Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

શહેરમાં શૈતાની કૃત્યઃ સુતેલી બાળકીને તેના જ ગોદડામાં વીંટાળી ઉઠાવીને નાળામાં લઇ જઇ હવસખોરે દેહ પીંખી નાંખ્યો

પરિવારજનો આકુળ વ્યાકુળ થઇ શોધખોળ કરતા'તા ત્યાં બાળા રડતી-રડતી આવી અને કથની વર્ણવીઃ ભોગ બનનાર બાળા હોસ્પિટલના બિછાનેઃ થોરાળા પોલીસે તેણીની માતાની ફરિયાદ પરથી અપહરણ, બળાત્કાર, પોકસોની કલમો હેઠળ ગુનો નોંધ્યોઃ બાળકી લોહીલુહાણ થઇ જતાં ઝનાના હોસ્પિટલમાં સારવાર હેઠળ

જ્યાંથી બાળાને ઉઠાવાઇ હતી એ ભાવનગર રોડ પરનો આર.એમ.સી.નો બગીચો, ભોગ બનેલી બાળા સારવાર હેઠળ તથા વિગતો વર્ણવતા તેના માતા

રાજકોટ તા. ૩૦: શહેરમાં એક મહિના પહેલા એરપોર્ટ રોડ પરથી ગરબીની લ્હાણી લઇને આવી રહેલી બાળાને એક હવસખોર  તેના દાદીની નજર સામે જ અપહરણ કરી ઉઠાવી ગયો હતો અને રૈયા ગામ તરફ અવાવરૂ જગ્યાએ લઇ જઇ દૂષ્કર્મ ગુજાર્યુ હતું. એ હવસખોરને પોલીસે રાતોરાત દબોચી લીધો હતો. ત્યાં ગત રાતે ભાવનગર રોડ અમુલ ચોકડી નજીક જેટકોની દિવાલ પાછળ આવેલા આર.એમ.સી.ના બગીચાની ખુલ્લી જગ્યામાં માતા સાથે સુતેલી ૮ વર્ષની બાળાને તેણે ઓઢેલા ગોદડામાં વીંટાળીને ઉઠાવી જઇ નજીકના પુલીયા નીચે લઇ જઇ એક હવસખોરે છરી બતાવી ધમકાવી તેનો દેહ પીંખી નાંખતાં ખળભળાટ મચી ગયો છે. શૈતાની કૃત્ય આચરનારા હવસખોરને શોધવા પોલીસે દોડધામ આદરી છે. ભોગ બનેલી બાળાને સારવાર માટે ઝનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

થોરાળા પોલીસે આ ઘટનામાં ભોગ બનેલી બાળાની માતાની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ વિરૂધ્ધ આઇપીસી ૩૬૩, ૩૬૬, ૩૭૬ (એ-બી), ૫૦૬ (૨), પોકસોની કલમ ૪, ૬ તથા જીપીએકટ ૧૩૫ (૧) મુજબ અપહરણ કરી પુલીયા નીચે અવાવરૂ જગ્યાએ લઇ જઇ છરી બતાવી મારી નાંખવાની ધમકી આપી બળાત્કાર ગુજારવાનો ગુનો નોંધ્યો છે.

હેવસખોરનો ભોગ બનેલી બાળકીની માતાએ પોલીસ સમક્ષ વિતક વર્ણવતા કહ્યું હતું કે અમે બારા પંથકના વતની છીએ અને એકાદ મહિનાથી હું, મારા પતિ, જેઠ, સસરા, દિયર, મારા બે પુત્ર અને ત્રણ પુત્રી સહિતના કુટુંબીજનો રાજકોટ ભાવનગર રોડ પર આર.એમ.સી.ના બગીચાની ખુલ્લી જગ્યામાં રહીએ છીએ અને અમે પાણીના ઘોડા પાસે કડીયા કામની સાઇટ પર કામ કરીએ છીએ. મારા નણંદ પણ રાજકોટ સાસરે છે.

