Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

મુંબઇથી કટલેરીના સામાનના નામે દારૂ-બીયરનો જથ્થો મંગાવાયોઃ બી-ડિવીઝન પોલીસે જપ્ત કર્યો

પોલીસની ભીંસ વધતા બૂટલેગરોએ નવો નુસ્ખો અજમાવ્યો પણ... : પાર્સલ ઉપર જેના નામ છે તે જામનગરના ધર્મેશ, ભાવનગરના ઉમરજ, ધવલ અને રાજકોટના સુનિલના નામઃ ૭૯ હજારનો દારૂ-બીયર કબ્જેઃ પરમ દિવસે પકડેલો દારૂ પણ આ રીતે આવ્યો'તો

રાજકોટ તા. ૩૦: દારૂના બૂટલગેરો પર પોલીસની સતત ભીંસ હોઇ શહેરમાં નાના-મોટા બૂટલેગરો અને રોજ પીવાની ટેવ ધરાવતાં પ્યાસીઓમાં દેકારો મચી ગયો છે. 'માલ'ની સતત અછત વચ્ચે પોલીસ સતત દરોડા પાડી દારૂ-બીયરનો જથ્થો પકડી રહી છે. ત્યારે હવે બુટલેગરો નવો કિમીયો અજમાવી મુંબઇ-મહારાષ્ટ્રથી ટ્રાન્સપોર્ટ મારફત ખોટા નામે પાર્સલથી દારૂ-બીયર મંગાવી રહ્યા છે. પણ આકરી પોલીસ સામે આ કિમીયો પણ ફેઇલ થઇ રહ્યો છે. બી-ડિવીઝન પોલીસે ચોક્કસ બાતમી પરથી નવાગામના એચ.એચ. રોડવેઝ નામના ટ્રાન્સપોર્ટમાં મુંબઇથી આવેલા રૂ. ૭૯,૫૦૦ના દારૂ-બીયર ભરેલા ૯ પાર્સલો કબ્જે કર્યા છે. આ પાર્સલ અંદર કટલેરીનો સમાન હોવાની બિલ્ટીમાં નોંધી હતી!

બી-ડિવીઝનના પી.આઇ. આર. એસ. ઠાકરની રાહબરીમાં પેટ્રોલીંગ દરમિયાન ડી. સ્ટાફના પીએસઆઇ એમ. એફ. ડામોર, હેડકોન્સ. વિરમભાઇ ધગલ,સલિમભાઇ માડમ, મનોજભાઇ મકવાણા, એભલભાઇ બરાલીયા,  કોન્સ. મહેશભાઇ ચાવડા, કોન્સ. કિરણભાઇ પરમાર, કેતનભાઇ નિકોલા, હરપાલસિંહ વાઘેલા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ચોક્કસ માહિતી મળી હતી કે નવાગામના એચ.એચ. રોડવેઝ ટ્રાન્સપોર્ટમાં મુંબઇથી કટલેરીના નામે જે ૯ પાર્સલ આવ્યા તેમાં કટલેરી નહિ પણ દારૂ-બીયરનો જથ્થો છે. આ માહિતી પરથી પાર્સલોની ચકાસણી કરતાં અંદરથી દારૂની અલગ-અલગ કંપનીની ૧૦૩ બોટલો તથા ૯૬ ચપલા અને ૧૬૪ બીયરના ટીન મળી રૂ. ૭૯,૫૦૦નો મુદ્દામાલ મળતાં કબ્જે કર્યો છે.

આ દારૂ મુંબઇથી પાર્સલ મારફત જયગુરૂ એન્ટરપ્રાઇઝ અને સોનુ ટ્રેડર્સના નામથી જામનગરના ધર્મેશભાઇ, ભાવનગરના ઉમરજભાઇ, ધવલભાઇ અને રાજકોટના સુનિલભાઇના નામે મોકલાયો હોઇ આ શખ્સોના નામથી ગુનો દાખલ કરી તપાસ કરવામાં આવી રહી છે. બુટલેગરે આ નામો પણ ખોટા લખાવ્યાની શકયતા છે. પરમ દિવસે બી-ડિવીઝન પોલીસે ૫૯ હજારનો દારૂ જપ્ત કર્યો એ પણ નવાગામના ટ્રાન્સપોર્ટમાં કાપડના પાર્સલના નામે આવ્યો હતો. આ દારૂ પણ કટલેરીના સામાનના નામે આવ્યો છે. બંને દારૂ એક જ બુટલેગરે મંગાવ્યા કે કેમ? તેની પણ તપાસ થઇ રહી છે.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા તથા તમામ એસીપીની રાહબરીમાં બૂટલેગરો પર સતત ધોંસ બોલી રહી છે.

(4:09 pm IST)