Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

લગ્ન કરવા માટે સોલાર ફેકટરીનો માલિક હોવાનું કહી પોલીસ કમિશનરનું ખોટુ સર્ટિફિકેટ બતાવ્યું: નિકુંજ રામાવત સામે ગુનો

લગ્નના થોડા મહિના બાદ પત્નિને ખબર પડી કે મેટોડામાં કોઇ ફેકટરી નથી અને પોલીસ કલીયરન્સનું સર્ટિ પણ બોગસ છેઃ લેણદારો ઘરે આવતાં હોઇ તેને ચુકવવા માવતરેથી પૈસા લઇ આવવા કહી સસરાએ પણ ત્રાસ ગુજાર્યાનો આરોપઃ નિકુંજ સકંજામાં: હાલ રામનગરમાં માવતરે રહેતી પરિણીતાની ફરિયાદ પરથી તાલુકા પોલીસે પતિ-સસરા વિરૂધ્ધ ઠગાઇ, બોગસ દસ્તાવેજ ઉભો કરવાનો અને દહેજધારાનો ગુનો નોંધ્યોઃ સર્ટિફિકેટમાં પોલીસ કમિશનરની સહી-સિક્કા કેવી રીતે કર્યા? તે સહિતના મુદ્દે તપાસ

રાજકોટ તા. ૩૦: હાલ કાલાવડ રોડના રામનગરમાં માવતરે રહેતી પરિણીતાએ મવડી ક્રિષ્ના પાર્કમાં રહેતાં પતિ, સસરા વિરૂધ્ધ છેતરપીંડી, પોલીસ કમિશનરનું ખોટુ સર્ટી બનાવવા અંગે તેમજ માવતરેથી પૈસા લઇ આવવાનું કહી ત્રાસ ગુજાર્યાની ફરિયાદ નોંધાવતાં તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે. લગ્ન પહેલા પતિએ પોતાને મેટોડામાં સોલાર ફેકટરી હોવાનું અને એ માટે પોલીસ કમિશનરે સર્ટી આપ્યાનું કહી સર્ટી બતાવ્યું હતું. પણ આ ખોટુ બોગસ હોવાનું બાદમાં પરિણીતાને જાણવા મળ્યું હતું.

આ બારામાં તાલુકા પોલીસે મવડી ચોકડી ક્રિષ્ના પાર્ક ૧૨-એમાં મૂનલાઇટ મારબલ સામે સાસરૂ ધરાવતી અને હાલ રાજકોટના રામનગર ગામે રહેતી નિમિષાબેન નિકુંજ રામાવત (ઉ.વ.૨૫)ની ફરિયાદ પરથી તેણીના પતિ નિકુંજ રામાવત અને સસરા કાલીદાસભાઇ ગોપાલદાસ રામાવત સામે આઇપીસી ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૮, ૪૭૧, ૪૯૮ (એ), ૩૨૩, ૧૧૪ તથા દહેજ પ્રતિબંધક ધારા હેઠળ ગુનો નોંધ્યો છે.

નિમીષાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે હું પતિ અને દિયર મીત તથા સસરા સાથે દોઢેક વર્ષથી રહેતી હતી. અમારા લગ્ન જ્ઞાતિના રિવાજ મુજબ થયા છે. નિકુંજે લગ્ન વખતે મને કહેલું કે મારે મેટોડા જીઆઇડીસીમાં સોલાર મેન્યુફેકચરીંગનું કારખાનુ છે. તેમજ તે માટે રાજકોટ પોલીસ કમિશનરરીએ સર્ટિફિકેટ પણ આપ્યા છે. તેવી વાત કરી હતી અને કાગળો બતાવ્યા હતાં. જેથી તેના પર વિશ્વાસ મુકી લગ્ન કર્યા હતાં. લગ્નના ચારેક મહિના પછી પતિએ કહેલ કે હવે આપણે કાલાવડ રોડ રાણી ટાવર પાસે નવું મકાન લીધું છે ત્યાં રહેવા જવાનું છે.

