Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

રાજસ્થાનથી સગીરાને ભગાડી લાવેલો હિતેષ રાજકોટમાં થોરાળા પોલીસના હાથે ઝડપાયો

એએસઆઇ બી. જે. જાડેજા અને ટીમે શોધી કાઢ્યોઃ રાજસ્થાન પોલીસે કામગીરીના કર્યા ભરપુર વખાણઃ હિતેષ સગીરાની સોનાની માળાના પારા વેંચી ગુજરાન ચલાવતો'તો! : ઝડપાયેલો હિતેષ, તેની પાસેથી કબ્જે થયેલી માળા અને એેસઆઇ બી. જે. જાડેજા, ભરતસિંહ તથા વિજયભાઇ

રાજકોટ તા. ૩૦: રાજસ્થાનના સુમેદપુર પોલીસ મથક હેઠળના ગામમાંથી પાલી કુમ્હારોકા વાસ, આકદડાનો વતની હિતેષ નૈનારામજી કુમાર ત્યાંની એક સગીરાને ભગાડી લાવતાં ત્યાંના પોલીસ મથકમાં અપહરણનો ગુનો નોંધાયો હતો. આ શખ્સ રાજકોટ થોરાળા વિસ્તારમાં રહેતો હોવાની જાણ થતાં થોરાળાના એએસઆઇ બલભદ્રસિંહ જે. જાડેજા, કોન્સ. ભરતસિંહ પરમાર અને વિજયભાઇ મેતાએ તપાસ કરતાં ચોક્કસ બાતમી મળી હતી કે હિતેષ કોઠારીયા સોલવન્ટ દોલતપરા-૩માં ફાટક પાસે રહે છે. ત્યાં જઇ તપાસ કરતાં તે સગીરા સાથે મળી આવતાં રાજસ્થાન પોલીસને બોલાવી આ શખ્સને તેને સુપરત કર્યો હતો.

તપાસમાં ખુલ્યું હતું કે હિતેષ રાજકોટમાં રહી છુટક મજૂરી કરતો હતો. થોડા સમય પહેલા વતન જઇ ત્યાંથી સગીરાને ભગાડી લાવ્યો હતો. અહિ હાલમાં તે કામધંધો ન મળતો હોઇ સગીરા જે સોનાના પારાવાળી માળા પહેરીને આવી હતી તે તોડી તેમાંથી પારા વેંચીને ગુજરાન ચલાવતો હતો. વધેલા પારા, કાનના બુટીયા પણ કબ્જે લઇ રાજસ્થાન પોલીસને સોંપાયા છે.

ડીસીપી રવિકુમાર સૈની, એસીપી પ્રદિપસિંહ જાડેજા, ઇન્ચાર્જ વી. કે. ગઢવીની રાહબરી હેઠળ એએસઆઇ બી. જે. જાડેજા, હેડકોન્સ. મુકેશભાઇ ચરમટા, કોન્સ. ભરતસિંહ પરમાર, વિજયભાઇ મેતા, રોહિતભાઇ કછોટ અને આશિષભાઇ દવેએ આ કામગીરી કરી હતી. રાજસ્થાનથી હિતેષનો કબ્જો લેવા આવેલા તપાસનીશ અમલદારે થોરાળા પોલીસની ટીમની કામગીરીની ભરપુર પ્રશંસા કરી કહ્યું હતી કે પોતાની ફરજ દરમિયાન કદી આવી કામગીરી જોઇ નથી.

(4:10 pm IST)