Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

નવાગામમાં મટન-મચ્છીની દૂકાને ભેગા થતા કૂતરા હત્યાનું કારણ બન્યા : છગનને ચાર જણે પકડી રાખ્યો, એકે છરી ઝીંકી પતાવી દીધો

રાજકોટમાં વધુ એક હત્યાઃદોઢ વર્ષ પહેલા પણ માથાકુટ થઇ હતીઃ અસલમ ફકીરની દૂકાન પાસે ભેગા થતાં કૂતરાએ છગનના કાકા સામતભાઇને બટકુ ભર્યુ હોઇ અને હાલમાં કૂતરાનો ત્રાસ ખુબ વધી ગયો હોવાથી તે અંગે છગન, તેનો ભાઇ મોતી ઠપકો આપવા જતાં ચડભડ થઇ ને છગન ભરવાડની લોથ ઢળી : હત્યાનો ભોગ બનનારના ભાઇ મોતી ઝાપડાની ફરિયાદ પરથી મટન-મચ્છીના ધંધાર્થી અસલમ ફકીર, કાદરશા, અસલમના સગા ગુલામહુશેન, મિત્રો ધર્મેશ પરમાર અને રવિ પરમાર સામે કુવાડવા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યોઃ એક આરોપી અસલમ પર પણ હુમલો થતાં સારવારમાં: ચાર સકંજામાં

કૂતરાને કારણે હત્યાઃ નવાગામ સાત હનુમાન સોખડા રોડ પર રહેતાં છગન ઝાપડા (ઉ.૨૪)ને મટન-મચ્છીના દૂકાનવાળા સહિતે હુમલો કરી પતાવી દીધો હતો. તસ્વીરમાં છગનનો ફાઇલ ફોટો, તેનો નિષ્પ્રાણ દેહ તથા વળતા હુમલામાં ઘાયલ થયેલો આરોપી પૈકીનો અસલમશા ફકીર સારવાર હેઠળ નજરે પડે છે. નીચેની તસ્વીરમાં હત્યાનો ભોગ બનનારના કુટુંબીજનો અને ફરિયાદી બનેલા મોતીભાઇ ઝાપડા જોઇ શકાય છે.

રાજકોટ તા. ૨૯: શહેરની ભાગોળે આવેલા નવાગામ સાત હનુમાન પાસે સોખડા રોડ પર રહેતાં ભરવાડ યુવાનની કૂતરાના ત્રાસને કારણે હત્યા થઇ છે. આ યુવાનના ઘર નજીક જ મટન-મચ્છીની દૂકાન હોઇ ત્યાં કૂતરા ભેગા થતાં હોવાથી અને ભરવાડ યુવાનના કાકાને કૂતરાએ બટકુ પણ ભરી લીધો હોઇ દૂકાનદારને દૂકાન પાસે મટન-મચ્છીના વધારાના ટૂકડા ન નાંખી કૂતરા ભેગા ન થવા દેવા બાબતે તે તેના ભાઇ સાથે મળી ઠપકો આપવા જતાં તેને દૂકાનદાર ફકીર શખ્સ સહિતના ચાર જણાએ પાછળથી પકડી રાખ્યો હતો અને એક જણાએ પેટમાં છરી ભોંકી દેતાં આંતરડા નીકળી જતાં સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો. પરંતુ અહિ લાશ જ મૃતદેહ જ પહોંચ્યાનું જાહેર થતાં કલ્પાંત સર્જાયો હતો. કુવાડવા રોડ પોલીસે હત્યાનો ગુનો નોંધી ચાર આરોપીને સકંજામાં લીધા છે. જ્યારે વળતા હુમલામાં એક આરોપી ઘાયલ થયો હોઇ તે સારવાર માટે દાખલ થતાં તેના પર પોલીસ પહેરો મુકી દેવાયો છે.

