Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

રાજકોટ લોહાણા સમાજ માટે લોહાણા

મહાજન - મહાજનની ચૂંટણી એક પ્રશંસનીય સન્માનનિય પુરૂષાર્થ આદરણિય સ્નેહીશ્રી પ્રવિણભાઇ કોટક

જય જલારામ...

પત્ર લખવાના પ્રારંભે જ નમ્ર સ્પષ્ટતા કરી લઉં કે આપશ્રીને લખાયેલો આ પત્ર કોઇપણ વ્યકિત, જુથ, ગ્રુપ સમુહની પ્રશસ્તિ માટે નથી તેમ છતાં પણ 'મેનેજમેન્ટ સાયન્સ' એક 'કેસ સ્ટડી'થી પણ વિશેષ અભ્યાસ, સંશોધન ધરાવે તેવો પ્રસંગ, સમુહ સંચાલનના ક્ષેત્રમાં પ્રશ્ન ઉકેલનું સ્થાન જરૂર ધરાવે છે. વાત કદાચ સામાન્ય લાગે તેવી છતાં ઘણી જ ગંભીરતા કાળજી કુનેહથી પ્રશ્નો માટે 'હૈયા-ઉકલત'ની શ્રેષ્ઠતમ વિચારધારા છે માટે પત્ર લખવાનો, જાણ કરવાનો ઉમળકો થયો છે. કોઠાસુઝ, સંબંધો, બે આંખના માનપાન સન્માનથી કેવું શ્રેષ્ઠ કામ થાય છે. જ્ઞાતિજનો, સમાજના ધ્યાન પર મુકવું જરૂરી લાગતા જ પત્ર લખ્યો છે.

કોઇપણ કારણોસર ચેરીટી કમિશ્નર કોર્ટ કચેરીના આંગણે મહાજન ચૂંટણીની વાત પહોંચી કોર્ટ કચેરીએ નિર્ણય લઇ સુચના આપી કે સંસ્થાના બંધારણની મર્યાદા જાળવી પૂર્ણ લોકશાહી ઢબે ચૂંટણી કરવી અને પરિણામોની કોર્ટ કચેરીને જાણ કરવી. ચૂંટણી ન કરીએ તો કોર્ટ કચેરીનો પ્રશ્ન રહે. ચૂંટણી કરીએ તો ચૂંટણીની સ્પર્ધા અને અન્ય ગેરવ્યાજબી અસરો પડે, પ્રત્યાઘાતો પડે, અંદરો અંદર મનદુઃખ વધે એવું લાગ્યું.

અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા અધિકૃત આરબીટ્રેટર લવાદ, વ્યવસ્થાના ભાગરૂપે નિમિત બન્યા. સ્વ. જયંતિભાઇ કુંડલીયા સ્થાપિત આર.સી.સી. બેંકના સીઇઓ ડો. પુરૂષોત્તમ પીપળીયા મુખ્ય ચુંટણી અધિકારી બન્યા. સુશ્રી વિણાબેન પાંધી, શ્રી હિરાભાઇ માણેક, શ્રી નવિનભાઇ ઠક્કર, શ્રી રામભાઇ બરછા, શ્રી એ.ડી.રૂપારેલ, શ્રી અનિલભાઇ વણજારા આ તમામ અગ્રણીઓની ચૂંટણી સમિતિ બની.

જ્ઞાતિ ઉત્કર્ષમાં ખરેખર, પવિત્ર પ્રામાણિક રસ ધરાવતા, જ્ઞાતિજન મિત્રોને સભ્યપદ માટે, કારોબારી માટે, સમિતિ માટે મહાજનશ્રીના સંચાલન વહિવટ માટેના વિવિધ સ્થાન હોદ્દા માટે સૌને નિમંત્રણ પાઠવવામાં આવ્યું. સૌ વ્યકિતગત, મિત્રોવાઇઝ, નાની સંસ્થાવાઇઝ, મળ્યા, વાતચીતો થઇ, કોર્ટ કચેરીના નિયમ-પાલન બધુ જ થયું, કર્યું અને બહુમતિએ નહિ, પણ સંપૂર્ણ સર્વાનુમતીએ હોદ્દેદારો, કારોબારી - મંદિર સમિતિ અન્ય વ્યવસ્થાઓ ફાઇનલ થઇ. સમિતિ સામાન્ય સભામાં સર્વાનુમતે મંજૂર થયું અને સૌ હસતા - રમતા શુભ મંગલ - પવિત્ર વાતાવરણમાં છુટા પડયા.

