Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

જિલ્લા પંચાયતમાં નવો ફણગો : ઉપપ્રમુખ કહે છે હું કાયદેસરનો કાર્યકારી પ્રમુખ હતો જ નહિ !

સભ્ય પદ બચાવવા કારોબારી સામેનું પ્રકરણ દફતરે કર્યાનો બચાવ

રાજકોટ, તા. ર૯ : જિલ્લા પંચાયતના કાર્યકારી પ્રમુખ તરીકે ઉપપ્રમુખ સુભાષ મોકડિયાએ કારોબારી સમિતિના નિર્ણયો પર રોક લગાવતા અપીલ સમિતિના સ્ટે. પ્રકરણને દફતરે કરેલ. તેમણે પ્રમુખની રજા વખતે પોતે કાયદેસરના પ્રમુખ હતા જ નહિં તેવો ઘટ્ટસ્ફોટ કરતા સમગ્ર વિવાદમાં નવો વળાંક આવ્યો છે.  પ્રમુખની ગેરહાજરીમાં કાર્યકારી પ્રમુખ તરીકે એક પખવાડિયું અધિકાર ભોગવ્યા બાદ આજે એકાએક ઉપપ્રમુખને પોતે કાર્યકારી પ્રમુખ હતા જ નહિ તેવો અહેસાસ થયો છે. તેમના આવા એકરારને પંચાયતના ઉંડા રાજકારણનો ભાગ માનવામાં આવે છે.

૪ દિવસ બાદ આજે જિલ્લા પંચાયતમાં આવેલા ઉપપ્રમુખશ્રી મોકડિયાએ પત્રકારોને જણાવેલ કે પ્રમુખ અલ્પાબેન ખાટરિયા રજા પર ગયા તે વખતે વિકાસ કમિશનરે તેમની રજા મંજુર કર્યાનો કોઇ પત્ર પંચાયતને મળ્યો નથી.  કાયદાકીય પ્રક્રિયાથી મને જવાબદારી ન મળે ત્યાં સુધી હું કાર્યકારી પ્રમુખ ગણાઉ નહિ. કિશોરભાઇ આંદીપરાની અરજી પર મેં અપીલ સમિતિ વતી સ્ટે. આપેલ. સ્ટે.ના કારણે મારૂ સભ્યપદ જોખમમાં મૂકાઇ શકે તેવું મને જાણકારોએ જણાવેલ. વહીવટી તંત્રએ મને સસ્પેન્ડ કરવાની નોટીસ પણ તૈયાર કરી નાખી હતી, તેથી મેં સભ્ય પદ પરનું જોખમ ટાળવા પ્રકરણ દફતરે કરવાની ફાઇલ પર સહી કરી છે. રેગ્યુલર પ્રમુખે સહી કરવાની ના પાડતા તેઓ રજા પર ઉતરી ગયા હતાં.

આ અંગે પત્રકારોએ ડે.ડી.ડી.ઓ. શ્રી ધીરેન મકવાણાને પૂછતા તેમણે જણાવેલ કે પ્રમુખ ૪ મહિનાથી વધુ સમય રજા પર જતા હોય તો જ વહીવટી પ્રક્રિયા કરી ઉપપ્રમુખને ચાર્જ આપવાનો થતો હોય છે નહિતર પ્રમુખની ગેરહાજરીમાં ઉપપ્રમુખ આપોઆપ પ્રમુખના કાર્યો કરવા માટે હકકદાર છે. અપીલ સમિતિને જિલ્લા પંચાયતની કોઇ સમિતિની કામગીરી પર સ્ટે. આપવાનો અધિકાર નથી. ઉપપ્રમુખે અપીલ સમિતિને લગતી ત્રણેય અરજીઓની ફાઇલ દફતરે કરવા માટે સહી કરી છે. કાર્યકારી પ્રમુખ તરીકેની કાયદેસરતાનો મુદ્દો અપ્રસ્તુત છે. તેમણે સહી કરેલ પ્રકરણ દફતરે જ ગણાય. (૮.૧૯)

(3:29 pm IST)