Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

ઉદય કોવિડની આગઃ ૦૫ દર્દીના મોત પાછળ ૧૬ જેટલા કારણો

આઇસીયુનું ઇમર્જન્સી એકઝીટ બંધ હતું, વેન્ટીલેશન નહોતું, દરવાજાની પહોળાઇ નિયમ કરતાં ઓછીઃ પેરા મેડિકલ સ્ટાફને કોઇ તાલિમ નહોતી અપાઇ

પોલીસે એ.ડી. નોંધ્યા બાદ એફ.એસ.એલ. અધિકારી, ચીફ ફાયર બ્રિગેડ ઓફિસર, વિદ્યુત નિરીક્ષક, ડે. એન્જિનીયર પીજીવીસીએલ તથા રાજકોટ મ્યુનિસીપલ કોપોરેશનના અધિકારીઓની હાજરીમાં બનાવવાની જગ્યાનું નિરીક્ષણ કરાવ્યું: અનેક બેદરકારીઓ સામે આવ્યા બાદ અંતે ગુનો દાખલ : બીજી પણ અનેક ગંભીર બેદરકારીઓ સામે આવીઃ હોસ્પિટલમાં ૫૭ દર્દીઓની કેપેસીટી પણ બહાર જવા માટે માત્ર ૪ ફુટની પહોળાઇ ધરાવતાં પગથીયા જઃ ગ્રાઉન્ડ ફલોરમાં બહાર જવાના બે દરવાજા પણ કોઇપણ સાઇન બોર્ડ કે EMERGENCY EXIT લખ્યા વગરનાઃ એક દર્દીનું ગુંગળાઇ જવાથી અને ચારના દાઝી જવાથી પ્રાણ ગયા : પાંચ સામે ગુનોઃ ડો.પ્રકાશ મોઢા, પુત્ર ડો. વિશાલ મોઢા, ડો. તેજસ કરમટાની રાત પોલીસ મથકમાં પસાર થઇઃ કોવિડ રિપોર્ટ આવ્યા બાદ ગમે ત્યારે ધરપકડ : આગ લાગે ત્યારે કર્મચારીઓએ શું-શું બચાવની કામગીરી તેનો કોઇ પ્લાન હોસ્પીટલના સંચાલકો દ્વારા બનાવવામાં આવ્યો નહોતો

ઉદય કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં પાંચ દર્દીઓના મોત નિપજ્યા તેની પ્રાથમિક તપાસ બાદ હોસ્પિટલ સંચાલકોને અનેક બેદરકારીઓ સામે આવતાં પોલીસે હાલ તુર્ત ગુનો નોંધી ડો. પ્રકાશ મોઢા, તેમના પુત્ર ડો. વિશાલ મોઢા, ડો. તેજસ કરમટાના કોરોના ટેસ્ટ કરાવ્યા છે અને રિપોર્ટ બાદ અટકાયતની તજવીજ કરવામાં આવશે તે અંગેની માહિતી આપી રહેલા ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા તથા સાથે એસીપી જે. એસ. ગેડમ, એસઓજી પીઆઇ આર. વાય. રાવલ અને માલવીયાનગર પીઆઇ કે. એન. ભુકણ તથા સાથે પીએસઆઇ વી. કે. ઝાલા જોઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૩૦: આનંદ બંગલા ચોકમાં આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ત્રણ દિવસ પહેલા આઇસીયુમાં લાગેલી આગમાં પાંચ દર્દીઓના મોત નિપજ્યા હતાં. આ બનાવમાં પ્રાથમિક તપાસને અંતે પોલીસે હોસ્પિટલના સંચાલક ડો. પ્રકાશ મોઢા સહિત પાંચ તબિબો સામે આઇપીસી ૩૦૪(અ), ૧૧૪ મુજબ બેદરકારી દાખવી મૃત્યુ નિપજાવવાનો ગુનો નોંધ્યો છે. માલવીયાનગર પોલીસે એ.ડી. દાખલ કરી અલગ-અલગ વિભાગોના અધિકારીઓઅને સાથે રાખી તપાસ કરતાં ગંભીર બેદરકારીના અલગ-અલગ ૧૬ જેટલા કારણો સામે આવ્યા છે. જેના કારણે પાંચ દર્દીઓના મૃત્યુ થયાની શકયતા છે. હાલ તુર્ત પોલીસે ડો. પ્રકાશ મોઢા, તેમના પુત્ર ડો. વિશાલ મોઢા અને ડો. તેજસ મોઢાને અટકાયતમાં લઇ કોરોના ટેસ્ટ કરાવ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.