એક નવી જ ફોર્મ્યુલા પ્રાપ્ત થઇ. સૌ રાજી થયા. ઘી ને તો ઘીના જ ઠામમાં સ્થાન હોઇ શકે, અન્ય ઠામમાં ઘી પડે તો તેમાં ઘીની પણ પ્રતિષ્ઠા ન રહે, ઠામની પ્રતિષ્ઠા પણ ન રહે અને આવું ન જ બને તેવી કાળજીથી ઘી નો જોખ તોલ કરનારા વડિલો, સક્રિય સજ્જનોની પ્રતિક્ષા બે વેંત ઉંચી થઇને રહી. સાથે ઘી ની પ્રતિષ્ઠા અને ઘીના ઠામની પણ પ્રતિષ્ઠા જળવાઇ રહી.

કમખાવ - ગમખાવ. અમે નહિ આપણે, અમે નહિ તમે. આ ત્યાગ, પરિત્યાગની સૌને પ્રત્યક્ષ આનંદ અનુભૂતિ થઇ.

સંચાલન પ્રવૃત્તિઓ, મહિલા પ્રવૃત્તિઓ ધરાવતા ભાઇઓ-બહેનોની શકિતના ઉપયોગની ભાવના સાથે વધુમાં વધુ નવા સક્રિય સહકાર આપી શકે, સમય - સાધન - શકિત આપી શકે તેવા ઉપરાંત સાધન સંપન્ન ખમતીધર મિત્રોનો સાથ સહકાર મળતો રહે તેવી ઠાવકાઇ ભરેલી વ્યવસ્થા ઉભી થઇને રહી.

સૌથી મજાની આનંદ ગર્વની વાત તો એ રહી કે, શ્રી કિરીટભાઇ ગણાત્રાએ પોતે જહેમત ઉપાડી. આ 'સર્વાનુમતિ' નિર્વિધ્ને પાર પાડયું હોવા છતાં તેઓની એક સમજણ દ્વારા સક્રિય, સમજાવટ, પ્રક્રિયા - પ્રોસેસ - પ્રોસીજરમાં નિમિત બનેલ કોઇએ પણ કયાંય કોઇ હોદ્દો, સ્વીકાર્યો નહિ. આ બાબત જલારામ બાપાની કૃપાથી સદ્ગુરૂશ્રી રણછોડદાસજી મહારાજશ્રીની કૃપાથી હેમ-ખેમ સર્વમાન્ય રહી સર્વસ્વીકૃત રહીએ વિશિષ્ઠ ગૌરવ અપાવે છે.

વિશ્વના તમામ શહેર કરતા લોહાણા સમાજની વધુ વસ્તી આશરે બે લાખ જેવા જ્ઞાતિજનો રાજકોટમાં છે ત્યારે ફરી એકવાર કહું કે, પક્ષિય રાજકારણ, પાવર પોલિટીકસથી (બંને અલગ છે) આ પવિત્ર કાર્યને દુર રાખીને, થોડી ઘણી માનસિક યાતના થાકમાંથી પસાર થઇને, આવડુ પવિત્ર ભગીરથ કાર્ય 'ટાઢે કોઠે' પુરૂ પાડવામાં જે જે આદરણિય જ્ઞાતિજનો નિમિત બન્યા છે તે ધન્યવાદના અધિકારી છે અને રઘુકુળ વિશ્વમાં, આપણા અન્ય સામાયિકોમાં પુરતુ પર્યાપ્ત સ્થાન આપી આ સંકલન, સંપ, સહકારની જાણ કરવી, આપવી, આપણી, આપની, સૌની નૈતિક ફરજ છે. આપશ્રીને લખેલા આ પત્રની નકલ અકિલા, રઘુકુળ વિશ્વ, લોહાણા હિતેચ્છુ એવા ખાસ મર્યાદિત પ્રકાશનોને મોકલી છે. આ.શ્રી યોગેશભાઇ લાખાણીને પણ મોકલી છે જે આપશ્રીની જાણ માટે જણાવું છું માટે ઘટિત કરી જરૂરી હોય ત્યાં લેવા, સમાવવા, ધ્યાન પર મુકવા નમ્ર પ્રાર્થના કરૃં છું.

રતુભાઇ શીંગાળા

(એમ.કોમ., પીએચ.ડી.) પૂર્વ પ્રિન્સી : માલવીયા કોલેજ

રાજકોટ : ફોન : ૦૨૮૧ - ૨૪૭૯૭૦૦

(3:44 pm IST)