એ પછી રાણી ટાવર પાછળ હું, પતિ, દિયર સાથે રહેવા ગઇ હતી. બે માસ ત્યાં રહ્યા પછી મારા પતિ કારખાને જતાં ન હોઇ મેં કહેલ કે મારે પણ ફેકટરીએ આવવું છે. તો પતિએ ત્યાં બૈરાનું શું કામ હોય? તારે આવવાની જરૂર નથી તેમ કહ્યું હતું. ત્યારબાદ મેં પતિને પુછેલુ કે ઘરે કેમ માણસો રૂપિયાની ઉઘરાણીએ આવે છે? પણ તેણે આનો કંઇ જવાબ આપ્યો નહતોો. મેં જવાબ માંગતા કહેલ કે તારા બાપ પાસેથી રૂપિયા લઇ આવ, આ બધાને દેવાના છે. તેમ કહી મારકુટ કરી ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું. સસરાને વાત કરતાં તેણે પણ મને તારા પપ્પા પાસેથી રૂપિયા લઇ આવ તો બધાય માંગણાવાળાને આપી દઇએ તેમ કહી મેણાટોણા માર્યા હતાં.

પતિ-સસરા સતત મેણાટોણા મારી ત્રાસ આપતાં હોઇ હું કાલાવડ રોડ પરના રામનગરમાં માવતરે જતી રહી હતી. ત્યાં પણ પતિએ આવીને રૂપિયાની માંગણી કરી હતી. તેમજ હું માવતરેથી રૂપિયા લઇ આવું તો જ મને પાછી તેણી જશે તેમ બે ત્રણ વાર કહ્યું હતું. એ દરમિયાન મેં તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે મારા પતિને મેટોડામાં કોઇ જ ફેકટરી નથી. તેમજ રાજકોટ પોલીસ કમિશનરશ્રીએ પણ કોઇ સર્ટિફિકેટ આપ્યું નથી. જે સર્ટિફિકેટ તેણે બતાવ્યું હતું તે બોગસ હતું. આ ઉપરાંત રાણી ટાવર પાછળનું મકાન પણ પતિનું નહિ હોવાનું અને ૩૦ હજારના ભાડાથી રાખ્યાનું જાણવા મળ્યું હતું. હાલમાં આ મકાન ખાલી કરી પતિ મવડી ક્રિષ્ના પાર્કમાં રહેવા જતાં રહ્યા છે.

ગત ૨૭/૧૦ના રોજ મારા માતા-પિતા મારો સામાન, કપડા લેવા જતાં પતિ, સસરાએ કપડા સામાન ન આપી થાય તે કરી લેજો તેમ કહી ધમકી આપી હતી. મારા પતિએ પોલીસ કમિશનરશ્રીનું ખોટુ સર્ટિફિકેટ બતાવી લગ્ન કરી લીધા હતાં તેમજ મારો પ,૦૦,૦૦૦નો કરિયાવર પણ તેઓ ઓળવી ગયા છે. આથી બંને સામે ફરિયાદ નોંધાવવી પડી છે. તેમ વધુમાં નિમીષાબેને જણાવતાં પીઆઇ જે. વી. ધોળા, એએસઆઇ ભરતભાઇ વનાણી, ભાવેશભાઇ સહિતે ગુનો નોંધ્યો હતો. વિશેષ તપાસ પીએસઆઇ એ. જી. અંબાસણાએ હાથ ધરી હાલ પતિ નિકુંજને સકંજામાં લીધો છે. સર્ટિફિકેટ કયાં કેવી રીતે બનાવ્યું? સહી સિક્કા કયાં કરાવ્યા? તે સહિતના મુદ્દે તપાસ થઇ રહી છે. લગ્ન માટે કન્યાને પ્રભાવિત કરવા ખોટુ સર્ટિ બતાવ્યાનું રટણ નિકુંજે કર્યુ હતું.

(12:20 pm IST)