જાણવા મળ્યા મુજબ સાત હનુમાન સોખડા રોડ પર નિરાંત નગરમાં રહેતો અને જેસીબીની ડ્રાઇવીંગ કરતો છગન ઘેલાભાઇ (ગેલાભાઇ) ઝાપડા (ઉ.વ.૨૪) નામનો ભરવાડ યુવાન સાંજે સાડા આઠેક વાગ્યે ઘર નજીક અસલમશા ફકીરની મટન-મચ્છીની દૂકાન પાસે હતો ત્યારે છરીથી

હુમલો થતાં પેટમાંથી આંતરડા નીકળી જતાં સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો. પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્યાનું જાહેર થતાં બનાવ હત્યાનો હોઇ હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા પોલીસને જાણ કરતાં પીઆઇ એન. એન. ચુડાસમા, પીએસઆઇ પ્રદ્યુમનસિંહ જી. ગઢવી, હિતેષભાઇ ગઢવી, અરવિંદભાઇ મકવાણા, હરેશભાઇ તથા ડી. સ્ટાફની ટીમ હોસ્પિટલે દોડી આવી હતી.

પોલીસે હત્યાનો ભોગ બનેલા છગન ઘેલાભાઇ ઝાપડાના મોટા ભાઇ મોતીભાઇ ઘેલાભાઇ ઝાપડા (ઉ.વ.૨૭)ની ફરિયાદ પરથી માલિયાસણ રહેતાં અને અને હત્યાનો ભોગ બનનાર છગનના ઘર નજીક મટન-મચ્છીની દૂકાન ધરાવતાં અસલમશા રસુલભાઇ સરવદી (ફકીર), કાદરશા ફકીર, અસલમના સગા ગુલામહુશેન ફકીર તથા નવાગામ સાત હનુમાન પાછળ સોખડા રોડ પર રહેતાં ધર્મેશ રમેશભાઇ પરમાર અને રવિ મોહનભાઇ પરમાર સામે આઇપીસી ૩૦૨, ૫૦૪, ૩૨૩, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૩૫ મુજબ રાયોટીંગ-હત્યાનો ગુનો નોંધ્યો છે.

મોતીભાઇએ પોલીસને જણાવ્યું છે કે અમે પરિવારમાં ચાર ભાઇઓ અને ચાર બહેનો છીએ. મારા માતાનું નામ દેવીબેન અને પિતાનું નામ ઘેલાભાઇ (ગેલાભાઇ) કરસનભાઇ ઝાપડા છે. હું ડ્રાઇવીંગ કરુ છું અને મોટો છું. અન્ય ભાઇ બહેનોમાં છગન, શિલ્પાબેન, ભાનુબેન, મુકેશભાઇ, સગ્રામભાઇ, કંકુબેન અને સેસીબેન છે. છગન બીજા નંબરે હતો. તેના પત્નિનું નામ લીલુબેન છે અને તેને સંતાનમાં બે પુત્રો હિરેન (ઉ.૪) તથા ચકો (ઉ.૧ાા) છે. છગન જેસીબીનું ડ્રાઇવીંગ કરતો હતો.

અમારા ઘર નજીક જ અસલમશા અને કાદરશા ફકીર મટન-મચ્છીની દૂકાન ચલાવે છે. ત્રણેક વર્ષથી તે આ દૂકાન ચલાવે છે. હાલમાં તેની દૂકાન બહાર મટન-મચ્છીના કટીંગ બાદ વધતો લોહી-માંસવાળો કચરો બહાર ફેંકાતો હોઇ તેના કારણે તે ખાવા માટે કૂતરા ભેગા થાય છે. આ કૂતરાઓ દૂકાન પાસે જ હોય છે. જે પૈકી એક કૂતરાએ મારા કાકા સામતભાઇ ઝાપડાને બટકુ ભરી લીધું હતું. રવિવારે સાંજે પણ કૂતરા ભેગા થયા હોઇ અને ગમે તેને ભસતાં હોઇ જેથી હું તથા મારો ભાઇ છગન મટન-મચ્છીની દૂકાને અસલમશા અને કાદરશાને આ રીતે કૂતરા ભેગા નહિ કરવા માટે ઠપકો આપવા ગયા હતાં.

