Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

માર્કેટીંગ યાર્ડ પાસે ભરવાડ યુવાનના ચકચારી મર્ડર કેસમાં આરોપીના જામીન નામંજુર

આરોપી પુખ્ત હોવા છતા કોર્ટમાં સગીર બતાવતા (કોર્ટને ગુમરાહ કરી) આરોપીના માતા-પિતા ઉપર પણ ફરીયાદ દાખલ કરવાનો હુકમ કરતી રાજકોટ સેશન્સ કોર્ટ

રાજકોટઃ આ કામની વિગત એવી છે કે રાજકોટમાં તા.૦૮/૦૮/૨૦૨૦ ના રોજ જૂના માર્કેટિંગ યાર્ડ પાસે ગાંઠિયાના પૈસા દેવા બાબતે ગાંઠિયાવાળા સાથે ઝઘડો કરી રહેલા રવિ કાઠી સહિતના સખ્શોને ભરવાડ યુવાન દિનેશભાઇ હિરાભાઈ ફાંગલિયા સમજાવવા જતા ભરવાડ યુવાન ઉપર રવિ કાઠી સહિતના સખ્શોએ પ્રાણઘાતક હથિયારોથી હુમલો કરતાં હત્યા કરી નાખેલ. જે બાબતની મરણ જનારના ભાઈ રામદેવભાઇ હિરાભાઈ ફાંગલિયાએ રવિ કાઠી સહિતના સખ્શો ઉપર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલ હતી. જે ગુન્હામાં રવિભાઈ ખાચર (કાઠી), રાહુલભાઈ હુંબલ, અજયભાઈ માનસૂરીયા, સંજયભાઈ ગોહિલની એમ ચાર આરોપીની ધરપકડ પોલીસે કરેલ હતી, જયારે અન્ય આરોપી રાજદીપ રવુભાઈ ધાંધલ ધરપકડથી બચવા નાશતો ફરતો હોય જેથી આરોપીના પિતા રવુભાઈ બહાદુરભાઈ ધાંધલનાઓ પોતાના પુત્ર સગીર હોય તેવું દર્શાવીને રાજકોટની નામદાર સેશન્સ કોર્ટમાં વાલી દરજ્જે આગોતરા જામીન અરજી કરેલ હતી.

 કોર્ટમાં  આગોતરા જામીન અરજીમાં આરોપીના પિતા રવૂભાઈ બહાદુરભાઈ ધાંધલનાઓએ પોતાનો પુત્ર રાજદીપ રવુભાઈ ધાંધલ બનાવ સમયે સગીર હોય અને સગીરના વાલી દરજ્જે આગોતરા જામીન અરજી કરેલ જેના આધાર પુરાવા તરીકે તેના પુત્રનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ રજૂ કરેલ હતું. અને આગોતરા જામીન આપવાની રજૂઆત કરેલ હતી, સરકાર પક્ષે સરકારી વકીલશ્રી તરુણભાઈ એસ માથુર હાજર થયેલ અને મૂળ ફરિયાદી (રામદેવભાઇ હિરાભાઈ ફાંગલિયા) વતી તેમના જાણીતા એડ્વોકેટ કલ્પેશ એલ. સાકરીયા હાજર થયેલ અને મૂળ ફરિયાદી વતી જવાબ વાંધાઓ ફાઇલ કરેલ અને આગોતરા જામીન આપવા સામે સખત વાંધાઓ લીધેલ હતા, સરકાર પક્ષે નામદાર કોર્ટને જણાવેલ કે, આરોપી સગીર હોવાનો આધાર આ કામના તપાસ કરનાર અધિકારીને આપેલ નથી જેથી આરોપી સગીર હોય તેવું નક્કી થઈ શકે નહીં જેવી રજૂઆત કરતાં નામદાર કોર્ટે આરોપી સગીર હોવાના પુરાવા બાબતે તપાસ કરનાર અધિકારીને તપાસ કરવાનો હુકમ કરતાં પોલીસે આરોપીના જન્મ તારીખનાં દાખલા તથા બીજા પૂરાવાની તપાસ કરતાં આરોપી બનાવ સમયે સગીર નહીં પરંતુ પુખ્ત હોવાનું પોલીસ તપાસમાં ખૂલતાં તે અંગેનો વિગતવારનો રિપોર્ટ બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પી.આઈ.એ નામદાર કોર્ટમાં સબમીટ કરેલ હતો.

