Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

નવતર નુસ્ખોઃ દોસ્ત વાહનમાંં ગાદલાના થપ્પા વચ્ચે ખાચો રાખી છુપાવેલો ૯૨૪ બોટલ દારૂ ઝડપી લેતી ક્રાઇમ બ્રાંચ

ગોંડલ રોડ નુરાની પરા પાસે દરોડોઃ કોઠારીયા સોલવન્ટના રમેશ પરમારની ધરપકડઃ મંગાવનાર શાપરના ધર્મેન્દ્રસિંહ પરમાર અને મોકલનારની શોધખોળઃ કુલ રૂ. ૪,૯૮,૮૦૦નો મુદ્દામાલ કબ્જે

પ્રતાપસિંહ મોયા, વિક્રમભાઇ ગમારા અને દેવાભાઇ ધરજીયાને મળેલી બાતમી પકડાયેલા વાહનમાં કઇ રીતે ગાદલા વચ્ચે દારૂ છુપાવાયો હતો તે જોઇ શકાય છે

રાજકોટ તા. ૩૦: બૂટલેગરો પોલીસથી બચવા નીતનવા નુસ્ખા અજમાવતાં રહે છે. આમ છતાં પોલીસના હાથમાં આવી જાય છે. ક્રાઇમ બ્રાંચે ગોંડલ રોડ નુરાની પરા પાસેથી દોસ્ત વાહનમાં ગાદલાઓના થપ્પા વચ્ચે ખાંચો બનાવી છુપાવાયેલો ૯૨૪ બોટલ દારૂ શોધી કાઢી કોઠારીયા સોલવન્ટના એક શખ્સને દબોચ્યો છે. મંગાવનાર અને મોકલનારની શોધખોળ થઇ રહી છે.

પેટ્રોલીંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમી પરથી ટીમે રાજકોટથી ગોંડલ જવાના રસ્તે નેશનલ હાઇવે નં. ૮ ઉપર નુરાનીપરા પાસે સફેદ રંગનું દોસ્ત વાહન આંતરી તલાશી લેતાં પાછળ ઠાઠામાં ગાદલાનો જથ્થો જોવા મળ્યો હતો. પરંતુ દારૂની બાતમી હોઇ ગાદલાઓ હટાવીને જોતાં થપ્પાઓ વચ્ચે બનાવાયેલા મોટા ખાંચાની વચ્ચેથી મેકડોવેલ નંબર વન અને એપિસોડ ગોલ્ડ વ્હીસ્કીની ૯૨૪ બોટલો રૂ. ૧,૯૬,૮૦૦ની મળતાં તે, વાહન, ોન, મળી રૂ. ૪,૯૯,૮૦૦નો મુદ્દામાલ કબ્જે કરી આ વાહનના ચાલક કોઠારીયા સોલવન્ટ પાસે હાઉસીંગ બોર્ડ કવાર્ટર નં. ૬૨૫માં રહેતાં રમેશ મંગાભાઇ પરમાર (ઉ.વ.૩૨)ને પકડી લીધો હતો.

તેની પુછતાછ થતાં આ દારૂ શાપર શાંતિધામમાં રહેતાં મુળ અમરેલીના જાળીયાના ધર્મેન્દ્રસિંહ ચુડાસમાએ મંગાવ્યાનું ખુલતાં તેની અને દારૂનો જથ્થો મોકલનારની સામે પણ ગુનો નોંધાયો હતો. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ડી. વી. બસીયાની રાહબરી અને પીઆઇ વી. કે. ગઢવીની સુચના હેઠળ પીએસઆઇ પી. બી. જેબલીયાની ટીમના હેડકોન્સ. વિક્રમભાઇ ગમારા, અંશુમનભા ગઢવી, ક્રિપાલસિંહ જાડેજા, કોન્સ. પ્રતાપસિંહ મોયા, દેવાભાઇ ધરજીયા સહિતે આ કામગીરી કરી હતી. બાતમી વિક્રમભાઇ, દેવાભાઇ અને પ્રતાપસિંહને મળી હતી.

(11:32 am IST)