Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

રેલનગર રામેશ્વર પાર્કમાં રેલ્વે પાઇલોટના ઘરમાંથી ૭.૩૪ લાખની ચોરીઃ ઇન્ટરલોક ખોલીને હાથફેરો

ઘરની ચાવી ભાણેજને આપી ગયા હતાં: રસોડાનો દરવાજો ખુલ્લોઃ રોકડ, સોનાના બિસ્કીટ, ચેઇનની ચોરીઃ કબાટની વચ્ચે ફિટ કરાવેલું છુપ્પુ લોકર તોડીને હાથફેરોઃ જાણભેદૂની સંડોવણીની શંકાએ પ્ર.નગર પોલીસની તપાસ

રાજકોટ તા. ૩૦: રેલનગર રામેશ્વર પાર્કમાં રહેતાં રેલ્વેના લોકો પાઇલોટના ચાર દિવસ બંધ રહેલા ઘરમાં મુખ્ય દરવાજાનું ઇન્ટરલોક ખોલી અંદર પ્રવેશી રોકડ-સોનાના બિસ્કીટ, ચેઇન મળી ૭ લાખ ૩૪ હજારની માલમત્તા ચોરી જવામાં આવી છે. પાઇલોટ સપરિવાર દિલ્હી પુત્રવધુના ઘરે ગયા હતાં. મકાનની ચાવી પોતાની ભાણેજને આપી ગયા હતાં. ગઇકાલે તેઓ પરત આવ્યા ત્યારે ચોરી થયાની જાણ થઇ હતી. જાણભેદૂની સંડોવણીની શકયતાએ તપાસ શરૂ થઇ છે.

બનાવ અંગે રેલનગર રામેશ્વર પાર્ક-૨ બ્લોક નં. ૫૭-બી-૨માં રહેતાં અને રેલ્વેમાં લોકો પાઇલોટ તરીકે ફરજ બજાવતાં ફ્રાન્સીસભાઇ લલીતસેન ક્રિશ્ચીયન (ઉ.વ.૫૫)ની ફરિયાદ પરથી પ્ર.નગર પોલીસે ગુનો નોંધ્યો છે.

ફ્રાન્સીસભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે ૨૪/૧૧ના રોજ પોતે અને પત્નિ તથા દિકરો, દિકરી તેમજ ભાણેજના દિકરી સાથે રાજકોટથી દિલ્હી ટ્રેનમાં ગયા હતાં. રહેણાંકની ચાવી ભાણેજ નિલોફરને આપી ગયા હતા. એ પછી ગઇકાલે સવારે સાડા દસેક વાગ્યે તેઓ દિલ્હીથી અમદાવાદ ટ્રેનમાં આવ્યા હતા. ત્યાંથી રાજકોટ આવવા ટ્રેનમાં બેઠા હતાં. ભાણેજ નિલોફરને જમવાનું બનાવી રાખવા માટે ફોન કર્યો હતો. એ પછી દસેક મિનીટ બાદ ભાણેજે ફોન કરી કહેલુ કે તમારા મકાનનો પાછળનો દરવાજો ખુલ્લો છે. આથી તેમણે ભાણેજને મકાનની ચાવી હોઇ ખોલીસને અંદર તપાસ કરવાનું કહેતાં તેણે અંદર જઇ તપાસ કરી હતી.

એ પછી તેણે જાણ કરી હતી કે મકાન અંદર સામા વેરવિખેર છે, લોકર તૂટેલુ છે. આથી ભાણેજને પોલીસને જાણ કરવાનું કહ્યું હતું. ત્યારબાદ બપોરે એકાદ વાગ્યા પછી ફ્રાન્સીસભાઇ ઘરે પહોંચ્યા હતાં. તેમણે તપાસ કરતાં ઘરમાંથી રૂ. ૨૦૦૦ અને ૫૦૦ તેમજ ૧૦૦ના દરની ચલણી નોટો રૂ. ૧,૬૦,૦૦૦ની, સોનાના બે બિસ્કીટ રૂ. ૫,૪૯,૦૦૦ના તેમજ રૂ. ૨૫ હજારનો ચેઇન ગાયબ હતાં. રસોડાનો પાછળનો દરવાજો ખુલ્લો હતો.

મકાનના મુખ્ય દરવાજામાં ઇન્ટર લોક હતું. તે લોક ખોલીને કોઇએ ઘરમાં પ્રવેશ કરી કબાટની વચ્ચે ફિટ કરાવેલું લોકર તોડી તેની અંદરથી રોકડ, સોનાના બિસ્કીટ, ચેઇન મળી કુલ રૂ. ૭,૩૪,૦૦૦ની ચોરી કરી છે. પીઆઇ એલ. એલ. ચાવડા, પીએસઆઇ કે. ડી. પટેલ, આનંદભાઇ સહિતે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ચોરીમાં જાણભેદૂ હોવાની શકયતા ચકાસાઇ રહી છે.

(12:45 pm IST)