Gujarati News

Gujarati News

News of Saturday, 30th September 2023

ધારેશ્વર સોસાયટીમા દેણું થઇ જતાં વિજય પટેલનો ફાંસો ખાઇ આપઘાત

મુળ વિજાપુરનો વતનીઃ બે સંતાને પિતાનું છત્ર ગુમાવ્‍યું : સરધાર પાસે ઉમરાળીમાં વિજય જાદવનો ઝાડમાં લટકી આપઘાત

રાજકોટ તા. ૩૦: ઢેબર રોડ અટિકા સાઉથમાં મા અંબા ખોડલ મંદિરથી આગળ આવેલી ધારેશ્વર સોસાયટી-૨ શેરી નં. ૫માં રહેતાં વિજયભાઇ સિતારામભાઇ પટેલ (ઉ.વ.૨૯) નામના મુળ વિજાપુરના યુવાને ઘરે પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

બનાવની જાણ થતાં ભક્‍તિનગરના  પીએસઆઇ પી. જી. રોહડીયા અને રાઇટર રવિભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર વિજયભાઇ કારખાનામાં મજુરી કરતો હતો. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેને જુગાર રમવાની આદત હોઇ દેણું થઇ જતાં મુંજવણમાં આવી ગયો હતો. દરમિયાન આજે પતિ-પત્‍નિ વચ્‍ચે કલેશ પણ થતાં તેણે આ પગલુ ભરી લીધાનું સ્‍વજનોએ કહ્યું હતું.

બીજા બનાવમાં સરધારના ઉમરાળી ગામે રહેતાં વિજયભાઇ હીરાભાઇ જાદવ (ઉ.વ.૩૦) નામના યુવાને ઘરના ફળીયામાં ઝાડમાં લટકી જઇ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. તેનો મગજ ભમતો હોઇ આ પગલુ ભર્યાનું જણાવાયું હતું. તે કારખાનામાં મજૂરી કરતો હતો અને કુંવારો હતો. આજીડેમ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(4:26 pm IST)