શુક્રવારે રાતે નવેક વાગ્યે અમે બધા જમીને બગીચામાં લાઇનસર પથારી કરીને સુઇ ગયા હતાં. બે માસનો દિકરો તથા પતિ મારી બાજુમાં સુતા હતાં. તેમજ ૮ વર્ષની દિકરી પણ મારી બાજુમાં સુઇ ગઇ હતી. આશરે સાડા નવેક વાગ્યે મારો બે માસનો દિકરો રડવા માંડતા મારા સસરા જાગી ગયા હતાં. તેણે મને દિકરાને છાનો રાખવાનું કહેતાં હું પણ જાગી ગઇ હતી. એ વખતે દિકરીને જ્યાં સુવડાવી હતી તે ત્યાં જોવા મળી નહોતી અને ગોદડુ પણ ગાયબ હતું. આથી મારા તમામ પરિવારજનોને જગાડ્યા હતાં અને અમે આજુબાજુમાં તપાસ શરૂ કરી હતી. બાજુમાં બીજા લોકો રહેતાં હોઇ તે પણ મદદમાં જોડાયા હતાં.

એ પછી બધાએ પોલીસને જાણ કરવાનું નક્કી કર્યુ હતું. પણ ગૂમ થયેલી દિકરીનો ફોટો ન હોઇ તેનો ફોટો માંડા ડુંગર તરફ રહેતાં સગાને ત્યાં હોઇ અમે રિક્ષા બાંધીને ત્યાં જવા નીકળ્યા હતાં. ત્યાંથી પરત રિક્ષા લઇને આવ્યા ત્યારે રસ્તા પર એક કારવાળા ભાઇ અને બીજા ચાર-પાંચ જણા જોવા મળ્યા હતાં. મારી દિકરી પણ ત્યાં હતી. તે રડતી હતી. કારવાળા ભાઇએ આ છોકરી આજીડેમ ચોકડી તરફથી રડતી રડતી આવતી હોવાનું કહ્યું હતું.

એ પછી અમે દિકરીને જોતાં તેણે પહેરેલા કુર્તામાં લોહીના ડાઘા હતાં. તેણે પેશાબની જગ્યાએ દુઃખાવો થાય છે તેવીવાત કરી હતી. શું થયું? તેમ પુછતાં દિકરીએ કહ્યું હતું કે હું સુતી હતી ત્યારે મને મારા જ ગોદડામાં એક ભાઇએ ઉપાડી લીધી હતી અને રોડ નીચે પુલીયામાં લઇજઇ ગોદડુ પાથરી મને સુવડાવી દઇ છરી દેખાડી જો રાડો પાડી તો મારી નાંખીશ તેવું કહી મોબાઇલ ફોનની લાઇટ ચાલુ રાખી  મારી સાથે ખરાબ કર્યુ હતું...એ પછી તે પેન્ટ પહેરી પુલીયામાંથી ભાગી ગયો હતો. હું પણ દોડતી દોડતી રોડ પરથી બહાર આવી હતી. એ મને ઉપાડી ગયો ત્યારે મારા મોઢે ગોદડાથી મુંગો દઇ દીધો હતો...મને પેશાબની જગ્યામાં બહુ દુઃખે છે...આટલુ કહી તે ફરીથી રડવા માંડી હતી. એ પછી અમે ગુપ્ત ભાગે તપાસ કરતાં તેણીને લોહી નીકળતાં દેખાતાં સરકારી હોસ્પિટલમાં દાખલ કરી હતી.

ઘટના અંગે પી.આઇ. એસ. એન. ગડ્ડુ, એએસઆઇ અજીતભાઇ ડાભી, ભરતભાઇ વનાણી સહિતની ટીમે ગુનો નોંધી હવસખોરની શોધખોળ હાથ ધરી છે.

