Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

રાજય સરકારના કૃષિ રાહત પેકેજનો લાભ લેવા રાજકોટ જિલ્લાના બે લાખથી વધુ ખેડુતોની અરજી

રાહત પેકેજનો લાભ લેવા અરજી કરવાની છેલ્લી તા. ૩૧ ઓકટોબર

રાજકોટઃ ભારત કૃષિ પ્રધાન દેશ હોવાથી ભારતના આર્થિક વિકાસમાં કૃષિનો સિંહફાળો રહેલો છે. આથી જ રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજયના ખેડુતોની આર્થિક સ્થિતિ મજબુત બને તે માટે ખાસ કૃષિ રાહત પેકેજ જાહેર કરેલ છે. આ કૃષિ રાહત પેકેજ અન્વયે સહાય મેળવવા રાજકોટ જિલ્લાના કુલ ૨,૦૫,૦૦૦ ખેડુતોએ અત્યાર સુધીમાં અરજી કરેલ છે.

આ યોજનાનો લાભ લેવા માટેની અંતીમ મુદત તા.૩૧ ઓકટોબર હોઇ જે ખેડુતોએ હજુ સુધી અરજી કરેલ ન હોય તેમને વહેલાસર અરજી કરવા અનુરોધ કરતા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી રમેશભાઇ ટીલવાએ જણાવ્યું હતું કે રાજયમાં ખેતીના સર્વાંગી વિકાસ માટે 'સાત પગલાં ખેડુત કલ્યાણના અંતર્ગત ખેડુતોને વિવિધ સહાયકારી યોજનાઓ માટે સહાય આપવાનું વિશેષ આયેાજન રાજય સરકાર દ્વારા અમલી છે. જે પૈકી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર સહાય યોજના અન્વયે ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે રાજય સરકાર રૂ.૩૦ હજાર સુધીની સહાય આપશે.જેનાથી ખેડૂતો પાકનો સંગ્રહ ગોડાઉનમાં કરી શકશે. તેમજ ચોમાસા સહિતની ઋતુઓની અસરથી પાકનો બચાવ કરી શકશે. આ યોજના અન્વયે રાજકોટ જિલ્લામાં કુલ ૫૭૩૮ અરજીઓ મંજુર થયેલ છે. તેમજ કિશાન પરિવહન યોજના હેઠળ રાજય સરકાર દ્વારા ખેડૂતો પોતાના માલ ખેતરથી ઘરે કે માર્કેટ યાર્ડ સુધી લઇ જઇ શકે તે માટે નાનુ માલવાહક વાહન ખરીદવા માટે રૂ.૫૦ હજારથી ૭૫ હજારની સહાય આપવામાં આવશે. આ યોજના અંતર્ગત રાજકોટ જિલ્લામાં કુલ ૧૭૩ ખેડુતોની અરજી મંજુર કરાઇ છે. 

(4:08 pm IST)