Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

ચેક રિટર્ન કેસમાં સમાજ સુરક્ષા વિભાગના કર્મચારીનો નિર્દોષ છુટકારો ફરમાવતી કોર્ટ

રાજકોટ, તા. ૩૦ :  આ બનાવની હકિકત એવી છે કે રાજકોટના બહુમાળી ભવનના સમાજ સુરક્ષા વિભાગમાં નોકરી કરતા અને રાજકોટ મુકામે રહેતા મનીષભાઇ કનુભાઇ વોરા પર જયંતીભાઇ ધરમશીભાઇ પરમારએ રૂ. ૩,૦પ,૦૦૦ નો ચેક રિટર્ન થતા નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ મુજબ ની ફરીયાદ દાખલ કરેલ.

આરોપી તરફે બચાવ લેવામાં આવેલ કે ફરીયાદી સાથે આરપોી ને કોઇ આર્થિક વ્યવહાર છે જ નહીં, ખરી હકિકતે ફરીયાદીની પુત્રી ફાલ્ગુનીએ આરોપીને પુરતી જાણકારી ન આપી તેની સાથે આરોપી ચોથી વખત લગ્ન કરેલ જે લગ્નજીવન થોડા જ સમયમાં પત્નીને કારણે ભંગાણ થાય તે પરિસ્થિતિમાં પહોંચી ગયેલ, પત્ની ફાલ્ગુનીના ત્રાસથી વર્ષ -ર૦૧૪ માં આરોપીએ આત્મહત્યાનો પ્રયાસ પણ કરેલ અને કફોડી હાલતમાં પહેરેલ કપડે અડધી રાત્રે ઘર છોડી દીધેલ તે સમયે ઘરમાં રહેલ સમાજમાં ચેક પણ હોય જેનો દુરઉપયોગ કરી ફરીયાદીએ આરોપી પર ખોટો કેસ દાખલ કરેલ.

એડી. સીની સિવિલ જજ અને એ.ડી. જે. એમ. એન. એચ. વસવેલીયા એ ફરીયાદીની ફરિયાદ શંકા ઉપજાવતી હોય, મહત્વના સાક્ષી-પુરાવાઓ રજૂ રાખેલ ન હોય, આરોપીએ આપેલ નોટીસ ના જવાબમાં પણ વિસ્તારપૂર્વકની માહિતીઓ હોવા છતાં ફરીયાદી મૌન રહેલ હોય અને સઘળી હકિકતથી અજાણ હોય તેવું વર્તન કરેલ હોય, આરોપીઓ ન આપેલ હોય તેવી રકમ બેન્કમાંથી મેળવેલ હોય કે હાથ પર હોય તેવો કોઇ પુરાવો રજુ ન હોય કે તેઓની આવક પણ આવી રકમને સમર્થન ન આપતી હોય, ચેક મેળવવા સમયે કોઇ વ્યવહાર જ ન હોય જેવી હકિકતો ધ્યાને લઇ ફરીયાદ પક્ષનો કેસ શંકાસ્પદ બનતો હોય અને આરોપી પ્રીપોન્ડરન્સ ઓફ પ્રોબેલિલિટી ના સિધ્ધાંત મુજબ પ્રબળ શંકા ઉત્પન્ન કરવામાં સફળ થયેલ હોય જેથી આરોપીને તેનો લાભ આપી નિર્દોષ છોડી મુકવા મુજબ નો હુકમ ફરમાવેલ છે.

આરોપી તરફે હાલના કેસમાં ન્યાયિક રજુઆતો સબબ એડવોકેટ દરજજે કમલ એન. કવૈયા, વિરલ એચ. રાવલ અને કનકસિંહ ડી. ચૌહાણ રોકવામાં આવેલ હતા.

(3:46 pm IST)