Gujarati News

Gujarati News

News of Saturday, 30th September 2023

માધાપરની કરોડોની જમીન માલિકીની હોવાનો દાવો ફગાવતા સીટીપ્રાંત સંદિપ વર્માઃ કલમ ૩૭/ર હેઠળ ધરખમ ચૂકાદો

પાર્ટીએ ૩પ વર્ષના સમયગાળા બાદ નવી માપણી બાદ જમીન ઘટી જતા દાવો દાખલ કર્યો હતો : સૂનાવણીમાં રેકર્ડ ઉપર વાંધા રજૂ ન કરી શકાયાઃ રેવન્‍યુ સર્વે નં.૧ર/૧પ મુજબ જમીન બીનખેતી પણ છેઃ પ્રમાણીત પણ કરી લેવાઇ છે

રાજકોટ તા. ૩૦ : રાજકોટ સીટીપ્રાંત-ર શ્રી સંદિપ વર્માએ ગઇકાલે સાંજે કલમ ૩૭/ર હેઠળના એક કેસમાં કરોડોની સરકારી જમીન ૪ એકર ૭ ગૂંઠા પોતાની માલીકીની હોવાનો દાવો કરનાર ખાનગી પાર્ટી અંગેનો કેસ ચલાવી પાર્ટીની માંગણી ફગાવી દેતો ચૂકાદો આપી કરોડોની જમીન ખાનગી ફેરવી દેતા બચાવી લીધી છે, અને કલેકટરને રીપોર્ટ પણ કરી દેવાયો છે.

કલેકટર કચેરીના અધિકારી સૂત્રોના કહેવા મુજબ માધાપરમાં માવજીભાઇ લખમણભાઇ ડોડીયા અને તેમના વારસદારો જયદેવ માવજીભાઇ ડોડીયા તથા દેશળ માવજીભાઇ ડોડીયા તેમજ સ્‍વ. નિર્મળસિંહ માવજીભાઇ ડોડીયા અને વારસદારો ગં.સ્‍વ. રમાબેન નિર્મળસિંહ અને માધવસિંહ નિર્મળસિંહની માપણી પહેલા માધાપર સર્વ નં. ૮૮ ની ૧૩ એકર ૮ ગુંઠા, તથા જૂના સર્વે નં.૯૩માં ૪૪ એકર ૧૭ ગુંઠા સહિત કુલ પ૭ એકર જમીન આવેલી હતી.

અધિકારી સૂત્રોએ ઉમેર્યુ હતું. કે આ પછી ૧૯પપના નિયમ મુજબ ઉપરોકત જમીનની નવી માપણી થઇ તેમાં સર્વે નં.૯૩ ની જમીનમાંથી ૩ એકર રપ ગૂંઠા અને સર્વે નં. ૮૮ ની રર ગુંઠા મળી કુલ ૪ એકર ૭ ગૂંઠા જમીન ઘટી ગઇ હતી, એટલે કે સરકારી જાહેર થઇ હતી.

આ પછી ૧૯૬૭ માં ર૦૬ નંબરની નોંધ પણ પડી ગઇ, અને તે આજ સૂધી યથાવત રહી, ત્‍યાર બાદ ઉપરોકત બંને સર્વે નંબર હાલ રેવન્‍યુ સર્વે નં. ૧ર અને ૧પ થઇ ગયા છે, અને આ જમીન બીનખેતી પણ થઇ ગઇ અને તે નોંધ પણ પ્રમાણીત થઇ છે.

અધિકારી સૂત્રોએ ઉમેર્યુ હતું કે ઉપરોકત ૪ એકર ૭ ગૂંઠા જમીન ઘટી ગઇ અને તે સરકારી સાબીત થતા ૩પ વર્ષ બાદ ઉપરોકત પાર્ટીઓએ આ જમીન સરકારની નહિ, પરંતુ અમારી છે તેવો કલમ ૩૭/ર હેઠળ દાવો દાખલ કરતા સીટીપ્રાંત-ર સમક્ષ કેસ શરૂ થયો, તેમાં સૂનાવણી દરમિયાન પણ પાર્ટીઓ દ્વારા અગાઉ વાંધાઓ રજૂ કરાયા હોય તેવું રેકર્ડ ઉપર દર્શાવી નહિ શકતા, આખરે ઉપરોકત પાર્ટીનો દાવો સીટીપ્રાંત-ર શ્રી સંદિપ વર્માએ ફગાવી લઇ કલમ ૩૭/ર હેઠળ કરોડોની ૪ એકર ૭ ગુંઠા જમીન સરકારની જ હોવાનો હુકમ કરી દિધો છે, પ્રાંતશ્રી વર્માએ ગઇકાલે સાંજે આ ચૂકાદો જાહેર કરી રીપોર્ટ પણ કરી દીધો છે.

(3:38 pm IST)