 જેના અનુસંધાને રાજકોટની સેશન્સ કોર્ટના સેશન્સ જજ શ્રીએ આરોપીના પિતા રવુભાઈ બહાદુરભાઈ ધાંધલએ કોર્ટને ગુમરાહ કરેલ હોય તેવું માનેલ અને પોતાનો પુત્ર બનાવ સમયે પુખ્ત હોવાનું પોતે જાણવા છતાં કોર્ટમાં સાચી માહિતી(વિગત) આપવાને બદલે ખોટી માહિતી(વિગત) આપીને કોર્ટને ગુમરાહ કરીને, ખોટી માહિતી(વિગત)ને સાચી માહિતી(વિગત) બતાવીને નામદાર કોર્ટમાંથી પોતાના પુત્રને પુખ્ત હોવાના બદલે સગીર/જુવેનાઇલ બતાવીને કોર્ટમાંથી આગોતરા જામીન અરજી કરીને કોર્ટ પ્રોસેસનો દુરુપયોગ કરવાનો પ્રયત્ન કરેલ છે તેવું સાબિત માનીને આરોપી રાજદીપ રવુભાઈ ધાંધલ તથા તેના પિતા રવુભાઈ   બહાદુરભાઈ ધાંધલ અને તેના માતાં સનરાબેન રવુભાઈ ધાંધલ તથા તેની સાથે મદદગારીમાં તપાસમાં ખૂલે તે વ્યકિત વિરુદ્ઘ ફોજદારી ફરિયાદ પ્રધ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવાનો હુકમ કરેલ છે અને અરજદાર તરફે આગોતરા જામીન અરજી વિથ ડ્રો પુરસીસ(પરત ખેચવા)ની અરજી કરતાં, આગોતરા જામીન અરજી તથા વિથ ડ્રો પુરસીસ નામંજૂર કરવાનો ફુકમ કરેલ હતો.

આ કામે મૂળ ફરિયાદી તરફે રાજકોટના યુવા એડવોકેટ કલ્પેશ એલ. સાકરીયા, સતીષ પી.મુંગરા, અશોક. એચ.શાસકિયા, પરેશ કુકાવા, લલિત કે. તોલાણી, કશ્યપ ભટ્ટ તથા સરકાર પક્ષે સરકારી વકીલ   તરુણભાઈ એસ, માથુર રોકાયેલ હતા.

(3:51 pm IST)
  • દેશમાં કોરોનાના એક્ટીવ કેસનો આંકડો 6 લાખની અંદર સરક્યો : નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 48,692 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 80, 87,976 થયો :એક્ટીવ કેસ ઘટીને 5,93,698 થયા:વધુ 57,709 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 73, 71,748 રિકવર થયા :વધુ 561 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,21,130 થયો access_time 1:05 am IST

  • આતંકવાદ સામેની લડાઈમાં ભારત ફ્રાન્સની સાથે છે : ફ્રાન્સના ચર્ચ ઉપર થયેલા આતંકી હુમલા બાબતે વડાપ્રધાન શ્રી મોદીનો સ્પષ્ટ અભિપ્રાય : ચાકુથી કરાયેલા હુમલાથી માર્યા ગયેલા 3 લોકો પૈકી એક મહિલાનું માથું ધડથી અલગ કરી દેવાયું હતું : ફ્રાન્સમાં છેલ્લા 2 મહિનામાં સતત ત્રીજા હુમલાથી સમગ્ર વિશ્વમાં પ્રકોપ access_time 8:53 pm IST

  • દેશમાં કોરોના કેસનો આંકડો 81 લાખને પાર પહોંચ્યો : જોકે નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 48,117 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 81,36,166 થયો :એક્ટીવ કેસ ઘટીને 5,82,160 થયા:વધુ 59,005 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 74,30,911 રિકવર થયા :વધુ 550 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,21,681 થયો access_time 1:04 am IST