Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

જિલ્લા પંચાયત પ્રમુખ રાજીનામું ન આપે તો અવિશ્વાસ દરખાસ્ત

સત્તાના જોરે ફરી બગાવતની દિવાસળી મૂકાવી જનાદેશનું 'સૂરસૂરિયુ' કરાવવાનો ભાજપ પ્રેરિત પ્રયાસઃ ખાટરિયા વિરોધી રજૂઆત માટે કોંગી સભ્યોએ હાઇકમાન્ડનો સમય માંગ્યોઃ પંચાયતનું રાજકારણ વધુને વધુ ડહોળાતુ જાય છે

રાજકોટ, તા., ૩૦: જિલ્લા પંચાયતના રાજકારણમાં ફરી ગરમાવો આવી ગયો છે.   છેલ્લા અઠવાડીયામાં બનેલી ઘટનાઓને કારણે વર્તમાન પ્રમુખ અલ્પાબેન અર્જુનભાઇ ખાટરીયા અને ઉપપ્રમુખ સુભાષ માકડીયાએ સતા પર ટકવું મુશ્કેલ થઇ ગયું છે. બંન્ને રાજીનામુ ન આપે તો અવિશ્વાસ દરખાસ્ત લાવવાની ભાજપ પ્રેરીત તૈયારી થઇ રહી છે.  ગોંડલ-જસદણ પંથકમાંથી આ અંગેની હિલચાલ શરૂ થઇ છે. કોંગ્રેસના સભ્યોએ ખાટરીયાની નીતીરીતી સામે રજુઆત માટે પ્રદેશ કોંગ્રેસના નેતાઓનો સમય માંગ્યો છે.

ર૧ જુલાઇની કારોબારીના વિવાદનું બારોબાર સમાધાન તેમજ કાર્યકારી પ્રમુખ માકડીયા દ્વારા કારોબારી સમીતી સામેનું પ્રકરણ દફતરે કરવાના બનાવને કોંગી સભ્યો ખાટરીયા જુથનું મનસ્વી પગલું ગણાવી  વિરોધમાં આવી ગયા છે. કોંગ્રેસમાં આંતરીક અસંતોષ વધતા ભાજપને રસ પડયો છે. ખાટરીયા જુથમાં ભંગાણ કરાવી ફરી અવિશ્વાસ દરખાસ્તની તૈયારી શરૂ થઇ છે.  હાલ ખાટરીયા જુથમાં ગણાતા બે ભુતપુર્વ બાગીઓને સમગ્ર ગોઠવણ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. સામાન્ય સભા બોલાવવાની કોંગી સભ્યોની માંગણી  પ્રમુખે ન સ્વીકારતા અસંતોષ વધ્યો છે.

બીજી તરફ બાગીઓ કારોબારી સમીતી 'ટનાટન' ચલાવી રહયા છે. ખાટરીયા જુથના સભ્યોને કારોબારી જુથ તરફ વાળવા ભાજપે આકર્ષક પ્રયાસો શરૂ કર્યા છે. હવે ખાટરીયા જુથ સાથે રહેવાથી કોઇ ફાયદો નથી, તેવો પ્રચાર ભાજપ સમર્થીત બાગીઓએ ચલાવ્યો છે. એક વાત એવી પણ સંભળાઇ રહી છે કે પ્રમુખ-ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષ તે ત્રણેયના રાજીનામા લઇ નવેસરથી પદાધિકારીઓની પસંદગી કરવી. ભાજપને એના નિશાન પર ચુંટાયેલા સભ્યને પ્રમુખ બનાવવામાં રસ છે. જો તે શકય ન હોય તો અલ્પાબેન ખાટરીયા સામે બળવો કરાવી અન્ય કોઇ પણને પ્રમુખ તરીકે ટેકો આપવાની ભાજપની તૈયારી છે. સતાવાર રીતે કોંગ્રેસની સામે કોંગ્રેસના જ સભ્યો આવી રહયા છે. જેને પડદા પાછળથી ભાજપના આશીર્વાદ છે. ગયા જુલાઇ મહિનામાં મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ રાજકોટ જિલ્લા પંચાયત  તોડવાની આગાહી કરેલ તે સાચી પડવાની ભાજપને ફરી આશા બંધાણી છે. જો સતાપલ્ટો શકય ન હોય અને વહીવટી દ્રષ્ટિએ વાતાવરણ વધુ બગડે તો ભાજપે  પંચાયત સુપરસીડનો વિકલ્પ પણ ખુલ્લો રાખ્યો છ. પંચાયતના રાજકારણમાં દિવાળી પુર્વે અથવા દિવાળી પછી તુર્ત નવા ધડાકાના સંકેત મળી રહયા છે.

(12:10 pm IST)