Gujarati News

Gujarati News

News of Saturday, 30th September 2023

જિલ્લા પંચાયતમાં નવા શાસકોની પ્રથમ સામાન્‍ય સભા તા. ૯મીએ

અઢી વર્ષ માટે સમિતિઓની રચનાનો ધમધમાટ કોટડાસાંગાણીમાં ૯મીએ, લોધિકામાં ૧૦મીએ તાલુકા પંચાયતની સામાન્‍ય સભા

રાજકોટ, તા. ૩૦ : જિલ્લા પંચાયતની  ખાસ સામાન્‍ય સભા તા. ૯ ઓકટોબરે યોજવાનું નક્કી થયું છે. આજે અથવા મંગળવારે એજન્‍ડા બહાર પડે તેવી સંભાવના છે. રવિવારે અને સોમવારે રજા છે. પંચાયતની સમીતીઓની રચના માટે ખાસ સામાન્‍ય સભા મળી રહી છે. પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, ઉપપ્રમુખ  રાજુ ડાંગર અને કારોબારી અધ્‍યક્ષ જાહેર થયેલા પી.જી.કયાડા સંગઠન સાથે ચર્ચા કરી સામાન્‍ય સભાની તારીખ નક્કી કરી છે.

ગઇ તા.૧૩મીએ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ કાર્યભાર સંભાળેલ છે. કારોબારી સહીતની સમીતીઓની મુદત ૨૮ ઓકટોબરે પુરી થઇ રહી છે. નવેસરથી સમીતીઓની રચના માટે તા.૧૦ ઓકટોબર આસપાસ સામાન્‍ય સભા મળશે. ખાસ સામાન્‍ય સભા હોવાથી પ્રશ્નોતરી રહેશે નહી. તે નવા શાસકોની પ્રથમ સામાન્‍ય સભા બની રહેશે. પાર્ટીએ સમીતીના અધ્‍યક્ષ તરીકે નો રીપીટ થીયરીનો આદેશ આપ્‍યો છે. તેનો અમલ થાય તો આવતા અઢી વર્ષ જિલ્લા પંચાયતમાં શાસનમાં નવા ચહેરા આવશે.

ઉપરાંત જુદી જુદી તાલુકા પંચાયતોમાં સમિતિઓની રચના માટે સામાન્‍ય સભા મળનાર છે. જેમાં કોટડાસાંગાણીમાં ૯મીએ, લોધીકામાં ૧૦મીએ, રાજકોટમાં તા. ૪ના તાલુકા પંચાયતની સામાન્‍ય સભા મળશે.

(12:17 pm IST)