Gujarati News

Gujarati News

News of Saturday, 30th September 2023

મોહનદાસથી મહાત્‍મા સુધીની સફરમાં ‘સત્‍ય'નું બળ અગ્રેસર

રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીએ જીવનમાં સત્‍ય અને અહિંસાનું ચુસ્‍તપણે આચરણ કરીને ભારત દેશ ઉપર ૧પ૦ વર્ષથી શાસન કરતા અંગ્રેજોથી ભારતને સ્‍વતંત્ર કર્યુ. વિશ્વમાં ઘણા યુધ્‍ધો અને લડાઇઓ તથા સ્‍વતંત્ર સંગ્રામોની ઘટનાઓ બની છે. ક્રાંતિઓ થઇ છે, તેમજ રાજકીય ઉથલપાથલ થતી હોય છે. પરંતુ સત્‍ય અને અહીંસાના માર્ગોથી મેળવેલી સ્‍વતંત્રતા માત્ર સમગ્ર વિશ્વમાં કદાચ ભારતની હોઇ શકે. ભારતીય સંસ્‍કૃતિમાં સત્‍યના પાઠ રાજા હરીશચંદ્ર અને તારામતીના જીવનથી લઇને સ્‍વતંત્રતાની લડતમાં મહાત્‍મા ગાંધીના સત્‍ય અને અહિંસા અને સ્‍વતંત્ર ભારતના મુદ્રાલેખ ‘સત્‍ય મેવ જયતે' સુધીના મુળીયા ખૂબ ઉંડા છે. સત્‍યના સંસ્‍કારો ભારતીય સંસ્‍કૃતિમાં ખૂબ મહત્‍વના છે.

ભારતની સુપ્રીમ કોર્ટના તત્‍કાલીન મુખ્‍ય ન્‍યાયમૂર્તિશ્રી ટી. એસ. ઠાકુર તા. રપ-૪-ર૦૧૬ ના રોજ નવી દિલ્‍હી ખાતે વિજ્ઞાન ભવનમાં પ્રધાન મંત્રીશ્રીની ઉપસ્‍થિતિના વિવિધ રાજયોના ન્‍યાયમૂર્તિઓની કોન્‍ફરન્‍સમાં  જાહેરમાં રડી પડયાની ઘટના  સમગ્ર ન્‍યાયતંત્ર અને મીડિયામાં ચર્ચાવા લાગી. આ ઘટનાના ઉંડાણમાં જઇએ તો સત્‍ય સર્વોપરી સાબિત થયુ છે. કારણ કે ન્‍યાયમૂર્તિને રડવાનું કારણ શું હોઇ શકે ? જેમાં ‘સત્‍ય' પ્રેરક બળ રહ્યું છે.

ભારતના રાષ્‍ટ્રીય મુદ્રાલેખ ‘સત્‍ય મેવ જયતે' ને નજર સમક્ષ રાખીને કાર્ય કરતા ભારતના મુખ્‍યન્‍યામૂર્તિશ્રી ટી. એસ. ઠાકુર ન્‍યાયતંત્રના રીફોર્મ અને ગતિ તેમજ વર્તમાન ન્‍યાય વ્‍યવસ્‍થાના વિષયને લઇ કોર્ટમાં કેસોના ભરાવાને લઇને માન. પ્રધાનમંત્રીશ્રી સમક્ષ સત્‍ય અહેવાલ રજૂ કરી દીધો છે. કેસોના નિકાલ કરતા ૪પ૦ વર્ષ જેટલો સમય લાગશે. કેન્‍દ્ર સરકારની શું તૈયારી છે...? આવી ઘટના ખૂબ વિરલ છે. આવી શકિત સમગ્ર જગતમાં માત્ર ‘સત્‍ય મેવ જયતે' માં રહેલી છે.

‘અસતો મા સદ્‌્‌ગમયં' અસત્‍ય તરફ નહિ, સત્‍ય તરફ ગમન કરો. તેમાં જ કલ્‍યાણ છે. ‘સત્‍ય' શબ્‍દ જ કેટલો સરળ અને સુંદર છે. ઇશ્વર સત્‍ય છે. આત્‍મા સત્‍ય છે. આપણી માનવી તરીકેની ફરજ છે કે સત્‍ય અને અસત્‍યનો તફાવત જાણવાનો પ્રયત્‍ન કરે. સત્‍ય એ આધ્‍યાત્‍મિક જગતનું સર્વશ્રેષ્‍ઠ રત્‍ન છે. આથી જ આપણા પ્રખર રામાયણી કથાકાર પરમ વંદનીય શ્રી મોરારીબાપુ સુખે  પણ વારંવાર ‘સત્‍ય, પ્રેમ અને કરુણા' ના શબ્‍દો સાંભળવા મળે છે.

આમ સત્‍યનો આશરો લેનાર અને સત્‍યને અપનાવવાથી મનુષ્‍ય શકિતનો ભંડાર બની જાય છે. તમે હંમેશા સત્‍ય બોલો. તમારા વિચારોને સત્‍યથી ભરપુર બનાવીને હંમેશા સત્‍યનું આચરણ કરો અને પોતાના સત્‍યથી તરબોળ રાખવાથી એક એવું પ્રચંડ બળ પ્રાપ્ત થશે.

કન્‍ફયુશિયસ કહેતા હતા કે સત્‍યમાં હજાર હાથી જેટલુ બળ હોય છે. પરંતુ એટલુ જરૂર છે કે, સત્‍યમાં રહેલા અપાર બળની સરખામણી ભૌતિક જગતના બીજા કોઇપણ બળ સાથે કરી શકાતી નથી. વિશ્વને સત્‍ય અને અહિંસાનો સંદેશો આપનાર રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીને યુગપુરૂષ, મહામાનવી કે રાષ્‍ટ્રપિતા તરીકે પ્રસ્‍થાપિત કરવામાં ‘સત્‍ય' નું બળ સૌથી અગ્રેસર ગણી શકાય. આમ જગતને જીતવા માટે ‘સત્‍ય' થી મોટુ કોઇ સાધન નથી.

લેખક :-

વિનોદ એ. પાનેલીયા, એડવોકેટ,

મો. ૯૪ર૭ર ર૧૧૪૬

(4:22 pm IST)