Gujarati News

Gujarati News

News of Saturday, 30th September 2023

લોધાવાડ ચોક પોલીસ ચોકી નજીક જલારામ પાન એન્‍ડ કોલ્‍ડ્રીંક્‍સમાં વધુ એકવાર ચોરી

તુષારભાઇ સુચકની દૂકાનના પાછળના દરવાજાને તોડી ચોર અંદર ઘુસી રોકડ, મોબાઇલ એસેસરી સહિતની ચીજવસ્‍તુ ચોરી જવામાં આવતાં પોલીસને જાણ કરવામાં આવી

રાજકોટ તા. ૩૦: શહેરમાં તસ્‍કરોએ ફરીથી ઉપાડો લીધો છે. બે દિવસ પહેલા કેનાલ રોડ પર વોંકળામાંથી થઇ કારખાનામાં ઘુસેલા તસ્‍કરો બાદમાં કારખાનાની દિવાલમાં બાકોરૂ પાડી આજુબાજુની ત્રણ દૂકાનોમાંથી હાથફેરો કરી ગયા હતાં. ત્‍યાં આજે લોધાવાડ પોલીસ ચોકી પાસે આવેલી પાન-કોલ્‍ડ્રીંક્‍સની દૂકાનમાં ચોરી થઇ છે.

જાણવા મળ્‍યા મુજબ લોધાવાડ પોલીસ ચોકી નજીક સત્‍યનારાયણ નિવાસ ખાતે રહેતાં અને પોલીસ ચોકીની બાજુમાં જ જલારામ પાન એન્‍ડ કોલ્‍ડ્રીંક્‍સ નામે દુકાન ચલાવતાં તુષારભાઇ રમણીકભાઇ સુચક (ઉ.વ.૪૩)ની દૂકાનમાં ચોરી થતાં તેમણે પોલીસને જાણ કરી હતી. તુષારભાઇના કહેવા મુજબ સવારે પોતે વહેલા જાગ્‍યા હોઇ દૂકાન ખોલતાં અંદર બધુ વેરવિખેર જોવા મળ્‍યું હતું. તસ્‍કરો દૂકાનનો પાછળનો લાકડાનો દરવાજો કે જે પાછલી શેરીમાં પડે છે તેમાં લોખંડની કોઇ વસ્‍તુથી બાકોરા પાડી અંદર હાથ નાંખી આંકડીયો ખોલી નાંખી અંદર ઘુસી ગયા હતાં. તસ્‍કરો રોકડ, મોબાઇલ ફોનની એસેસરીઝ સહિતની માલમત્તા ચોરી ગયા છે.

તુષારભાઇએ વધુમાં જણાવ્‍યું હતું કે અગાઉ પણ એક વખત એકાદ લાખની માલમત્તા ચોરાઇ ગઇ હતી. આ વખતે ફરીથી તસ્‍કરોએ મારી દૂકાનને નિશાન બનાવી છે. પોલીસ સત્‍વરે ચોરને શોધી કાઢે તેવી અમારી માંગણી છે. જ્‍યાં ચોર ત્રાટક્‍યા તે દૂકાન, અંદર વેરવિખેર ચીજવસ્‍તુ અને દરવાજામાં નુકસાન કરાયું તે જોઇ શકાય છે.

(4:05 pm IST)