ડીસીપી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે આગનો બનાવ બન્યો એ સાથે જ પોતે તથા એસીપી જે. એસ. ગેડમ, પીઆઇ વી. કે. ગઢવી, પીઆઇ કે. એન. ભુકણ, પીએસઆઇ વી. કે. ઝાલા, પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી, બીજો પોલીસ સ્ટાફ, હોમગાર્ડ, યુનિ. પીઆઇ એ. એસ. ચાવડા, પીએસઆઇ એ. બી. જાડેજા સહિતના પહોંચી ગયા હતાં અને ફાયર બ્રિગેડ સાથે મળી બચાવ કામગીરી હાથ ધરી હતી.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે પણ વિઝીટ કરી હતી. તેમના સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર કામગી થઇ હતી અને તલસ્પર્શી તપાસ માટે તેમણે સિટ (સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ)ની રચના કરી હતી. જેમાં અધ્યક્ષ તરીકે પોતે તથા એસીપી ગેડમ, પીઆઇ આર.વાય. રાવલને જોડવામાં આવ્યા હતાં. તપાસમાં હોસ્પિટલના સંચાલકોની ગંભીર બેદરકારી સામે આવી હોઇ હાલ તુર્ત ગુનો દાખલ કરાયો છે.

આ ગુનામાં માલવીયાનગર પીઆઇ કે. એન. ભુકણે ફરિયાદી બની એફઆઇઆર દાખલ કરાવી છે. તેમાં જણાવ્યું છે કે આનંદ બંગલા ચોક નજીક આવેલ ઉદય શિવાનંદ કોવીડ હોસ્પીટલે કે જેને ડેઝીગનેટેડ કોરીડ હોસ્પિટલ જાહેર કરેલ છે તેના પ્રથમ માળે ગઇ તા. ૨૭/૧૧/ ૨૦ના રાત્રીના આશરે સાડા બારેક વાગ્યાની આસપાસ આઇસીયુમાં આગ લાગતા તેમાં સારવાર લઇ રહેલ કોવીડ -૧૯ (કોરોના)ના કુલ સાત દર્દીઓ તથા સામેના રૂમમાં અન્ય ચાર દર્દીઓ માંથી પાંચ દર્દીઓના મૃત્યુ થયા હતાં. આ અંગે એ.ડી. દાખલ કરવામાં આવી હતી. જેની પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હતી.

 ઘટના સ્થળે એફ.એસ.એલ. અધિકારી, ચીફ ફાયર બ્રિગેડ ઓફિસર, વિદ્યુત નિરીક્ષક, ડે. એન્જિનીયર પીજીવીસીએલ તથા રાજકોટ મ્યુનિસીપલ કોપોરેશનના અધિકારી ઓની હાજરીમાં બનાવવાની જગ્યાનું નિરીક્ષણ કરાવી આગના ચોકકસ કારણ અંગે તેમજ અન્ય વૈજ્ઞાનિક પુરાવા,અભિપ્રાય મેળવવા તજવીજ કરી હતી. તેમજ ઉદય શીવાનંદ કોવીડ હોસ્પીટલના સીસીટીવીના રેકોર્ડીંગ ડીવીઆર કબ્જે લઇ એફએસએલ ગાંધીનગર તરફ તપાસ માટે કામે મોકલી આપ્યા હતાં.

