Gujarati News

Gujarati News

News of Saturday, 30th September 2023

સર્વેશ્વર ચોકમાં જ્‍યાંથી વોકળો પસાર થાય છે ત્‍યાં નવો સ્‍લેબ બનાવાશે : પદાધિકારીઓનો નિર્ણય

મ્‍યુ. કમિશનરની મહત્‍વની જાહેરાત : કન્‍સલ્‍ટન્‍ટ પાસેથી ડીઝાઇન મેળવી બાદમાં કાર્યવાહી

રાજકોટ તા. ૩૦ : શહેરના યાજ્ઞિક રોડ પર આવેલ સવેશ્વર ચોકમાં ગત રવિવારે રાત્રે શિવમ કોમ્‍પલેક્ષ બહારના વોંકળા પરનો સ્‍લેબ ધસી પડવાની દુર્ઘટના ઘટી હતી. આ ઘટના સર્જાતા મનપા તંત્ર દ્વારા  સ્‍ટ્રકચર સ્‍ટેબિલીટી સહિતની તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. ત્‍યારે આજે મનપાના પદાધિકારી અને અધિકારીઓ દ્વારા મહત્‍વનો નિર્ણય લેવામાં આવ્‍યો છે. સર્વેશ્વર ચોકમાં જ્‍યાંથી વોકળો પસાર થાય છે ત્‍યાં નવો સ્‍લેબ બનાવાશે.

આ અંગે મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડીંગ કમિટિ ચેરમેન જયમીનભાઇ ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનર આનંદ પટેલે જણાવ્‍યું છે કે, શહેરના સવેશ્વર ચોકમાં રોડ પરનો ભાગ જ્‍યાં નીચેથી વોકળો પસાર થાય છે એ જગ્‍યાએ ટૂંક સમયમાં કન્‍સલ્‍ટન્‍ટ પાસેથી ડીઝાઇન મેળવી જરૂરીયાત મુજબ નવો સ્‍લેબ નાવવાનો નિર્ણય નાગરિકોની સલામતી ધ્‍યાનમાં લઇને કરવામાં આવેલ છે.

સર્વેશ્વર ચોકમાં રસ્‍તાના ભાગે આવેલ વોકળા સિવાયના રસ્‍તાનો ઉપયોગ કરવા માટે વેપારી અને રાહદારીઓને મહાપાલિકા દ્વારા છૂટછાટ આપવામાં આવી છે. ગત તા. ૨૪ના રોજ સર્વેશ્વર ચોક ખાતે બનેલ ઘટના અન્‍વયે ચોકના રસ્‍તાના ભાગે આવેલ સ્‍લેબનું સ્‍ટ્રકચરલ સ્‍ટેબિલિટી માટેનું ટેસ્‍ટીંગ હાથ ધરવામાં આવ્‍યું હતું જે બાદ આ નિર્ણય લેવામાં આવ્‍યો છે.

(3:52 pm IST)