Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

પૂ. જલારામ બાપાની જન્મજયંતિએ જાહેર રજા રાખવા લોહાણા મહાજનની માંગ

લોહાણા મહાજનની કાંઇ પડી નથી ; ભાજપ સરકાર દ્વારા સંપૂર્ણ ઉપેક્ષાથી સૌરાષ્ટ્રમાં રોષ

સૌરાષ્ટ્રભરમાં લોહાણા મહાજનના પ્રમુખોની આગેવાનીમાં પૂ. જલારામબાપાની જન્મજયંતિ નિમિત્તે રજા જાહેર કરવા માંગણી થઇ હતી. અને સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર આવેદન પત્રો પાઠવવામાં આવ્યા હતા. જે તસ્વીરમાં નજરે પડે છે.

રાજકોટ, તા. ૩૦ :  પૂ. જલારામ બાપાની જન્મજયંતિએ રજા જાહેર કરવાની માંગ સાથે ગઇકાલે શ્રી રઘુવંશી હિત રક્ષા સમિતિ તેમજ ગુજરાતનાં લોહાણા મહાજનો દ્વારા રપથી વધુ સ્થળોએ કલેકટરશ્રી તથા મામલતદારશ્રીને આવેદન પત્રો પાઠવવામાં આવ્યા હતા.

લોહાણા મહાજન દ્વારા સૂર વ્યકત કરવામાં આવ્યો હતો કે લોહાણા મહાજનની કોઇ પડી ન હોય તેમ સંપૂર્ણ ઉપેક્ષા કરવામાં આવી રહી છે.

સૌરાષ્ટ્રભરમાં જલારામ જયંતિના રોજ જાહેર રજા રાખવાની રઘુવંશી સમાજની માંગ બુલંદ બની છે. અગાઉ અમરેલી, સાવરકુંડલા, વિસાવદર સહિતના શહેરોમા઼ આવેદનપત્ર પાઠવવામાં આવ્યા હતા. દરમિયાન સોમવારે રાજકોટ, જુનાગઢ, બાબરા, કોડીનાર સહિતના શહેરોમાં રઘુવંશી સમાજે જલારામ જયંતિના દિવસે જાહેર રજા રાખવાની માંગ સાથે સરકારમાં પોતાની લાગણીનો અવાજ પહોંચાડયો છે.

સૌરાષ્ટ્રમાં આવેલા વિરપુરમાં બિરાજતા લાખો લોકો માટે પૂજનીય એવા સંત સિરોમણી જલારામ બાપાની જન્મયંતિ ૧૪ નવેમ્બરના રોજ ભકિતભાવ સાથે ઉજવાશે. આ ધર્મોત્સવમાં દેશ-વિદેશથી ભાવિકો વર્ષોથી આવી રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રના રઘુવંશીઓ દ્વારા જલારામ જયંતિના રોજ જાહેર રજા રાખવાની માંગ વધુ બુલંદ બની છે.

અમરેલી, સાવરકુંડલા, વિસાવદર સહિતના વિસ્તારોમાં આ મુદ્દે અગાઉ આવેદન પત્ર પાઠવાવમાં આવ્યા હતા. દરમિયાન સોમવારે બાબરા લોહાણા સમાજ, જુનાગઢ, લોહાણા મહાજન, જુનાગઢ શહેર અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેવા અને લોહાણા પરિષદના નેજા હેઠળ જલારામ જયંતીના રોજ જાહેર રજા રાખવાની માંગ કરતું આવેદન પત્ર આપ્યું હતું.

ઉના લોહાણા મહાજનના પ્રમુખ મહેન્દ્રભાઇ ગટેચાની આગેવાનીમાં રઘુવંશી સમાજના લોકો ઉના જલારામ વાડીએથી એકઠા થઇ રેલી સ્વરૂપે ઉના પ્રાાંત અધિકારીની કચેરીએ પહોંચી ગયા હતા. રાજય સરકાર દ્વારા પ.પૂ. સંત શિરોમણી જલારામ બાપાની જયંતીની જાહેર રજાનું એલાન કરવાની માંગ સાથે ઉના પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું હતું. તેમ સૌરાષ્ટ્રના રઘુવંશી અગ્રણી શૈલેષભાઇ ઠક્કરની યાદીમાં જણાવ્યું છે.

(3:28 pm IST)