Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

કેશુભાઇ પટેલની વિદાયથી ભાજપે મોભી, ગુજરાતે અજાતશત્રુ વડીલ નેતા ગુમાવ્યા

સૌરાષ્ટ્ર-ગુજરાતના વિકાસ માટેની દ્રષ્ટિ કેશુભાઇએ અઢી દાયકા પહેલાં આપી હતી : જળ સંચય, રસ્તા, સુરક્ષા સહિતના લોક કલ્યાણ-વિકાસના નોંધપાત્ર કામો થકી કેશુભાઇ સદા યાદ રહેશેઃ સંખ્યાબંધ કાર્યકર્તાઓનું ઘડતર કર્યું, વરિષ્ઠ રાજપુરુષ જાહેર જીવનની પાઠશાળા હતાઃ રાજુભાઇ ધ્રુવ

રાજકોટઃ તા. ૩૦, ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી, ભાજપના વરિષ્ઠ નેતા અને ખરા અર્થમાં જેમને લોકનેતા કહેવાય એવા કેશુભાઇ પટેલની વિદાય માત્ર ભાજપ માટે નહીં પરંતુ સમગ્ર ગુજરાતના જાહેર જીવન માટે બહુ મોટી ખોટ છે એવું ભાજપના પ્રવકતા અને ત્રીસ વર્ષથી કેશુભાઇ પટેલ સાથે સંબંધ ધરાવતા રાજુભાઇ ધ્રુવે શોકમગ્ન થઇને જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ભાજપે તો મોવડી ગુમાવ્યા પરંતુ સમગ્ર ગુજરાતે એક વડીલ નેતા ગુમાવ્યાની લાગણી અનુભવી છે. રાજકારણમાં હોવા છતાં કેશુભાઇ અજાતશત્રુ હતા. અને તેમાં પણ સૌરાષ્ટ્ર માટે તો એમણે જે કર્યું એની ઇતિહાસ નોંધ લેશે.

કેશુભાઇના કાર્યકાળ દરમિયાન ભાજપમાં જવાબદારી નિભાવનાર, એમની સાથે સૌરાષ્ટ્રના અનેક સ્થળે પ્રવાસ કરનાર અને શ્રી કેશુભાઇ પટેલ ની પત્રકાર પરિષદો અને કાર્યક્રમો ના પણ તદ્દન નિકટના સાક્ષી એવા રાજુભાઇએ જણાવ્યું કે કેશુભાઇ પટેલ જાહેર જીવનની જીવંત પાઠશાળા હતા. એમના અવસાન બાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જે શ્રદ્ઘાંજલી પાઠવી એમાં કહ્યું કે અનેક લોકોનું દ્યડતર એમણે કર્યું હતું એ વાત તદ્દન સાચી છે. સંખ્યાબંધ કાર્યકર્તાને કેશુભાઇએ તૈયાર કર્યા હતા.

