Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

તંત્રને નથી દેખાતું...?

રાજકોટમાં ગેરકાયદે બાંધકામો અને દબાણોનો ખડકલો

કાલાવડ રોડ, એવરેસ્ટ પાર્ક પાસે સરકારી જમીનમા દબાણો કરી દારૂનાં અડ્ડાઃ કોઠારીયા રોડ પર બાલાજી પાર્કનાં એપાર્ટમેન્ટમાં ખુલ્લેઆમ ગેરકાયદે બાંધકામઃ સંતકબીર રોડ ઉપર એક વખત તોડી પડાયેલ ગેરકાયદે બાંધકામ ફરી શરૂ થઇ ગયુઃ મ્યુ.કમિશ્નરને-કલેકટરને-પોલીસને લોકો દ્વારા ફોટોગ્રાફનંા પુરાવા સાથે રજૂઆત થતા ખળભળાટ

સંત કબીર રોડ પર માર્જિન છોડયા વગર ખુલ્લેઆમ બાંધકામ

રાજકોટઃ શહેરમાં ખુલ્લેઆમ વિના રોકટોક ગેરકાયદે બાંધકામો થઈ રહ્યા છે છતાં તંત્રને આ દેખાતુ ન હોય જાગૃત નાગરિકો દ્વારા મ્યુ. કમિશ્નરશ્રીને પુરાવા સહિત રજૂઆતો કરી અને જવાબદારો સામે પગલા ભરવા માંગ કરાઈ છે. તસ્વીરમાં સંત કબીર રોડ પર થોડા મહિના અગાઉ જે સ્થળેથી ગેરકાયદે વ્યાપારી હેતુનું બાંધકામ ટી.પી. વિભાગે તોડી પાડયુ હતું. તે સ્થળે ફરીથી માર્જિન છોડયા વગર બાંધકામ ખડકાઈ ગયુ છે તે દર્શાય છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૨-૧૬)

રાજકોટ તા.૩૦: શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ગેરકાયદે બાંધકામો અને સરકારી જમીનોમાં ગેરકાયદે દબાણો કરી અનૈતિક પ્રવૃતિઓ બેફામ રીતે ચાલતી હોવા છતાં તંત્રને જાણે આ દેખાતું ન હોઇ તેમ કોઇ પગલા નથી લેવાતા દરમિયાન આવા ગેરકાયદે દબાણો અને બાંધકામોથી ત્રાહિમામ પોકારી ઉઠેલા શહેરનાં જુદા જુદા વિસ્તારોનાં જાગૃત નાગરિકોએ મ્યુ.કમિશ્નર-કલેકટર તથા પોલીસ કમિશ્નરને ફોટોગ્રાફસનાં પુરાવાઓ સાથે રજૂઆત કરી અને આવા ગેરકાયદે દબાણો અને બાંધકામો વિરૂદ્ધ કાયદાકિ પગલા લેવા રજૂઆત કરતાં ખળભળાટ મચી ગયો છે.

કાલાવડ રોડ, એવરેસ્ટ પાર્ક પાસે દબાણો

મ્યુ.કમિશનરને તથા કલેકટરને થયેલ રજૂઆતમાં જણાવાયું છે કે, રાજકોટ શહેરનાં કાલાવડ રોડ પર વોર્ડ નં. ૧૦માં આવેલ એવરેસ્ટ પાર્કની બાજુમાં આવેલ સરકારી જમીન કે ે મોટા મોૈવા સ્મશાન પહેલા આવેલ નાળાની બાજુમાં છે. ત્યાં શનિવારી બજાર ભરાય છે. આ જમીન પર ઘણી ગેરકાનુની પ્રવૃતિઓ ધમધમી રહી છે. આ જમીન પર ગેરકાયદે ઝુંપડા-મકાન બાંધી ખુબજ વધારે દબાણ કરેલ છે. તેમજ આ જમીન પર છેક ઊંડે સુધી દેશ-વિદેશી દારૂઓની ભઠ્ઠી-બાર ધમધમી રહયા છે. જેની તીવ્ર દુર્ગંધથી  લતાવાસીઓ ત્રાહીમામ પોકારી ઉઠયા છે.

આમ આ સરકારી જમીનનો ગેરઉપયોગ બંધ કરાવી તે જમીન પર લખેલા સાઇન બોર્ડનો કડક અમલ થાય અને તમામ ગેરકાનુની પ્રવૃતિઓ બંધ થાય તેવી ઉગ્ર માંગ લતાવાસીઓએ ઉઠાવી છે.

આ રજૂઆતમાં પ્રિયેશભાઇ સત્યદેવ, યોગેશભાઇ પટેલ, રસિકભાઇ વિરાણી વગેરે જોડાયા હતાં.

કોઠારીયા રોડ બાલાજી પાર્કમાં ગેરકાયદે બાંધકામ

આ ઉપરાંત કોઠારીયા રોડ ઉપર બાલાજીપાર્કમાં રહેણાંક એપાર્ટમેન્ટમાં માર્જીનની જગ્યામાં ગેરકાયદે બાંધકામ થઇ રહયુ હોવાની રજૂઆત મ્યુ.કમિશ્નરને કરાઇ છે.

કોઠારીયા રોડ બાલાજી પાર્ક પાસે રહેતાં લતાવાસીઓએ મ્યુ.કોર્પોરેશનને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે અહીંના ૧ બી.એચ.કે. રહેણાંક એપાર્ટમેન્ટનાં બિલ્ડરે પ્લોટ મંજુર કરાવ્યા બાદ માર્જીનની જગ્યામાં ગેરકાયદે બાંધકામ થઇ રહયું છે જે નબળું હોવાનાં કારણે ગમે ત્યારે અકસ્માત સર્જાવાની ભીતી છે. ત્યારે આ બાબતે તપાસ કરાવી જરૂરી પગલા લેવા લતાવાસીઓએ રજૂઆત કરી છે.

(4:14 pm IST)