Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

મેરેથોનના દોડવીરો માટે કાલે તાલીમ કેમ્પ

નિષ્ણાંતોની નિઃશુલ્ક સેવા : મેરેથોન - સાઈકલોફોનનું રજીસ્ટ્રેશન પણ કરાશે

રાજકોટ, તા.૩૦ : રોટરી મીડટાઉન કલબ ઓફ રાજકોટ દ્વારા આયોજીત મેરેથોનમાં ભાગ લઇ રહેલાઓને યોગ્ય માહીતી મળી રહે તે માટે કાલે તા. ૧ ના હોકી મેદાન રેસકોર્ષ ખાતે એક તાલીમ કેમ્પ યોજવામાં આવ્યો છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા રોટરી કલીબના આગેવાનોએ જણાવેલ કે તા.૧૫ ડિસેમ્બરે સાઈકલોફન અને ૨૯ ડિસેમ્બરે મેરેથોન ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં ભાગ લેવા માટે રાજકોટ જ નહી બલ્કે સૌરાષ્ટ્રભરના લોકો આતૂર બન્યા છે. મેરેથોનમાં ભાગ લેનારા દોડવીરોએ દોડતા પહેલા અને દોડતી વખતે તેમજ દોડી લીધા પછી શું કાળજી રાખવી તે અંગે   રેસ ડાયરકેટર રાહુલ શર્મા જરૂરી માર્ગદર્શન આપશે.

મેરેથોનમાં ભાગ લેનારા અને ભાગ લેવા માગતાં દોડવીરો આ કેમ્પમાં જોડાઇ શકશે. જો કોઈ દોડવીરે મેરેથોન કે સાઈકલોફન માટે રજિસ્ટ્રેશન નહી કરાવ્યું હોય તો તેઓ સ્થળ ઉપર પણ કરાવી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

મેરેથોન અને સાઈકલોફનના આયોજકોના જણાવ્યા અનુસાર કાલે  રવિવારે સવારે ૬ વાગ્યાથી રેસકોર્સના એથ્લેટીક ગ્રાઉન્ડ પાછળ આવેલા હોકી ગ્રાઉન્ડમાં મેરેથોનના રેસ ડાયરેકટર અને દોડ માટે જાણીતા રાહુલ શર્મા દ્વારા દોડવીરોને તાલીમ આપવામાં આવશે.

આ બૂટકેમ્પમાં ૫, ૧૦ અને ૨૧ કી.મી. (હાલ્ફ મેરેથોન) દોડનારા લોકો ભાગ લઈ શકશે.

દોડવીરોએ દોડ દરમિયાન શું ધ્યાન રાખવું, કેવી રીતે દોડવું, શું ભોજન લેવું, શું ન લેવું, હાંફ ચડે તો શું કરવું, થાક લાગે તો શું કરવું તે સહિતનું ઝીણામાં ઝીણું માર્ગદર્શન આ કેમ્પ થકી આપવામાં આવશે.

મેરેથોન અને સાઈકલોફન ઈવેન્ટમાં રજિસ્ટ્રેશન કરવાનું ચૂકી ગયેલા લોકો આ કેમ્પમાં સ્થળ ઉપર જ રજિસ્ટ્રેશન કરાવી શકશે. વધુ માહીતી માટે ટોલ ફ્રી નં. ૭૫૭૫૦૦૮૦૩૮- ૫૮ ઉપર સંપર્ક કરી શકાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ મેરેથોનમાં રેસ ડાયરેકટર તરીકે કાર્યરત રહેનારા રાહુલ શર્માએ અત્યાર સુધી લંડન, ન્યુયોર્ક, શીકાગો, બર્લિન, સિંગાપોર સહિતની મેરેથોન પૂર્ણ કરી છે. તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા રેસ ડાયરેકટર રાહુલ શર્મા સાથે ઇવેન્ટ મેનેજર વનિતા, રનીંગ મેનેજર ગૌતમી, રોટરી કલબના પ્રેસીડેન્ટ જીજ્ઞેશ અમૃતિયા, મેરેથોન ચેરમેન દિવ્યેશ અધેરા, કો-ચેરમેન દિપક મહેતા નજરે પડે છે (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:51 pm IST)