Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

તબિબી શિક્ષકો-જીલ્લાના તબિબોની કાલે પીડીયુ કોલેજ કેમ્પસમાં રેલીઃ આવેદનઃ શનિવારે મહારેલી

રાજકોટ તા. ૩૦: રાજ્યની સરકારી મેડિકલ કોલેજના તબિબી શિક્ષકો અને જીલ્લાના ૫ીએચસી-સીએચસીના તબિબો મળી દસ હજાર તબિબી શિક્ષકો અને સરકારી તબિબો વિવિધ પ્રશ્નો અંગે થઇ રહેલા અન્યાય સામે વધુ એક વખત આંદોલનના માર્ગે ચડ્યા છે. તે અંતર્ગત આવતીકાલે તા.૧ના રોજ રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજ ખાતે તબિબી શિક્ષકો અને જીલ્લાના આરોગ્ય કેન્દ્રના તબિબોએ એકઠા થઇ કેમ્પસ રેલી યોજશે અને મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટને આવેદન પત્ર પાઠવી પોતાના પ્રશ્નો ઉકેલવા રજૂઆત કરશે. શનિવારે મહારેલીનું આયોજન પણ કરાયું છે.

અલગ અલગ મુદ્દે થઇ રહેલા અન્યાય સામે શરૂ થયલી લડતમાં અન્ય કાર્યક્રોમ પણ ઘડી કઢાયા છે તે મુજબ તા. ૨ના રોજ બપોરે ૧૨ વાગ્યે કોવિડ બિલ્ડીંગ ખાતે તબિબો રામધૂન બોલાવશે. એ પછી તા. ૩ના બપોરે ૧૨ વાગ્યે કોલેજના લેકચર હોલ ખાતે તબિબોની બેઠક મળશે અને આગળના નિર્ણયો લેવામાં આવશે.

આ ઉપરાંત તા. ૪ના રોજ સરકારી તબિબો મહારેલી બપોરે ૧૨:૩૦ થી ૧ સુધી સિવિલ હોસ્પિટલ ઓપીડી બિલ્ડીંગથી કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલ થઇ જામ ટાવર ચોક, રૂડા બિલ્ડીંગ થઇ કલેકટર કચેરીએ પહોંચી કલેકટરને આવેદન આપશે. તેમ જાણવા મળ્યું છે.

નોંધનીય છે કે ગત તા. ૧૬-૦૫-૨૧ના રોજ વિજયભાઇ રૂપાણીની સરકારે તબિબી શિક્ષકોની ૧૨ મુદ્દાની માંગણી મંજૂર કરતો એક ઠરાવ કર્યો હતો. તેને આજે ૬ મહિના વીતી ગયા હોવા છતાં ૯ માંગણીઓમાં કોઇ કાર્યવાહી જ થઇ નથી. આ નવ માંગણીઓમાં એડહોક સેવા વિનિમિયત કરવી, ઉચ્ચ પગાર ધોરણ આપવું, પ્રમોશન કરવા, ઉચ્ચ પગાર ધોરણ સાથે નામાભિધાન કરવું, હંગામી બઢતીને આગળ ચાલુ રાખવી, ૧૫ ટકા સિનિયર ટ્યુટર્સને ત્રીજા ટીકૂનો લાભ આપવો. સહિતના એકપણ પ્રશ્નનો ઉકેલ આરોગ્ય વિભાગ દ્વારા લાવવામાં આવ્યો નથી. ઉપરાંત પગારમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. આ કારણોસર તબિબી શિક્ષકો આંદોલનના રસ્તે ચડ્યા છે.

(3:08 pm IST)