Gujarati News

Gujarati News

News of Saturday, 30th September 2023

હળવદ હાઇવે ઉપરના ‘ડબલ મર્ડર' કેસમાં ૨૬ શખ્‍સોનો નિર્દોષ છૂટકારો

મોરબી - હળવદ પંથકના ચકચારી ડબલ મર્ડરના કેસમાં મોરબી સેસન્‍સ કોર્ટનો ચુકાદો : મહત્‍વના સાક્ષીઓ હોસ્‍ટાઇલ થયા : નજરે જોનાર સાહેદો નથી : એડવોકેટ ભગીરથસિંહ ડોડીયા - જીતુભા જાડેજાની દલીલો કોર્ટે સ્‍વીકારી

રાજકોટ તા. ૩૦ : હળવદથી આગળ ધ્રાંગધ્રા હાઇવે ઉપર ગોપાલકધામ મંદિર પાસે ઈન્‍દ્રજીતસિંહના બેસણામાં જતા દરબાર શખ્‍સોએ કરેલ ભરવાડ શખ્‍સોના ડબલ મર્ડરના ગુન્‍હામાં પકડાયેલ ૨૬ આરોપીઓ સામેનો કેસ ચાલી જતા મોરબીના મુખ્‍ય સેસન્‍સ જજ પી.સી.જોષીએ તમામ આરોપીઓને નિર્દોષ છોડી મુકેલ છે.

સદરહું બનાવની હકીકત જોવામાં ફરીયાદી રામાભાઈ રેવાભાઈ ગવતર દ્વારા એવી ફરીયાદ આપવામાં આવેલ કે તા.૭/૭/ર૦૧૭ ના રોજ ધ્રાંગધ્રામાં ઈન્‍દ્રજીતસિંહ દરબારની હત્‍યા થયેલ હોય જેમાં આરોપીઓ તરફે ભરવાડ જ્ઞાતીના લોકો હોય અને તેનું બેસણું તા.૧૩/૭/ર૦૧૭ ના રોજ રાખેલ હોય તેમાં આરોપીઓએ આગલા દીવસે એટલે કે તા.૧ર/૭/ર૦૧૭ ના રોજ ધનવંતરી ગ્રાઉન્‍ડ જામનગર ખાતે એક મીટીંગનું આયોજન કરેલ હોય અને નકકી કરેલ કે મોટી સંખ્‍યામાં રેલી સ્‍વરૂપમાં ક્ષત્રીય સમાજની એકતા દર્શાવવા માટે જામનગરથી ગાડીમાં નીકળીને ધ્રાંગધ્રા જવાનું અને તા.૧૩/૭/ર૦૧૭ ના રોજ આ કામના ફરીયાદી તથા ભરવાડ જ્ઞાતીના લોકો હળવદથી આગળ ધ્રાંગધ્રા હાઈવે પર ગોપાલક ધામ મંદીરે વિદ્યાર્થીના સન્‍માન સમારોહના આયોજન માટે ભેગા થયેલ હોય ત્‍યાં ૩-૩૦ થી ૩-૪પ દરમ્‍યાન બંને પક્ષો વચ્‍ચે કોઈ કારણોસર પથ્‍થરમારો થતા આ કામના આરોપીઓએ પોતાના વાહનો ઉભા રાખતા ભરવાડ જ્ઞાતીના લોકો જોવા નીકળતા પથ્‍થરમારાના કારણે આ કામના આરોપીઓએ એકસંપ કરી ગેરકાયદેસર મંડળી રચી વાહનોમાંથી નીચે ઉતરી ભરવાડ જ્ઞાતીના લોકો દરબાર વિરૂઘ્‍ધ ભેગા થયેલ હોય તેવો ખાર રાખી જીવલેણ હથીયારો પાઈપ, છરી, ધોકા લાકડી વડે હુમલો કરી બે ભરવાડ શખ્‍સો જેમાં એક રાણાભાઈ ભલુભાઈ તથા ખેતાભાઈ નાગજીભાઈ ભરવાડનું મૃત્‍યુ નીપજાવેલ તેમજ અન્‍ય ત્રણ વ્‍યકિતઓને ગંભીર ઈજાઓ થયેલ હોય જે અંગે હળવદ પોલીસ સ્‍ટેશન દ્વારા સદરહું બનાવમાં આઈ.પી.સી. કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૦ર, ૩ર૪, ૪૩પ, ૪ર૭, ૩૪, ૧ર૦(બી) તથા જી.પી.એકટની કલમ ૧૩પ મુજબનો ગુન્‍હો નોંધી કુલ ર૬ દરબાર શખ્‍સોની અટક કરી જેલ હવાલે કરેલ હતા.

 બાદમાં સદરહું ફરીયાદમાં પોલીસ દ્વારા વિવિધ પંચનામાઓ કરી સાહેદોના નીવેદનો નોંધી મુદામાલ કબ્‍જે કરી આરોપીઓ વિરૂઘ્‍ધ અદાલતમાં ચાર્જશીટ કરવામાં આવેલ હતું. ચાર્જશીટ થયા બાદ સદરહું કેસ ચાલવા પર આવતા સદરહું કેસમાં ફરીયાદપક્ષ તરફે અટક પંચનામાના પંચો, સ્‍થાનીક જગ્‍યાના પંચો તેમજ સાહેદો, ડોકટર તથા પોલીસ સાક્ષીઓ મળી કુલ-ર૬ જેટલા સાહેદો આ કામે તપાસવામાં આવેલ હતા.

