Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

હિરામન નગરમાં ત્રણ-ત્રણ દિવસ ગાપચી મારી જાય છે કચરા ગાડીઃ ઘર-ઘર સ્વચ્છતાને બદલે કચરાના ઢગલા

ટીપર વાન ન આવતાં ભીનો-સુકો કચરો ધરાર ઘરમાં ભેગો કરવો પડે છેઃ કોરોના કાળમાં રોગચાળાનો ભય : આગેવાન મહિપતસિંહ વાળા અને ૫૧ રહેવાસીઓની મ્યુનિસિપલ કમિશનરને લેખિત ફરિયાદ

રાજકોટ તા. ૩૦: શહેરના રૈયા રોડ પર હનુમાન મઢી પાછળ આવેલા હિરામન નગરમાં છેલ્લા ઘણા દિવસોથી મ્યુ. કોર્પોરેશન દ્વારા આવતી કચરા ગાડી (ટીપરવાન) અનિયમિત થઇ ગઇ છે. અઠવાડીયામાં ત્રણ ચાર દિવસ સુધી ઘરે ઘરે કચરો લેવા ગાડી આવતી ન હોઇ લોકોને ગંદકીનો સંગ્રહ કરી રાખવા મજબૂર થવું પડે છે. આસપાસમાં બીજે કયાંય કચરો ફેંકી શકાય તેમ ન હોવાથી ઘરમાં જ કચરા પેટીમાં સુકા ભીના કચરાનો સંગ્રહ કરી રાખવો પડે છે. આ કારણે ગંદકી ફેલાતી રહે છે. સોૈથી મોટી સમશ્યા એ છે કે કચરા ગાડી કયારે આવશે તેનો કોઇ સમય નક્કી નથી. આ કારણે મહિલાઓને ફરજીયાત ઘરમાં જ બેસી રહેવું પડે છે.

હિરામનનગરમાં રહેતાં જાગૃત નાગરિક આગેવાન શ્રી મહિપતસિંહ કલ્યાણસિંહ વાળા તથા લત્તાવાસીઓએ આ મામલે મ્યુનિસિપલ કમિશનરશ્રીને લેખિત ફરિયાદ મોકલી તાકીદે ઘટતું કરવા અને કચરા ગાડી (ટીપરવાન) દરરોજ નિયમીત નક્કી કરેલા સમયે ઘરે ઘરે કચરો લેવા આવે તેવી વ્યવસ્થા કરાવવા માંગણી કરી છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું છે કે કચરા ગાડીના ડ્રાઇવર-હેલ્પર ગમે ત્યારે આવીને જતા રહે છે. તેને મોડા આવવાનું કારણ પુછીએ તો ગાડી ખરાબ થઇ ગઇ હતી...તેવો ટેપ કરેલો જવાબ આપી દે છે. અથવા તો શેરીમાં લગ્ન કે મરણનો માંડવો હતો એટલે નથી આવ્યા એવા જવાબ આપી દેવાય છે.

હિરામનનગર મેઇન રોડ પર આવવા માટે ત્રણ રસ્તા છે. સંડેરી ડેરી પાસેથી, રંગ ઉપવન સોસાયટીના ગેઇટમાંથી તેમજ ભગવતી હોલ પાસેથી પણ આવી શકાય છે. આખો દિવસ અને રાત અનેક વાહનો અહિથી આવ જા કરતા રહે છે. આમ છતાં ખોટા બહાના બતાવી કચરા ગાડી લાવવામાં આવતી નથી. મ્યુ. કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ અને ટીપરવાન જેના કોન્ટ્રાકટમાં ચાલતી હોઇ એ કોન્ટ્રાકટર હિરામનનગરનો આ પ્રશ્ન સત્વરે ઉકેલે તેવી માંગણી કરવામાં આવી છે. કચરા ગાડી નિયમીત આવતી ન હોઇ ત્રણ-ત્રણ દિવસના કચરા ઘરમાં ભેગા કરવાથી ગંધાઇ ઉઠે છે અને મચ્છર ઉત્પન્ન થઇ રોગચાળો ફેલાય તેવો ભય રહે છે. કોર્પોરેટરશ્રીઓ પણ આ મામલે જાગૃત બને તે અત્યંત જરૂરી છે. 

હાલમાં વિશ્વ આખુ કોરોનાની લેપટમાં છે અને ખુદ વડાપ્રધાનશ્રી તથા મુખ્યમંત્રીશ્રી પણ સોૈને સતત સ્વચ્છતા રાખવા અનુરોધ કરતાં રહે છે. ત્યારે ટીપરવાનના કોન્ટ્રાકટર, ડ્રાઇવર, હેલ્પરને હિરામનનગરમાં સ્વચ્છતા રહે તે પસંદ નહિ હોય કે શું? તેવો સવાલ ઉભો થયો છે. સંબંધીત સત્તાધીશો સમશ્યાનું યુધ્ધના ધોરણે નિરાકરણ કરે તેવી રહેવાસીઓની માંગણી છે. લેખિત ફરિયાદમાં ૫૧થી વધુ ઘરના રહેવાસીઓની સહી કરવામાં આવી છે.

(3:22 pm IST)
  • આતંકવાદ સામેની લડાઈમાં ભારત ફ્રાન્સની સાથે છે : ફ્રાન્સના ચર્ચ ઉપર થયેલા આતંકી હુમલા બાબતે વડાપ્રધાન શ્રી મોદીનો સ્પષ્ટ અભિપ્રાય : ચાકુથી કરાયેલા હુમલાથી માર્યા ગયેલા 3 લોકો પૈકી એક મહિલાનું માથું ધડથી અલગ કરી દેવાયું હતું : ફ્રાન્સમાં છેલ્લા 2 મહિનામાં સતત ત્રીજા હુમલાથી સમગ્ર વિશ્વમાં પ્રકોપ access_time 8:53 pm IST

  • ' તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા ' ટોપ 5 ની રેસમાંથી બહાર :' સાથ નિભાના સાથિયા 2 ' ની ધમાકેદાર એન્ટ્રી : પ્રીમિયર એપિસોડથી જ ટોપ 5 માં સ્થાન મેળવી લીધું : ' છોટી સરદારની ' પણ ટોપ 5 માંથી બહાર : ' ગૂમ હૈ કિસીકે પ્યારમેં ' ની ટોપ 5 માં એન્ટ્રી : 17 થી 23 ઓક્ટોબર સુધીની છેલ્લી ટીઆરપી access_time 6:15 pm IST

  • દેશમાં કોરોના કેસનો આંકડો 81 લાખને પાર પહોંચ્યો : જોકે નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 48,117 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 81,36,166 થયો :એક્ટીવ કેસ ઘટીને 5,82,160 થયા:વધુ 59,005 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 74,30,911 રિકવર થયા :વધુ 550 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,21,681 થયો access_time 1:04 am IST