તપાસના કામે લાગતા વળગતા સાહેદોના નિવેદનો નોધી જરૂરી દસ્તાવેજી પુરાવા એકત્રીત કર્યા હતાં. એફ. એસ.એલ.ના રીપોર્ટ વંચાણે લઇ તપાસમાં સામેલ રાખ્યા હતાં. દૂર્ઘટનામાં મૃત્યુ પામનારા લોકોના પી એમ રીપોર્ટ આવ્યા હતાં. જેમાં (૧) કેશુભાઇ લાલજીભાઇ અકબરી (ઉ.વ. ૫૦- રહે. ન્યુ શકિત સોસાયટી રાજકોટ)નું મૃત્યુ ગુંગળામણને કારણે તથા (૨) રામશભાઇ મોતીભાઇ લોહ (ઉ.વ. ૬૫ -રહે, જસદણ, અર્જુન પાર્ક સોસાયટી, ધોરીયાની બાજુમાં, તા. જસદણ), (૩) રસીકલાલ શાંતિલાલ અગ્રાવત (ઉ.વ. ૫ ૬-રહે. શિવનગર શેરી નં. ૨, વેરાવળ (શા પર), (૪) સંજય ભાઈ અમૃતભાઇ રાઠોડ (ઉ.વ. ૫૭ રહે. પ્રહલાદ પ્લોટ ૪૧, કેદાર કૃપા, કરણપરા ચોક, રાજકોટ) અને (૫) નીતીનભાઇ મણીલાલ બદાણી (ઉ.વ. ૬૧-રહે. ઇસ્કોન ફલેટ, ૨૦૨, શનાળા રોડ, મોરબી)ના મુત્યુ દાઝી જવાથી થયાનું જણાવાયું હતું.

તપાસમાં જણાઇ આવ્યું હતું કે, આઇસીયુનું ઇમરજન્સી એકઝીટ બંધ હાલતમાં રાખવામાં આવેલ હતું અને દરવાજા પાસે મશીનરી મુકી, આડશ મુકીને અવરોધ ઉભો કરેલ હતો. દર્દી  કેશુભાઇનું મૃત્યુ ગુંગળામણને કારણે થયેલ હોય તેમજ ફાયર બ્રિગ્રેડના કર્મચારીના નિવેદન મુજબ આઇસીયુમાં વેન્ટીલેશન ન હોવાને કારણે ધુમાડો થયેલ હતો. તેમજ આઇસીયુમાં સેનીટાઇઝર જેવા જવલનશીલ પ્રવાહી વધુ માત્રામાં હતા. પ્રથમ, બીજો તથા ત્રીજો માળ એટલે કે, સમગ્ર કવીડ હોસ્પિટલમાં ૫૩ દદીઓની કેપેસીટી હોવા છતા હોસ્પીટલમાંથી બહાર ઇમરજન્સી સમયે જવા માટે કોઇ ઇમરજન્સી દરવાજો ન હોઇ ફકત ચાર ફુટની પહોળાઇ ધરાવતા પગથીયા દ્વારા જ ચડવા-ઉતરવાની વ્યવસ્થા છે. તેમ જ ફકત ગ્રાઉન્ડ ફલોરમાં એકઝીટના બે દરવાજા આપેલ છે તે પણ કોઇપણ દર્દીને ફાયર સાઇનબોર્ડ કે અન્ય કોઇ રીફલેકટર દ્રારા ઇમરજન્સી EXIT દર્શાવેલ નથી. તેમ જ આઇસીયુમાં પ્રવેશવાના દરવાજાની પહોળાઇ ૩ ફુટ ૪ ઇંચ છે જે નિયમો કરતા ખુબ જ ઓછી છે.

તપાસમાં એવી હકીકત પણ જણાઇ આવી હતી કે ઉદય શીવાનંદ કોવીડ હોસ્પિટલમાં આઇસીયુ પાસે રાખ વામાં આવેલ ફાયર એસ્ટીગ્યુશર્સનો ફરજ પરના હાજર કુલ-૬ પેરા મેડીકલ સ્ટાફ પૈકી કોઇ ઉપયોગ કરી શકેલ નહોતા. ફરજ પરના પેરા મેડીકલ સ્ટાફને હોસ્પિટલના સંચાલક દ્વારા ફાયર ફાઇટીંગ કે ઇમર્જન્સી રેસ્કયુ અંગેની તાલિમ આપવામાં આવી નહોતી.  જે હોસ્પિટલના સંચાલકોના પક્ષે ગંભીર બેદરકારી છે. તેમજ ફાયર વિભાગના અધિકારી તરફથી અપાયેલા રિપોર્ટ મુજબ પણ કેટલીક ખામીઓ, બેદરકારીઓ જણાઇ આવી છે. જે આ મુજબ છે.

