Gujarati News

Gujarati News

News of Saturday, 30th September 2023

બાયોડીઝલ પ્રકરણમાં વધુ રીમાન્‍ડની માંગણી રદ થયા બાદ સરકારે કરેલ રિવિઝન અરજી રદ

રાજકોટ, તા.૩૦: રાજકોટ ક્રાઈમ બ્રાંચે માલિયાસણ નજીક મારૂતિ પેટ્રોલીયમમાં રેડ કરી બાયોડીઝલ સીઝ કરી ૭ આરોપીઓ વિરુદ્ધ ગુન્‍હો દાખલ કર્યો હતો. આ ગુનામાં પકડાયેલ બે આરોપી દિપેશ હસમુખ મેહતા તથા રાજેશ રામ ચાવડાની સાત દિવસની રીમાન્‍ડ મેળવવા કોર્ટમાં રજુ કરી ૭ દિવસના રિમાન્‍ડ માંગેલા જે રદ થતા કલમ ઉમેરી ફરી ૭ દિવસના રીમાન્‍ડની માંગણી કરતો રીપોર્ટ નીચેની અદાલતમાં કરેલો. જે પણ નામંજૂર થયેલ. ત્‍યારે હવે આ હુકમ સેશન્‍સ અદાલતમાં પડકારતા સેશન્‍સ અદાલતે પણ રિવિઝન અરજી નામંજૂર કરી છે.

કેસની વિગત મુજબ, રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર માલીયાસણ પાસે રાજકોટ ક્રાઈમ બ્રાંચે મારૂતિ પેટ્રોલીયમમાં રેડ કરી રૂ.૧,૪૦,૬૮,૦૦૦ નો મુદામાલ બાયોડીઝલ સીઝ કરી કુલ ૭ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી તેમાંથી પકડેલ બે આરોપીઓ દિપેશ તથા રાજેશની સાત દિવસની રીમાન્‍ડ મેળવવા દસ કારણો સાથે અદાલતમાં રજુ કરતા રિમાન્‍ડની માંગણી અદાલતે નામંજુર કરી હતી. આરોપીઓને જેલ હવાલે કરાયા હતા. આ પછી ક્રાઈમ બ્રાંચે આ ગુનામાં કલમ ઉમેરા રીપોર્ટ આપી બાદ ૧૪ કારણો સાથે ફરી ૭ દિવસના રીમાન્‍ડની માંગણી કરતો રીપોર્ટ અદાલતમાં મુકયો હતો. જેથી આરોપીના એડવોકેટ સુરેશ ફળદુએ વાંધા રજુ કરી દલીલ કરેલી કે, પોલીસે કામગીરી બતાવવા પુરવઠાને સાથે રાખ્‍યા વગર રેડ કરી મુદ્દામાલ સીઝ કરી લીધેલ. જ્‍યારે હકીકત એ છે કે, આ મુદ્દામાલ પુરવઠા વિભાગે અગાઉથી જ સીઝ કરેલો હતો. જેથી રીમાન્‍ડની માંગણી કોઈ જ સંજોગોમાં ગ્રાહ્ય રહી શકાય નહી. દલીલો ધ્‍યાને લઈ એડિશનલ ચીફ જ્‍યુડી. મેજિસ્‍ટ્રેટની કોર્ટે રિમાન્‍ડની માંગણી નામંજૂર કરી હતી. જેથી નીચેની અદાલતના આ હુકમ સામે સરકાર પક્ષે ક્રાઈમ બ્રાંચે સેશન્‍સ કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરી હતી. જેની સામે આરોપીના એડવોકેટે દલીલો કરેલી કે, નીચેની અદાલતે પ્રથમ રીમાન્‍ડ નામંજુર કરેલ તે હુકમ પોલીસે પડકારેલ નથી. અને બીજી વખત નીચેની અદાલતમાં રીમાન્‍ડની માંગણી કરી નીચેની અદાલત પાસેથી ક્રાઈમ બ્રાંચ રીવીઝનલ અદાલતનું કામ કરાવવા પ્રયાસ કરેલ. જે નીચેની અદાલતે ગ્રાહય ન રાખી જે હુકમ કરેલ છે તે યથાયોગ્‍ય હોય, કોઈ ક્ષતિ કે ભુલ રહી જવા પામેલ ન હોય ત્‍યારે નીચેની અદાલતનો હુકમ રદ કરી પોલીસને રીમાન્‍ડનો છૂટો દોર આપી શકાય નહી. જે ધ્‍યાને લઇ સેશન્‍સ કોર્ટે રિવિઝન અરજી રદ કરતો હુકમ કર્યો છે.

 આ કેસમાં આરોપીઓ વતી એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા, કિશન મોડલીયા, ભાવીક ફેફર, જય પીઠવા તથા મદદમાં યુવરાજ વેકરિયા, નિરવ દોંગા, કેતન પરમાર, પ્રિન્‍સ રામાણી, આર્યન ક.ોરાટ રોકાયેલ હતા

(4:25 pm IST)