તે વખતે ઝઘડો થતાં અસલમશા, કાદરશા અને ગુલામહુશેન તથા અસલમના મિત્ર રવિએ મારા ભાઇ છગનને પાછળથી પકડી લીધો હતો અને મને ધક્કો દઇ પછાડી દીધો હતો. ત્યાં પાંચમા આરોપી ધર્મેશ પરમારે મારા ભાઇ છગનને પેટમાં છરીનો ઘા ઝીંકી દીધો હતો.

દેકારો થતાં મારા બીજા ભાઇ સગ્રામ બચાવવા દોડી આવતાં તેને પણ ધર્મેશ છરી લઇ મારવા દોડતાં તેણે હાથ આડો રાખી દેતાં હાથમાં છરકા જેવી ઇજા થઇ હતી. છગનને પેટમાં ઘા લાગ્યો હોઇ આંતરડા નીકળી ગયા હતાં. અમે તેને તુરત હોસ્પિટલે ખસેડ્યો હતો. પરંતુ જીવ બચ્યો નહોતો.

પોલીસે મોતીભાઇની આ કેફીયતને આધારે ગુનો દાખલ કર્યો હતો. ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એસ. આર. ટંડેલ સહિતે આરોપીઓને તાકીદે ઝડપી લેવા સુચના આપતાં કુવાડવા પોલીસની ટીમે રાતો રાત આરોપીઓને સકંજામાં લીધા હતાં.

હુમલાખોરો પૈકીનો અસલમ સરવદી પણ ઘવાયો

બીજી તરફ છગનની હત્યામાં સામેલ પાંચ પૈકીનો અસલમશા રસુલશા સરવદી (ઉ.વ.૨૬) પણ સિવિલ હોસ્પિટલમાં માથામાં ઇજા સાથે દાખલ થયો હતો. તેણે પોતાને દૂકાન સામે રહેતાં શખ્સોએ હુમલો કરી માથામાં ધારીયુ ઝીંકી દીધાનું કહ્યું હતું. પોલીસે તેના બેડ પર બંદોબસ્ત મુકી દીધો હતો. અસલમશાએ જણાવ્યું હતું કે અમે દૂકાને હતાં ત્યારે ભરવાડ લોકોએ આવી સીધી ગાળો દેવાનું ચાલુ કરતાં બોલાચાલી બાદ મારામારી થઇ હતી અને મને માથામાં ધારીયું ઝીંકાતા ઇજા થઇ હતી. (૧૪.૭)

કાકાના પગમાં કૂતરાની દાઢ બેસી ગયેલી જોઇ છગન, તેનો ભાઇ મોતી અસલમને ઠપકો દેવા પહોંચ્યાઃ ગંદકી કરવાની હાડકા ફેંકવાની ના પાડતાં જ હુમલો થયો

. ફરિયાદી મોતીભાઇએ કહ્યું હતું કે મારા બનેવી કરસનભાઇ બાંભવાને ત્યાં લગ્ન પ્રસંગ હોઇ ત્યાં મારા કાકા સામંતભાઇના પગભાં જોતાં તેને ડાબા પગે કૂતરાની દાઢ બેસી ગઇ હોઇ શું થયું? પુછતાં તેમણે અસલમની દૂકાનેથી કુતરૂ કરડી ગયાનું કહેતાં મારા ભાઇ છગને કહેલું કે અસલમની દૂકાનના કૂતરાનો ત્રાસ રોજનો થઇ ગયો છે. તેને ઠપકો આપવો પડશે. જેથી છગન અને હું અસલમની દૂકાને ગયેલા અને તેને કહ્યું હતું કે-તમે ચીકન મટનના હાડકા ફેંકો છો એ કારણે ગંદકી થાય છે અને કૂતરાઓનો ત્રાસ પણ રહે છે, કૂતરા કરડ છે તેમ કહેતાં અસલમ અને કાદર ગાળો દેવા માંડ્યા હતાં. છગને ગાળો બોલવાની અને ગંદકી કરવાની ના પાડતાં પાંચેયએ હુમલો કર્યો હતો અને ઢીકાપાટુ મારતાં હું વચ્ચે પડતાં મને પછાડી દીધો હતો. બાદમાં મારા ભાઇ છગનને ચાર જણે પકડી લઇ ધર્મેશે છરી ઝીંકી દીધી હતી.