૧૯૭૭ માં કેશુભાઇ પટેલ સિંચાઇ મંત્રી હતા ત્યારે પણ એમણે નોંધપાત્ર કામ કર્યું. મોરબી મચ્છુ પુર હોનારત વેળાએ મોરબી ને બેઠું કરવા માં તેમને ખૂબ જહેમત ઉઠાવી હતી. ૯૫ માં જયારે પૂર્ણ બહુમત સાથે ભાજપની સરકાર બની અને તેઓ મુખ્યમંત્રી બન્યા ત્યાર પછી તો જળસંચય માટે એમણે સંખ્યાબંધ કામો સતત કર્યાં. રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર દર વર્ષે ૫૦૦થી ૬૦૦ લોકો અકસ્માતમાં જીવ ગુમાવતા હતા. પોતાનાના નિકટના સાથી શ્રી અરવિંદભાઈ મણિયારના આવા રોડ અકસ્માતમાં અકાળે મૃત્યુ થતું જોયું હતું. બીજીવાર શ્રી કેશુભાઇ પટેલ મુખ્યમંત્રી બન્યા અને તેમણે યુદ્ઘના ધોરણે આ રસ્તો ચારમાર્ગી બનાવ્યો જેથી અકસ્માતો એકદમ ઘટી ગયા. આવા તો તેઓ સંવેદનશીલતા હતા. કોઈ નું દુઃખના જોઈ શકતા.  રાજકોટને બોર યોજનામાંથી પાણી આપ્યું તો જળ સંચય અભિયાન અંતર્ગત ચેકડેમ, બોરીબંધની યોજના શરુ કરાવડાવી. ખેડુતો માટે ઇઝરાયલથી ડ્રીપ ઇરીગેશનની ટેકિનક લાવ્યા. ગુજરાતમાં ગ્રામ્ય વિકાસનું પાયાનું કામ તેમણે શરૂ કર્યું હતું. ભારતીય જનસંઘના પ્રદેશ પ્રમુખ તેઓ ૧૯૭૨ થી ૭૫ દરમિયાન રહ્યા હતા. તો ગુજરાત ભાજપના પ્રથમ પ્રમુખ પણ બન્યા હતા. અને ભાજપની સરકારના પહેલા મુખ્યમંત્રી પણ શ્રી કેશુભાઇ હતા. ૯૦ થી ૯૫ વચ્ચે વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે પણ જવાબદારી નિભાવી હતી. રાજય સભામાં ભાજપનું પ્રતિનિધિત્વ કર્યું અને રાજકોટમાંથી ધારાસભ્ય તરીકે પણ ચૂંટાયા.

રાજુભાઇએ ઉમેર્યું કે રાજકીય અને પ્રજાકીય બન્ને રીતે શ્રી કેશુભાઇ પટેલે જે કાર્ય કર્યું એ ભાજપનો પાયો ગુજરાતમાં મજબૂત બનાવવાનું કામ હતું. કુંવરબાઇનુ મામેરું યોજના પણ દેશભરમાં ઉદાહરણ રુપ બની રહી. સૌરાષ્ટ્રમાં રસ્તાના નિર્માણનું કામ કેશુભાઇના સમયમાં વધારે સારી રીતે શરુ થયું. લતિફ જેવા ડોનને કોઇ હાથ પણ લગાડી શકતું નહોતું કોંગ્રેસના સમયમાં તો એના પર તંત્રના ચાર હાથ હતા. શ્રી કેશુભાઇની સરકારે એ માફિયારાજ સમાપ્ત કર્યું. સૌરાષ્ટ્રની અનેક ગેંગને પણ એમણએ બેસાડી દીધી હતી.

સર્વગ્રાહી વિકાસની ભાજપની નીતિના તેઓ પ્રણેતા રહ્યા. રાજકોટમાં એમણે કિશોરાવસ્થા, યુવાવસ્થા વિતાવી. સંખ્યાબંધ કાર્યકર્તાઓ માટે તેઓ એક છત્ર રહ્યા. ભાજપ પ્રવકતા તરીકે તેઓશ્રી પાસે થી લોકસેવા અંગે ઘણું શીખવા મળ્યું. તેઓ રાજકોટ સૌરાષ્ટ્રના કાર્યકર્તાઓને નામથી ઓળખે અને આત્મીયતા સાથે સુખ-દુઃખના ખબર અંતર પૂછે. એટલે જ આજે જમીનથી જોડાયેલા સરળ સહજ વરિષ્ઠ લોકનેતા ના જવાથી ગુજરાત ની પ્રજા અને ભાજપ-સંઘ પરિવાર ઊંડા દુઃખની લાગણી અનુભવે છે તેમ વડીલ મુરબ્બી આદરણીય શ્રી કેશુભાઇ ને ભાવભીની શ્રદ્ઘાંજલિ પાઠવતા રાજુભાઇ ધ્રુવે જણાવ્યું છે.

(2:46 pm IST)