Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

શિયાળાની ઋતુમાં સ્વસ્થ રહેવાની ટીપ્સ

સૂકી ઠંડી હવાના કારણે થતા ફેરફારને કારણે શરદી, ઉધરસનંુ પ્રમાણ વધારે જોવા મળે છે : નાના બાળકો તથા વૃદ્ધોમાં ન્યુમોનિયા થવાની શકયતા : ઘરમાં હિટર રાખવુ હિતાવહ

રાજકોટ : શિયાળાની ઋતુ શરૂ થઇ ગઈ છે આમ તો ઋતુ બધી ઋતુઓમાં તંદુરસ્તી માટે સૌથી સારી ઋતુ ગણાય છે પરંતુ આ ઋતુમાં પણ શારીરીક તકલીફો તો થાય જ છે. જે ધ્યાને લેવી જરૂરી છે.

ઋતુઓના કારણે થતા ફેરફાર :- શિયાળામાં હવા ખૂબ જ શુષ્ક અને ઠંડી હોય છે જેના કારણે શરીરની પ્રતિકારક શકિત ઘટી જાય છે અને શરદી, કફ થવાની શકયતા વધી જાય છે. અમુક વાયરસ જે શિયાળામાં વધારે એકટીવ થતા હોય છે જેમ કે આરએસવી વાયરસ, Rhino વાયરસ જેના કારણે બાળકો અને વડીલોમાં પણ શરદી, ઉધરસનું પ્રમાણ વધી જાય છે. નાના બાળકો અને મોટી ઉંમરના લોકો કે જેમની પ્રતિકાર શકિત ખૂબ જ ઓછી હોય અને હૃદયની અને શ્વાસ તથા અસ્થમાની તકલીફ હોય એમને શરદી, ઉધરસ અને ન્યુમોનીયા થવાની શકયતા વધી જાય છે.

શું કાળજી રાખવી :- અમુક વસ્તુઓનું ધ્યાન રાખવાથી આ બધી પરિસ્થિતિથી આપણે આપણી જાતને રક્ષણ આપી શકીએ છીએ. જેમ કે શિયાળામાં આપણે બંધરૂમમાં રહેવાનું પસંદ કરીએ છીએ. બંધીયાર રૂમમાં હવા વધારે ભેજવાળી થાય છે અને કીટાણુઓનો ચેપ વધારે લાગવાની શકયતા રહે છે. તેથી બને ત્યાં સુધી બારી બારણા ખુલ્લા રાખવા જોઈએ. સતત હવા ચેન્જ થતી રહે, પુરતો હવા ઉજાસ રહે એ ધ્યાને રાખવુ જોઈએ. વાતાવરણ વધારે ઠંડુ હોય તો ઘરમાં હીટર રાખી શકાય. તેમજ બાળકોને હાથપગના મોજા તથા માથે ટોપી પહેરાવી તથા હવા ઉજાસમાં અને તડકો આવતો હોય તેવા રૂમમાં રાખવા જોઈએ. જયારે પણ બહાર જઈએ ખાસ કરીને સાયકલ અને સ્કુટરમાં જયા સામો ઠંડો પવન લાગવાની શકયતા હોય ત્યારે માસ્ક કે રૂમાલ, મફલર વગેરે પહેરી રાખવુ જોઈએ. એનાથી ઠંડો પવન નાકમાં અને મોઢામાં ન જાય.

વ્યકિતગત આદતોમાં ફેરફાર :- આ સિવાય વ્યકિતગત કાળજીની વાત કરીએ તો દરરોજ ન્હાતી કે બ્રશ કરતી વખતે ગરમ પાણીના કોગળા અને સાદા ગરમ પાણીની નાસ લેવો જોઈએ જેનાથી કફ થવાની શકયતા ઓછી થઈ જાય છે અને ખાવા - પીવામાં ગરમ પ્રવાહી વધારે લેવુ જોઈએ. નવસેકુ પાણી, હળદરવાળુ દૂધ, ચા - કોફી, રાબ, શીરો, કાવો વગેરે વસ્તુ અનુ કૂળ આવે એ વસ્તુ વધારે લેવી જોઈએ.

શરદી, ઉધરસ અને ફલુના દર્દીએ રાખવાની કાળજી :- ગરમ પ્રવાહી અને નાસ લેવુ તથા આદુ, તુલસીનો ઉકાળો, મસાલાવાળી ચા, કાળો, હળદરવાળુ દૂધ લેવુ જોઈએ અને નાના બાળકોને અને મોટી ઉંમરના વ્યકિતઓ કે જેને ચેપ લાગવાની શકયતા સૌથી વધારે હોય છે તેનાથી શરદી, ઉધરસના દર્દીએ દૂર રહેવુ જોઈએ અને દર્દીએ પોતાના ટુવાલ, નેપકીન, ચાદર, ઓશીકુ વગેરે અલગ રાખવા જેથી બીજાને ચેપ લાગતો અટકાવી શકાય છે.

ફલુ સામેની રસી :- શરદી અને ફલુ વારંવાર ન થાય તે માટેની રસી પણ ઉપલબ્ધ છે. જેને ફલુ વેકસીન કહે છે. જેને સ્વાઈન ફલુ વેકસીન પણ કહીએ છીએ પણ આ વેકસીન બીજા ફલુમાં પણ કામ કરે છે. આ વેકસીન લેવાથી શરદી અને ફલુ થવાનુ જોખમ ૫૦% જેટલુ ઘટાડી શકાય છે. આ રસીથી પણ ૧૦૦% રક્ષણ નથી મળતુ પણ ૫૦% રક્ષણ તો મળી જ જાય છે. રોગ પ્રતિકારક શકિત ઓછી હોય એણે તો ખાસ આ વેકસીન લેવી જોઈએ. જે દર વર્ષે લેવાની હોય છે. તમારા ડોકટર દ્વારા રસી વિશે વધારે માહિતી મેળવી, રસી લઈ, શરદી, ફલુથી રક્ષણ મેળવી શકો છો.

ડો. મેહુલ એમ. મિત્રા

'અનિમેષ', કોટેચા ચોક, રાજકોટ. ફોન - ૦૨૮૧-૨૪૪૭૧૨૭

(3:51 pm IST)