Gujarati News

Gujarati News

News of Saturday, 30th September 2023

નાના મોટા ફરસાણ, મીઠાઇ, ડેરી ફાર્મ, નમકીન વાળાઓને ત્‍યાં જ તપાસનો ધમધમાટ શા માટે ? મોટી કંપનીઓને ત્‍યાં રીયલ ચેકીંગ ક્‍યારે થશે ?

નાના મોટા ફરસાણ, મીઠાઇઓના ધંધાર્થી, ડેરી ફાર્મ, નમકીનના ધંધાર્થીને ત્‍યાં રોજેને રોજ તંત્ર દ્વારા રેડ પડે છે. ચેકીંગ કરી રહ્યા છે તે ખૂબ સારી વાત છે પણ શું ફૂડ ક્‍વોલિટી લુઝ નમકીનવાળા અથવા લુઝ ફરસાણ વેચવાવાળાની જ ખરાબ છે ? આવો સવાલ પૂછાઇ રહ્યો છે.

નમકીનના, મીઠાઇના મોટી કંપનીઓના પેકીંગ ૫, ૧૦, ૨૦, ૫૦ રૂા. વાળા પેકીંગ રોજ કરોડો રૂપિયાના વેચાય રહ્યા છે. તે શું ખરેખર ખાવા લાયક છે ? એમના સેમ્‍પલ કેમ લેવાતા નથી ? તેમાં નમક, તેલ, ઘીનું પ્રમાણ જળવાય છે ખરા ? શું બ્રાન્‍ડેડ કંપનીઓના પેકીંગમાં ખરેખર શુધ્‍ધ જ બધું હોય છે? નાના વેપારીઓને રોજ પરેશાન કરી રહેલા આરોગ્‍ય ફૂડ ઇન્‍સ્‍પેકટરો ક્‍યારેક મોટા ગજાની ગણાતી કંપનીઓના પણ સેમ્‍પલ લેજો એટલે તમને આઇડિયા આવી જશે. બ્રાન્‍ડેડ પેકીંગ જાણે કે સો ટકા શુધ્‍ધ જ હોય એવું કદાચ આરોગ્‍ય ખાતાનું માનવું હશે.

ફૂડ ઇન્‍ડસ્‍ટ્રીઝમાં અત્‍યારે ખૂબ જ ચર્ચા થઇ રહી છે.. બે મોટા ગજાના નમકીનના ભાઇઓ અલગ થયા. એક ભાઇએ નવી કંપનીની સ્‍થાપના કરી માર્કેટમાં ઘૂસવા માટે બેફામ ભાવ ઘટાડી, તોડી અને હરીફાઇમાં નાના વેપારીઓનો ભૂક્કો બોલાવી મુશ્‍કેલીઓ સર્જી દીધી છે. ૧૦૦ રૂપિયાના કિલોના રીટેલ આઉટલેટ ખોલવામાં આવ્‍યા. માર્કેટમાં માલ ઠાલવવા - ઘુસાડવા માટે સામ-દામ-દંડ-ભેદની નીતિ જાણે કે પૂરજોશમાં અમલમાં મૂકી ન હોય ? તેવી પણ ચર્ચા છે.

બજારમાં ચર્ચા તો એવી છે કે, શું નાના હોલસેલરોને ત્‍યાં કોઇના ઇશારે ફૂડ ખાતાઓની રેડ પડી રહી છે ? અમુક બ્રાન્‍ડેડ કંપનીઓ તો બહારથી માલ લઇને અને પોતાના પેકીંગ કરી રહ્યાનું પણ જાણકારોમાં ચર્ચાય છે. ત્‍યારે કોઇપણ શેહશરમ વિના નાના-નાના વેપારીઓની પાછળ પડવાને બદલે મોટી - જાયન્‍ટ કંપનીઓ, ઉત્‍પાદકો, વિક્રેતાના માલનું ચેકીંગ થાય તો ઘણું બધું બહાર આવે તેવું પણ ચર્ચામાં તો જ છે જ. ૧૦૦ રૂપિયાનું કિલો ફૂડ તેલ છે, ઉપરાંત બેસનના, બળતણ, મજુરી, પેકીંગ ચાર્જ, ટ્રાન્‍સપોર્ટેશન જેવા અનેક ચાર્જ લાગે છે, તો પણ મફત જેવા ભાવે સો રૂપિયાના કિલો લેખે માર્કેટમાં ફરસાણ વેચવા માટે ગજબનો ખેલ ખેલાઇ રહ્યા છે. સહુ સમજે છે કે ૧૦૦ રૂપિયાના કિલો ફરસાણમાં ક્‍વોલિટી કેવી હોય શકે છે ?

તંત્ર જો શેહ-શરમ, લોભ-લાલચ, ગમો-અણગમો છોડીને સમાન રીતે મોટાઓ ઉપર પણ તૂટી પડે તો કદાચ ન માન્‍યામાં આવે તેવું પણ બહાર નિકળી આવે તેવી શક્‍યતા ચર્ચાઇ રહી છે.

(3:49 pm IST)