Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

બેભાન હાલતમાં ત્રણ વ્યકિતના મોત

બજરંગવાડીના નિવૃત આઇટીઆઇ કર્મચારી, આશાપુરાનગરના યુવાન અને ન્યુ શકિત સોસાયટીના યુવાને સિવિલમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૩૦: બેભાન હાલતમાં બજરંગવાડીમાં રહેતાં આઇટીઆઇના નિવૃત કર્મચારી અને આશાપુરાનગરના એક યુવાન તથા ન્યુ શકિત સોસાયટીના એક યુવાનનું મોત નિપજ્યું છે.

બજરંગવાડી શેરી નં. ૧૧માં રહેતાં હર્ષદરાય બાલકૃષ્ણભાઇ જોષી (ઉ.૭૮) સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના એએસઆઇ થોભણભાઇ ટીલારા અને દિપસિંહ ચોૈહાણે જાણ કરતાં ગાંધીગ્રામના એએસઆઇ રવજીભાઇ પટેલે જરૂરી કાર્યવાહી કરી હતી. હર્ષદરાય અગાઉ આઇટીઆઇમાં ફરજ બજાવતાં હતાં. બનાવથી સ્વજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી.

બીજા બનાવમાં કોઠારીયા રોડ હુડકો ચોકડી પાછળ આશાપુરાનગર-૧૭માં રહેતાં સિતારામભાઇ અરૂણભાઇ પુરવા (ઉ.૨૩) નામનો યુવાન સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. મૃત્યુ પામનાર યુવાન છુટક મજૂરી કરતો હતો. હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડા અને ધર્મેશભાઇ ડાંગરે જાણ કરતાં ભકિતનગરના પીએસઆઇ બી. બી. કોડીયાતર અને નિલેષભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક મુળ ઓરિસ્સાનો વતની હતો. ચારેક દિવસ પહેલા તાવ આવ્યો હોઇ ત્યારથી બિમાર હતો.

ત્રીજા બનાવમાં સામા ન્યુ શકિત સોસાયટી દુધ સાગર રોડ પર રહેતાં દિલીપભાઇ દેવજીભાઇ ચોૈહાણ (ઉ.૩૫) નામના કોળી યુવાનને ઘરે રાત્રે અચાનક બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. મૃત્યુ પામનાર યુવાન બે ભાઇ અને એક બહેનમાં મોટો હતો અને બંગડીનું કામ કરતો હતો. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. થોરાળના પીએસઆઇ કે. કે. પરમારે જરૂરી કાર્યવાહી કરી હતી. 

(4:11 pm IST)