Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

મહાપાલિકામાં ૯ જગ્યાની ભરતી માટે લેખીત પરિક્ષા સંપન્ન : ૩૯૨૦માંથી માત્ર ૮૯૪ હાજર રહ્યા

તમામ પરિક્ષા કેન્દ્રોમાં બ્લોક દિઠ માત્ર ૧૬ને જ બેસાડાયા : તમામના બિલ્ડીંગ સેનેટાઇઝ કરી પછી જ પરિક્ષા લેવાઇ : કોવિડ-૧૯ના તમામ નિયમોનું ચુસ્ત પાલન : હવે ૬ ડિસેમ્બરે વધુ ૬ કેટેગરી માટે પરિક્ષા લેવાશે

રાજકોટ તા. ૩૦ : મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની જુદા-જુદા ૦૪ (ચાર) સંવર્ગો (૧) વર્ક આસિસ્ટન્ટ (મીકે.) (૨) આસીસ્ટન્ટ મેનેજર (૩) ઈન્સેકટ કલેકટર અને (૪) નાયબ કાર્યપાલક ઇજનેર (સીવીલ)ની લેખિત પરીક્ષા તા.૨૯/૧૧/૨૦૨૦ ના રોજ અલગ-અલગ સમય મુજબ રાજકોટ શહેરના પ(પાંચ) પરીક્ષા કેન્દ્રો ખાતે લેવામાં આવી. આ ચારેય લેખિત પરીક્ષાના મળીને કુલ ઉમેદવારો-૩૯૨૦ નોંધાયેલ હતા, જે પૈકી ૮૯૪ ઉમેદવારો દ્વારા લેખિત પરીક્ષા આપવામાં આવેલ અને ૩૦૨૬ ઉમેદવારો લેખિત પરીક્ષામાં ગેરહાજર રહેલ.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલની નોવેલ કોરોના વાયરસની પરિસ્થિતી ધ્યાને લઇ, સરકારશ્રીની કોવિડ-૧૯ની ગાઇડલાઇનનું સંપૂર્ણ પાલન થાય તે રીતે લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ. જેમાં ખાસ કરીને, દરેક પરીક્ષા કેન્દ્રમાં બ્લોક દીઠ ફકત ૧૬ ઉમેદવારોની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવેલ, પરીક્ષાના આગળના દિવસે પરીક્ષા કેન્દ્રના તમામ બ્લોકરૂમ, પેસેજ, દાદરા, ઓફિસ વિ. ને સંપૂર્ણ સેનીટાઇઝ કરવામાં આવી, પરીક્ષામાં આવનાર તમામ ઉમેદવારો તથા સ્ટાફનું પરીક્ષા કેન્દ્રના પ્રવેશ પર મેડીકલ સ્ક્રીનીંગની વ્યવસ્થા કરવામાં આવેલ જેમાં માસ્ક વિતરણ, સેનીટાઇઝેશન તથા થર્મલ ગન દ્વારા તાપમાનની માપણી કરવામાં આવેલ. વિશેષમાં પરીક્ષા કેન્દ્ર પર સોશીયલ ડીસ્ટન્સ જળવાઇ રહે તેની ખાસ તકેદારી પણ રાખવામાં આવેલ.

આમ, રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની જુદા-જુદા ૦૪ (ચાર) સંવર્ગો (૧) વર્ક આસિસ્ટન્ટ (મીકે.) (૨) આસીસ્ટન્ટ મેનેજર (૩) ઈન્સેકટ કલેકટર અને (૪) નાયબ કાર્યપાલક ઇજનેર (સીવીલ)ની લેખિત પરીક્ષા સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયેલ છે.વિશેષમાં આગામી તા.૦૬/૧૨/૨૦૨૦ રવિવારના રોજ જુદા-જુદા ૦૪ (ચાર) સંવર્ગો (૧)જુનિયર પ્રોગ્રામર (ર) લાઈવ સ્ટોક ઇન્સ્પેકટર (૩) નાયબ કાર્યપાલક ઇજનેર (ઈલે.) અને (૪) સીસ્ટમ એનાલીસ્ટ સંવર્ગની લેખિત પરીક્ષા રાજકોટ શહેરના ૦૩ (ત્રણ) પરીક્ષા કેન્દ્રો ખાતે યોજાનાર છે.

(3:39 pm IST)