Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

મગફળી ખરીદી કામગીરીમાં ગેરહાજર રહેનાર બે ઇજનેર સામે ધરપકડ વોરંટઃ પોલીસે પકડી હાજર કરી દિધા

રાજકોટમાં મુકાયેલા નવા ગ્રામ્ય પ્રાંત ઓમપ્રકાશનો સપાટોઃ બે RTO ઇન્સ્પેકટર પણ હડફેટે : RTO ઇન્સ્પેકટરો સહિત ચારેય કામગીરીમાં ધડાધડ હાજરઃ વધુ ૮ ને નોટીસ ફટકારવા કાર્યવાહીઃ એક તો લેડી ઇજનેર છે

રાજકોટ તા. ૩૦ : ખરીફ માર્કેટીંગ સીઝન-ર૦૧૮-૧૯ અન્વયે એમ.એસ.પી. મુજબ મગફળીની પ્રક્રિયા લોધીકા તથા પડધરી તાલુકા માટે જુનુ માર્કેટીંગ યાર્ડ, આર.ટી.ઓ. પાસે, રાજકોટ ખાતે કાર્યરત છે. કામગીરીમાં ગેરહાજરી સંબંધે મદદનીશ કલેકટરશ્રી રાજકોટ ગ્રામ્ય દ્વારા (૧) કુ.જીનલ પટેલ, (અધિક મદદનીશ ઇજનેર, તાલુકા પંચાયત કચેરી, લોધીકા), (ર) લખધીરસિંહ પરમાર, (અધિક મદદનીશ ઇજનેર, તાલુકા પંચાયત કચેરી, કોટડા સાંગાણી), (૩) આર.આર.પટેલ, (સહાયક મોટર વાહન નિરિક્ષક, આર.ટી.ઓ. રાજકોટ) (૪) સંદીપ એન.નાડીયા, સહાયક (મોટર વાહન નિરિક્ષક, આર.ટી.ઓ.) રાજકોટને કારણદર્શક નોટીસ ફટકારતા ભારે ચર્ચા ઉપડી છે.

આર.ટી.ઓ. કચેરીના ર (બે) ઉપરોકત સહાયક મોટર વાહન નિરિક્ષકોએ કારણદર્શક નોટીસ મળતા મગફળી ખરીદીની કામગીરીની ગંભીરતા ધ્યાને લઇ પોતાની ફરજ સંભાળી લીધેલ છે.

જયારે કોટડાસાંગાણી તાલુકા તથા લોધીકા તાલુકાના અધિક મદદનીશ ઇજનેરશ્રીઓ દ્વારા મગફળી ખરીદીની અગત્યની અને સમય મર્યાદાવાળી કામગીરીને ગંભીરાથી ન લેતા અને સોંપાયેલ ફરજમાં હાજર ન થતા ડો.એમ.પ્રકાર (આઇએએસ), (મદદનીશ કલેકટરશ્રી) રાજકોટ ગ્રામ્ય દ્વારા ફોજદારી કાર્યરીતી સંહિતા તળે ધરપકડ વોરન્ટ ઇસ્યુ કરી પોલીસ ખાતા મારફત બંને કર્મચારીઓની અટટક કરી હાજર કરવામાં આવેલ  છે.

આ પછી ઉકત બંને કર્મચારીઓએ મગફળી ખરીદી પ્રક્રિયાની સોપેલ ફરજો સંભાળી લીધેલ હતી. પ્રાંતના આ પગલાથી સન્નાટો પ્રસરી ગયો હતો.

વધુમાં, આ કામગીરીમાં અન્ય કર્મચારીઓની ગેરહાજરી સંબંધે પણ શિસ્તભંગના પગલા લેવા કારણદર્શક નોટીસો ઇશ્યુ કરવાની કાર્યવાહી ચાલુ હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.

(3:33 pm IST)