  પાંચ શકમંદોને બાળા સમક્ષ મોડી રાતે રજૂ કરાયાઃ પણ એમાંથી કોઇ નહોતો

થોરાળા ડી. સ્ટાફની ટીમોએ રાતો રાત દોડધામ આદરી પાંચ જેટલા શકમંદોને ઉઠાવી લીધા હતાં અને પુછતાછ કરી હતી. જો કે બાળા સામે આ શખ્સોને રજૂ કરવામાં આવતાં તેણીએ આમાંથી કોઇ ન હોવાનું કહ્યું હતું. પોલીસે હવસખોરને શોધવા દોડધામ યથાવત રાખી છે.

  સીસીટીવી ફૂટેજમાં ઢગો બાળાને લઇ જતો દેખાય છે, પણ ચહેરો આવતો નથી

બાળાને હવસખોરે જ્યાંથી ઉઠાવી હતી ત્યાંથી નજીકના પુલીયા નીચે લઇ જઇ છરી બતાવી દૂષ્કર્મ આચર્યુ હતું. એ પછી ત્યાંથી ભાગી ગયો હતો. પોલીસે રોડ પરના સીસીટીવી ફૂટેજે ચકાસતાં હવસખોર બાળાને ગોદડામાં વીંટાળી ખભે નાંખી લઇ જતો દેખાય છે. પરંતુ તેનો પાછળનો ભાગ દેખાય છે, ચહેરો દેખાતો નથી.

બે માસનો ભાઇ રડતાં દાદા જાગી ગયા, તેણે જોતાં પૌત્રી ગાયબ હતી

રાત્રીના ભોગ બનનાર બાળા તેના માતા અને બે માસના ભાઇ સાથે જ સુતી હતી. ભાઇ રાતે રડવા માંડતા દાદા જાગી જતાં તેણે પુત્રવધૂને જગાડી ટાબરીયાને છાનો રાખવા કહ્યું હતું. એ વખતે જ દાદાનું ધ્યાન પૌત્રી જ્યાં સુતી હતી ત્યાં પડતાં એ જગ્યા ખાલી હોઇ તપાસ શરૂ કરી હતી. બધાએ ભેગા મળી આસપાસના બીજા રહેવાસીઓની મદદથી દોડધામ કરી હતી. પણ બાળકીનો પત્તો ન મળતાં પોલીસને જાણ કરવા જવા તજવીજ કરી હતી. સાડા નવે ગૂમ થયેલી બાળા સાડા અગિયારે રડતી હાલતમાં મળી આવી હતી.

પરિવારજનો રિક્ષાબાંધી શોધવા નીકળ્યા ત્યારે બાળાનું મોઢુ હવસખોરે દબાવી દીધું...તેણીએ સ્વજનોને જોયા છતાં બૂમ ન પાડી શકી

દર વર્ષે આ પરિવાર મજૂરીએ આવે છે...હાલમાં એક મહિનાથી આવ્યા છે

બનાવની વિગતો જણાવતાં ભોગ બનેલી બાળાની માતાએ કહ્યું હતું કે અમે મુળ બાબરા પંથકના છીએ અને એકાદ મહિનાથી રાજકોટ કડીયા કામની મજૂરીએ આવ્યા છીએ. દર વર્ષે શિયાળામાં અમે આ રીતે મજૂરી કરવા આવીએ છીએ. આ વખતે હું, મારા પતિ, સસરા, જેઠ, દિયર, મારી બે દિકરી અને ત્રણ દિકરા સહિતના પરિવારજનો આવ્યા છીએ અને ભાવનગર રોડપર જેટકોની દિવાલ પાછળ આર.એમ.સી.ના બગીચાવાળી ખુલ્લી જગ્યામાં પટમાં રહીએ છીએ અને હાલમાં પાણીના ઘોડા પાસે કડીયા કામની સાઇટ પર કામ કરીએ છીએ. રાતે મારી ૮ વર્ષની દિકરી ગૂમ થતાં શોધખોળ કરવા છતાં ન મળતાં અમે પોલીસને જાણ કરવા જવા તેનો ફોટો મારા નાનાના ઘરે હોઇ તે લેવા જવા રિક્ષા ભાડે કરી હતી. એ પછી સાડા અગિયારેક વાગ્યે મારી દિકરી અમે જ્યાં રહીએ છીએ એ પટ નજીક પુલીયા તરફથી રડતી-રડતી આવી હતી અને પોતાની સાથે એક જણાએ ખરાબ કર્યુ હોવાનું કહ્યું હતું. બાળકીને હવસખોર પુલીયા નીચે લઇ ગયો હતો ત્યારે ત્યાંથી જ તેના માતા-પિતા સહિતના રિક્ષામાં નીકળ્યા હતાં. તેને બાળાએ જોયા હતાં, તે બૂમ પાડવા ઇચ્છતી હતી. પરંતુ હવસખોરે તેનું મોઢુ દબાવી રાખ્યું હતું. એ પછી હેવાનિયત આચરી હતી. ફોટો લઇને પરિવારજનો પરત આવ્યા એ પછી સાડા અગિયાર આસપાસ શૈતાન આ બાળકીનો દેહ પીંખી નાંખી તેને મુકીને ભાગી ગયો હતો.