ત્‍યારબાદ સદરહું કેસ ચાલી જતા સદરહું કેસ ફાઈનલ દલીલ પર આવેલ હતો. જેમાં આરોપી તરફે એવી દલીલો કરવામાં આવેલ કે આ કેસમાં આરોપીઓ સામે કોઈ સીધો પુરાવો નથી કે કોઈ આડકતરો પુરાવો પણ મળી આવેલ નથી તેમ છતા પોલીસ દ્વારા આ કેસમાં ખોટી રીતે ફીટ કરી દેવામાં આવેલ છે તેમજ ડોકટર રૂબરૂ ફરીયાદી તથા અન્‍ય વ્‍યકિતઓએ જે હીસ્‍ટ્રી આપેલ છે તેમાં પ૦૦ થી ૧૦૦૦ માણસોના ટોળાની વાત કરવામાં આવેલ છે તેમજ સદરહું આરોપીઓની કોઈ ઓળખ પરેડ કરવામાં આવેલ નથી તેમજ સદરહું આરોપીઓ બનાવ વખતે હાજર હતા કે કેમ તેવો પણ કોઈ પુરાવો મળી આવતો નથી તેમજ બનાવમાં મરણ પામેલ ખેતાભાઈ નાગજીભાઈ ભરવાડનું મૃત્‍યુ હાર્ટએટેકના કારણે થયેલાનું પી.એમ.રીપોર્ટમાં આવેલ અને મહત્‍વના સાક્ષીઓ હોસ્‍ટાઈલ થયેલ છે.

સાક્ષીઓએ જુબાની આપેલ છે તેઓએ જણાવેલ છે કે બનાવ બન્‍યા બાદ તેઓ સ્‍થળ પર આવેલ તેઓએ આવો કોઈ બનાવ નજરે જોયેલ નથી તેમજ આરોપીને સાંકળતો કોઈપણ જાતનો પુરાવો મળી આવતો નથી તેમજ ફરીયાદપક્ષ પોતાનો કેસ સાબીત કરવામાં નિષ્‍ફળ ગયેલ છે જેથી આરોપીને નિર્દોષ છોડી મુકવા જોઈએ.

અદાલત દ્વારા ફરીયાદપક્ષે રજુ થયેલ પુરાવાઓ તેમજ આરોપી તરફેની દલીલો તથા આરોપી તરફે રજુ થયેલ સુપ્રિમ કોર્ટ તથા ગુજરાત હાઈકોર્ટના વિવિધ ચુકાદાઓ ઘ્‍યાને લઈ તમામ ર૬-દરબાર આરોપીઓ (૧) ગોપાલસિંહ જોધસિંહ શેખાવત (ર) મહેન્‍દ્રસિંહ ઉર્ફે મેંદીયો લખધીરસિંહ સોઢા (૩) યોગેન્‍દ્રસિંહ ભરતસિંહ પરમાર (૪) વિજયસિંહ બટુકસિંહ જાડેજા (પ) મયુરસિંહ ચંદ્રસિંહ સોઢા (૬) કૃષ્‍ણસિંહ ઉર્ફે મહાકાલ અભેસિંહ ઝાલા (૭) હરીશચંદ્રસિંહ ઉર્ફે ભીખો કનકસિંહ ઝાલા (૮) મહેન્‍દ્રસિંહ ઉર્ફે કનૈયો રણજીતસિંહ જેઠવા (૯) મહાવીરસિંહ બહાદુરસિંહ જાડેજા (૧૦) દેવેન્‍દ્રસિંહ મુળુભા જેઠવા (૧૧) અનિરૂઘ્‍ધસિંહ પ્રવિણસિંહ વાઢેર (૧ર) ભરતસિંહ ઉર્ફે ભાણુભા ભીખુભા જાડેજા (૧૩) ઘનશ્‍યામસિંહ બચુભા જાડેજા (૧૪) હરદીપસિંહ ઉર્ફે હાર્દીકસિંહ ઉર્ફે ડંકો સહદેવસિંહ સોઢા (૧પ) ધ્રુવકુમાર ઉર્ફે ટીનુભા પ્રહલાદસિંહ જાડેજા (૧૬) ધર્મપાલસિંહ ઉર્ફે કુંડી દેવેન્‍દ્રસિંહ જાડેજા (૧૭) જયદીપસિંહ નરેન્‍દ્રસિંહ ઝાલા (૧૮) ગજેન્‍દ્રસિંહ ઉર્ફે પીન્‍ટુ અજીતસિંહ જાડેજા (૧૯) પૃથ્‍વીસિંહ દીલીપસિંહ જાડેજા (ર૦) હરદેવસિંહ સુરૂભા પરમાર (ર૧) રાજેન્‍દ્રસિંહ ઉર્ફે રાજભા લાલુભા જાડેજા (રર) વિજયસિંહ લાલુભા વાળા (ર૩) ઈશ્‍વરસિંહ સતુભા જાડેજા (ર૪) ઋષીરાજસિંહ દીલીપસિંહ જાડેજા (રપ) જયરાજસિંહ વનરાજસિંહ ઉર્ફે જગુભા જાડેજા (ર૬) મહાવીરસિંહ દીલાવરસિંહ ઉર્ફે દીલીપસિંહ રાયજાદા, બધા રહેઃ- જામનગરવાળાને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ હતો.

 આ કામમાં રાજકોટના ધારાશાસ્‍ત્રી ભગીરથસિંહ ડોડીયા, મોરબીના જીતુભા જાડેજા, મીલન જોષી, જયવિર બારૈયા, ખોડુભા સાકરીયા, દિપ પી. વ્‍યાસ, રવિરાજસિંહ જાડેજા, જયપાલસિંહ સોલંકી, સાગરસિંહ પરમાર, એડવોકેટ તરીકે રોકાયેલ હતા.

 

(1:46 pm IST)