ભરવાડ સમાજે રેલી યોજી રજૂઆતની તૈયારી કરીઃ પણ બાદમાં મૃતદેહ સંભાળી લીધો

. કૂતરાના ત્રાસ મામલે ભરવાડ યુવાનની હત્યા થઇ હોઇ સિવિલ હોસ્પિટલે મોટી સંખ્યામાં ભરવાડ સમાજના લોકો એકઠા થયા હતાં. નાની એવી વાતે હત્યા કરી નાંખવામાં આવી હોઇ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગણી સાથે હોસ્પિટલેથી રેલી યોજી પોલીસ કમિશનરને રજૂઆત કરવાનો અને મૃતદેહ નહિ સંભાળવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ પીઆઇ એન. એન. ચુડાસમા, પીએસઆઇ પી. જી. રોહડીયા સહિતે આરોપીઓ હાથમાં આવી ગયાની અને કડક કાર્યવાહીની ખાત્રી આપતાં રેલી મોકુફ રાખી મૃતદેહ સંભાળી લેવાયો હતો.

છગનની હત્યાથી બે માસુમ પુત્રએ પિતાનું છત્ર ગુમાવ્યું

બચાવવા જતાં નાના ભાઇ સગ્રામને પણ ઇજા થઇ

. છગન ચાર ભાઇ અને ચાર બહેનમાં બીજો હતો. તેની હત્યાથી ૪ અને ૧ાા વર્ષના બે પુત્રોએ પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. છગનને બચાવવા જતાં તેના ભાઇ સગ્રામ ઉપર પણ ધર્મેશ પરમારે છરીનો ઘા કર્યો હતો. સગ્રામે હાથ આડો રાખી દેતાં તેના હાથમાં છરકા જેવી ઇજા થઇ હતી. યુવાન દિકરાની હત્યાથી ઝાપડા પરિવારમાં શોક છવાઇ ગયો હતો. પોલીસે ઘટના સ્થળે બંદોબસ્ત ગોઠવી દીધો હતો. (૧૪.૭)

આરોપી અસલમે કહ્યું-ભરવાડ ભાઇઓેએ દૂકાને આવી બેફામ ગાળો ભાંડી મને માથામાં ધારીયુ ઝીંકતા ૭ ટાંકા આવ્યા

. પાંચ આરોપી પૈકીનો એક અસલમશા રસુલભાઇ સરવદી (ફકીર) (ઉ.વ.૨૬) પણ પોતાના પર સાંજે સાડા આઠેક વાગ્યે સામે રહેતાં ભરવાડ શખ્સોએ ધારીયાથી હુમલો કરી માથામાં ઇજા કર્યાની રાવ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં તેના પર કુવાડવા પોલીસે પહેરો ગોઠવ્યો હતો. હોસ્પિટલના બિછાનેથી અસલમશાએ કહ્યું હતું કે-હું મારી દૂકાને  મટન કાપતો હતો ત્યારે ભરવાડ લોકોએ આવી મને બેફામ ગાળો ભાંડી હતી અને દૂકાન બંધ કરી દેવાનું કહી માથામાં ધારીયાનો ઘા ઝીંકી દીધો હતો. આ કારણે સાત ટાંકા લેવા પડ્યા છે. મારે ત્રણ વર્ષથી આ દૂકાન છે. દોઢેક વર્ષ પહેલા પણ મને દૂકાન બંધ કરી દેવાનું કહી મારી સાથે માથાકુટ કરવામાં આવી હતી. ગત રાતે પણ અચાનક આવી ગાળાગાળી કરી હુમલો કરાતાં મારામારી થઇ હતી.

(3:19 pm IST)