હોસ્પીટલમાં કોઇ જ પ્રકારનો આગના સમયે ખુબ જરૂરી એવો ઇવેકયુએશન પ્લાન બનાવવામાં આવેલ નથી, તેમજ ફાયર સાઇનેજીશ કયાંય જોવા મળેલ નથી. તેમજ ઓટોમેટીક સ્પ્રીન્કલ સીસ્ટમ કે જે બે કે બે થી વધુ માળ માટે વ્યવસ્થા કરવી જરૂરી હોય જે આ હોરપીટલમાં જોવા મળેલ નથી. તેમજ આગ લાગે ત્યારે કર્મચારીઓએ શું-શું બચાવની કામગીરી કરવાની હોય છે તેની soP કે લેખીતમાં પ્લાન, હોસ્પીટલના સંચાલકો દ્વારા બનાવવામાં આવેલ નથી.  એ રીતે હોસ્પિટલમાં  ફાયર ફાઇટીંગ કે ઇમર્જન્સી રેસ્કયુ અંગે સંચાલકોના પક્ષે ગંભીર બેદરકારી દર્શાઇ આવી છે. હોસ્પીટલના સંચાલકોની બેદરકારીના કારણે પાંચ દર્દીઓના મૃત્યુ થયા છે.

ઉપરોકત બાબતે, ઉદય શીવાનંદ કોવીડ હોસ્પીટલના સંચાલકોએ NBC   તથા NABH & FIRE SAFETY ની ગાઇડલાઇનનું પાલન કર્યુ ન હોઇ, જેને કારણે હોરપીટલમાં આવેલ પહેલા માળે આઇસીયુમાં સારવાર અર્થે દાખલ થયેલા પાંચ પૈકી ચાર દર્દીઓના દાઝી જવાથી અને એક દદીનું ગુંગળાઈ જવાના કારણે કરૂણ મૃત્યુ નિપજેલ હોઇ જેથી ઉદય શીવાનંદ કોવીડ હોસ્પીટલનું સંચાલન કરતા ડો.પ્રકાશ મોઢા (ચેરમેન-ગોકુલ લાઇફકેર પ્રા.લી.), વિશાલ મોઢા કે જેઓ એ હોસ્પિટલની મંજુરી મહાનગરપાલીકા પાસેથી મેળવેલ છે તે તથા ડો.તેજસ કરમટા, ડો. તેજસ મોતીવારસ, ડો. દિગ્વીજયસિંહ જાડેજા (રહે. તમામ રાજકોટ) તથા તપાસમાં નિકળે તેઓ વિરૂધ્ધ આઇપીસી કલમ ૩૦૪ (અ), ૧૧૪ મુજબ ધોરણસરની ફરીયાદ કરી છે.

પીઆઇ કે. એન. ભુકણે એફઆઇઆરમાં વિશેષમાં જણાવ્યું છે કે મારા સાહેદો હોસ્પીટલમાં સારવાર અર્થે દાખલ થયેલ દદીઓ, ફરજ પરના ડોકટરો, પેરા મેડીકલ સ્ટાફ, પોલીસ, આર.એમ.સી. અને ફાયર બ્રિગેડના અધિકારીઓ/ કર્મચારીઓ તથા તપાસમાં નિકળે તે સહિતના છે.

આ ફરિયાદને આધારે હાલ તુર્ત ડો. પ્રકાશ મોઢા, તેમના પુત્ર ડો. વિશાલ મોઢા અને ડો. તેજસ કરમટાને અટકાયતમાં લઇ કોરોના ટેસ્ટ કરાવવા તજવીજ કરવામાં આવી છે. રિપોર્ટ બાદ ધરપકડની કાર્યવાહી થઇ શકે છે.

આગળની તપાસ ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમ, પીઆઇ આર.વાય. રાવલના માર્ગદર્શનમાં તાલુકા પીઆઇ જે. વી. ધોળા, ભરતભાઇ વનાણી, પ્રવિણભાઇ સહિતની ટીમ તથા માલવીયાનગર પીઆઇ કે. એન. ભુકણ, પીએસઆઇ વી. કે. ઝાલા, પરેશભાઇ જારીયા, મયુરભાઇ મિયાત્રા, અરૂણભાઇ સહિતે હાથ ધરી છે.

(3:44 pm IST)