પાંચ જેટલા શકમંદોને ક્રાઇમ બ્રાંચે ઉઠાવ્યાઃ અલગ-અલગ ટીમોની તપાસ

થોરાળા પોલી રાતે જ આ ઘટનામાં પાંચ જેટલા શકમંદોને ઉઠાવી લઇ પુછતાછ કરી હતી. તેમજ બાળા સમક્ષ ઓળખ પરેડ કરાવી હતી. પરંતુ બાળા ઓળખી શકી નહોતી. દરમિયાન ક્રાઇમ બ્રાંચે બીજા પાંચ-છ શકમંદોને સકંજામાં લઇ પુછપરછ શરૂ કરી છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જયદિપસિંહ સરવૈયા, એસીપી ટંડેલની રાહબરીમાં અલગ-અલગ ટીમો બનાવી આરોપીને શોધી કાઢવા દોડધામ કરવામાં આવી રહી છે.

આરોપી વિશે પાક્કી માહિતી આપનારને ૫૦ હજારનું ઇનામ

મજૂર પરિવારની આઠ વર્ષની બાળાનું તે પરિવારજનો સાથે સુતી હતી ત્યાંથી અપહરણ કરી દેહ પીંખી નાંખનારા હવસખોરને ઝડપી લેવા પોલીસની ટીમો કામે લાગી છે. બીજી તરફ આ ગુનામાં આરોપી વિશે ચોક્કસ અને પાક્કી માહિતી આપનારને પોલીસ રૂ. ૫૦ હજારનું ઇનામ આપશે તેવી જાહેરાત કરવામાં આવી છે. કોઇ પાસે ચોક્કસ બાતમી હોય તો થોરાળા પોલીસને ૦૨૮૧ ૨૩૮૯૫૫૨ અથવા ડીસીબી પોલીસ સ્ટેશન ૦૨૮૧ ૨૪૪૪૧૬૫ અથવા પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરી શકે છે.

જે ગોદડા સાથે બાળાને ઉઠાવી એ જ ગોદડુ પાથર્યુ, મોબાઇલની લાઇટ ચાલુ કરી દૂષ્કર્મ આચર્યુ!

ભોગ બનેલી બાળાએ વિતક વર્ણવતા કહ્યું હતું કે મને જે ગોદડામાં સુતી હતી તેમાં જ વીંટાળીને ઉઠાવી લીધી હતી અને ગોદડાથી જ મારા મોઢે મુંગો દઇ દીધો હતો. એ પછી મને એ જણ પુલીયા નીચે લઇ ગયો હતો અને કપડા ઉતારી છરી કાઢી જો દેકારો કરીશ તો મારી નાંખીશ એવી ધમકી આપી હતી અને ત્યારબાદ મોબાઇલ ફોનની લાઇટ ચાલુ રાખીને મારી સાથે ખરાબ કર્યુ હતું. બાળા શૈતાની કૃત્યને કારણે લોહીલુહાણ થઇ ગઇ હતી. તેને સઘન સારવાર અપાઇ રહી છે.

(3:41 pm IST)