ડમાં મનપાના પાણીમાં બેકટેરિયા : સેમ્પલ ફેઇલ

વોર્ડ નં. ૧૨માં ઝાડા - ઉલ્ટીના રોગચાળા પાછળ ગંદા પાણીનું વિતરણ કારણભૂત : દિવાળી પાર્કમાંથી મ.ન.પા. દ્વારા વિતરણ થતાં પાણીનો બેકટરો લોજીકલ ટેસ્ટ કરાયો હતો : અવસર એપાર્ટમેન્ટના ત્રણ બોરનું પાણી દુષીત હોવાનું ખુલ્યું : કુલ ૧૦ સેમ્પલમાંથી ૪ ફેઇલ થતાં મેયરના વોર્ડમાં ગંદા પાણીનો પ્રશ્ન ઉકેલવા તંત્ર ઉંધા-માથે

રાજકોટ તા. ૩૦ : શહેરના વોર્ડ નં. ૧૨માં એટલે કે મેયર પ્રદિપ ડવ જ્યાંથી ચૂંટાયા છે તે વોર્ડમાં દુષિત પાણી વિતરણ થતાં ઝાડા - ઉલ્ટીનો રોગચાળો ફેલાયાનું સાબિત થતાં તંત્રવાહકોની ગંભીર બેદરકારી ખુલી થઇ છે.

આ અંગે સત્તાવાર પ્રાપ્ત વિગતો મુજબ વોર્ડ નં. ૧૨માં આવેલ દિવાળી પાર્ક, અવસર એપાર્ટમેન્ટ અને શિલ્પ હિસ્ટોરિયા વગેરે વિસ્તારમાં છેલ્લા બે દિવસમાં ૪૫ જેટલા ઝાડા - ઉલ્ટીના કેસ મળી આવતા મેયર પ્રદિપ ડવએ જાતે બાજી સંભાળી અને વોર્ડ નં. ૧૨માં મ.ન.પા. દ્વારા થતું પાણી વિતરણ બંધ કરી અને મ.ન.પા. દ્વારા વિતરણ થઇ રહેલ પાણી તેમજ સ્થાનિક બોરના પાણીના કુલ ૧૦ નમૂનાઓ લેવડાવ્યા હતા. જેનો બેકટરોલોજીકલ ટેસ્ટ કરાવતા દિવાળી પાર્કમાં મ.ન.પા.ના નળમાંથી લીધેલા પાણીનો નમૂનો ફેઇલ થયો હતો.

જ્યારે અવસર એપાર્ટમેન્ટ તેમજ શિલ્પ હિસ્ટોરીયાના કુલ ત્રણ જેટલા બોરના પાણીના નમૂનાઓ પણ ફેઇલ થયા હતા.

આમ, આ વિસ્તારમાં ઝાડા-ઉલ્ટીના રોગચાળા પાછળ દૂષિત પાણી જવાબદાર હોવાનું ફલિત થતાં તંત્રવાહકો હવે આ સમસ્યા ઉકેલવા મથામણ કરી રહ્યા છે.

(3:33 pm IST)